Rahul Gandhi on PM Narendra Modi: રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત મળ્યા છે અને તેમનામાં કોઈ દમ નથી. તેમણે કોંગ્રેસના 'OBC ભાગીદારી ન્યાય સંમેલન'માં આ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન જ્યારે સવાલ કર્યો કે, દેશમાં સૌથી મોટી સમસ્યા શું છે, ત્યારે ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ વડાપ્રધાનનું નામ લીધું. તેના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ મોટી સમસ્યા નથી. મીડિયાના લોકોએ માત્ર ફુગ્ગો બનાવી રાખ્યો છે. હું તેમને મળી ચૂક્યો છું, રૂમમાં તેમની સાથે બેઠો છું. તે માત્ર 'શૉ-બાજી' છે, કોઈ દમ નથી.’ રાહુલ ગાંધી ન માત્ર દેશની સૌથી જૂની પાર્ટીના સાંસદ છે, પરંતુ લોકસભામાં વિપક્ષના નેતા પણ છે. એવામાં, દેશના વડાપ્રધાન માટે આવી ભાષાનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે?
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ભાગીદારી ન્યાય સંમેલન'ને સંબોધતા રાહુલ ગાંધીએ OBC વર્ગના હિત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, પરંતુ એ પણ સ્વીકાર્યું કે જે રીતે તેમણે અને કોંગ્રેસે આ વર્ગના હિતોનું રક્ષણ કરવાનું હતું, તે રીતે તે કામ થયું નથી. તેમણે કહ્યું કે, તેઓ હવે OBCના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજે છે અને તેમના હિતોને સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું 2004થી રાજકારણમાં છું અને મને 21 વર્ષ થઈ ગયા છે. જ્યારે હું પાછળ ફરીને આત્મનિરીક્ષણ કરું છું, ત્યારે મેં ક્યાં યોગ્ય કામ કર્યું અને ક્યાં કમી રહી, ત્યારે મને 2-3 મોટા મુદ્દાઓ દેખાય છે, જેમ કે જમીન સંપાદન બિલ, મનરેગા, ભોજનનો અધિકાર, ટ્રાયબલ બિલ, નિયમગીરી માટે લડાઈ, મેં આ બધા કાર્યો બરાબર કર્યા. જ્યાં સુધી આદિવાસીઓ, દલિતો, મહિલાઓના મુદ્દાઓની વાત છે, ત્યાં મને સારા માર્ક્સ મળવા જોઈએ. મેં સારું કામ કર્યું.’
તેમણે આગળ કહ્યું કે, જ્યારે હું થોડું પાછળ ફરીને જોઉં છું, ત્યારે એક વાત સ્પષ્ટ નજરે પડે છે કે એક વિષય પર મારી કમી રહી. કોંગ્રેસ પાર્ટી અને મારા કામમાં ખામી રહી ગઈ, મારે OBC વર્ગનું જે રીતે રક્ષણ કરવું જોઈતું હતું, એ રીતે મેં ન કર્યું. તેનું કારણ એ હતું કે હું તે સમયે OBCના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજી શક્યો નહોતો. હું મંચ પરથી કહું છું કે 10-15 વર્ષ અગાઉ, હું દલિતોને પડતી મુશ્કેલીઓને ખૂબ સારી રીતે સમજી ગયો હતો. તેમના મુદ્દાઓ આપણી સામે છે, તે સરળતાથી સમજી શકાય છે, પરંતુ OBCની સમસ્યાઓ છુપાયેલી રહે છે. જો મને તે સમયે તમારા મુદ્દાઓ અને સમસ્યાઓ બાબતે ખબર હોત, તો હું તે સમયે જ જાતિ વસ્તી ગણતરી કરાવી દેતો. એ મારી ભૂલ છે, જેને હું સુધારવા જઈ રહ્યો છું. જોકે, તે એક રીતે તે સારું જ થયું, કારણ કે જો મેં તે સમયે જાતિગત વસ્તી ગણતરી કરાવી હોત, તો આજ જેવી સ્થિતિ ન હોત.
આ પહેલી વાર નથી, જ્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી માટે આવી ભાષાનો ઉપયોગ કર્યો હોય. તેઓ અગાઉ પણ આમ કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ રાફેલ ફાઇટર જેટ ડીલને લઈને 'ચોકીદાર ચોર હૈ' કહ્યું હતું. તેમણે આ અંગે વારંવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. જોકે, બાદમાં તેમને સુપ્રીમ કોર્ટમાં માફી માગવી પડી હતી. રાહુલે ચીનના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનને લઈને બોલતા ડરે છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાએ આર્થિક મુદ્દાઓ અને હિંડનબર્ગ મામલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટા શબ્દોથી સંબોધિત કર્યા હતા.