બ્રહ્માંડની અજાયબી ગણાય એવા આ મંદિર નીચે આખું શહેર હોવાનું કહેવાય છે!

બ્રહ્માંડની અજાયબી ગણાય એવા આ મંદિર નીચે આખું શહેર હોવાનું કહેવાય છે!

09/26/2020 Magazine

મહેશ પુરોહિત
મારે મંદીરીયે
મહેશ પુરોહિત
શિક્ષક, વિચારક

બ્રહ્માંડની અજાયબી ગણાય એવા આ મંદિર નીચે આખું શહેર હોવાનું કહેવાય છે!

‘મારે મંદિરીયે’ શ્રેણીમાં આ મારો પ્રથમ લેખ છે. એટલું જ નહિ પણ ગંભીરપણે કટાર લેખનની શરૂઆત પણ આ જ લેખથી થઇ રહી છે. એટલે આ લેખમાં એક એવા મંદિરની વાત કરું, કે જેની વિશેષતાઓ બાબતે વિશ્વભરના વૈજ્ઞાનિકો મોં માં આંગળા નાખી ગયા હોય, તો એથી રૂડું બીજું શું?! ભારતના સમૃદ્ધ વારસાની ઝાંકી આપતા આ મંદિર વિષે જાણીને તમને ય સાનંદાશ્ચર્ય થયા વિના નહિ રહે!


મહારાષ્ટ્રના ઓરંગાબાદ માં આવેલી ઈલોરા ગુફા જાણીતી છે. ઈલોરાની જ ગુફા નંબર - ૧૬ માં ‘કૈલાસ મંદિર’ આવેલું છે. સામાન્યપણે કોઈ પણ બાંધકામ ઈંટ, પથ્થર, સિમેન્ટ, ચૂનો કે માટી જેવા મટીરિયલ્સમાંથી બનતું હોય છે. પરંતુ તમને જાણી ને નવાઈ લાગશે કે દસ માળ જેટલું ઉચુ આ મંદિર એક જ પહાડ માંથી કોતરી ને બનાવેલ છે. દુનિયામાં પહાડ કોતરીને ઘણા બાંધકામો બનાવાયા છે. પરંતુ તે તમામ કોતરણી ‘Cut In Monolith’ પદ્ધતિથી બન્યા છે. અર્થાત, પહાડને ઉપરથી કોતરતા જઈને મંદિર બનાવાયું છે. ધારો કે આપણું ઘર એક પહાડ કોતરીને બનાવવાનું હોય, તો એમાં સૌપ્રથમ આપણે દરવાજો કોતરીએ. પણ કૈલાશ મંદિર ‘Cut Out Monolith’ પદ્ધતિએ બન્યું છે. આ પદ્ધતિમાં સૌથી પહેલા અગાસી કોતરવી પડે, અને ત્યાર બાદ નીચેનું આખું સ્ટ્રક્ચર કોતરતા જવું પડે! આ પદ્ધતિ અતિશય અઘરી ગણાય. અને એટલે જ આખા વિશ્વમાં ‘Cut Out Monolith’ પદ્ધતિથી થયેલું આ સૌથી મોટું અને આવડા કદનું એકમાત્ર બાંધકામ છે. (world’s largest monolithic structure)


આ મંદિરનું ઐતિહાસિક વિવરણ ઘણા બધા મતાંતરોથી ભરપૂર છે. ચાલો એના પરથી થોડી ધૂળ ખંખેરવાનો પ્રયત્ન કરીએ. એક ઈતિહાસ એવો છે કે આઠમી સદીમાં ‘રાષ્ટ્રકૂટ’ વંશના રાજા નરેશ કૃષ્ણ (પ્રથમ) દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું. બાંધકામમાં ૧૮ વર્ષ લાગ્યા! જો કે દાવા અંગે આશ્ચર્યની સાથે શંકા પણ જાગે એ સ્વાભાવિક છે. જો મંદિરની રચના માટે ૪,૦૦,૦૦૦ ટન (૪૦,૦૦,૦૦,૦૦૦ કિલો) પત્થર કોતરવો પડ્યો હોય તો ૧૮ વડે ભાગતા દર વર્ષે આશરે ૨૨,૦૦૦ ટન પત્થર કોતરવો પડે! આ હિસાબે જો રોજ બાર કલાક કામ કરવામાં આવ્યું હોય તો દર કલાકે પાંચ ટન પત્થરની કોતરણી થતી હતી! પત્થરની આટલા મોટા પ્રમાણમાં કોતરણી તો આજે આધુનિક મશીનરીઝ સાથે પણ શક્ય નથી હોતી! માટે જ આ દાવા પર શંકા અને આશ્ચર્ય બન્ને થાય છે. એક બીજો દાવો જે આ મંદિર ની બહાર પણ શિલાલેખ ( ASI દ્વારા લખેલ ) પર લખેલ છે કે તેને બનાવતા ૨૦૦ વર્ષ લાગ્યા મતલબ કે દસેક પેઢી સુધી આ કામ ચાલુ રહ્યું! આ દાવો સાચો માનીએ તો વિચાર આવે કે એ લોકોનું એકબીજા પ્રત્યેનું અને ભગવાન શિવ પ્રત્યેનું સમર્પણ કેવું ઊંચું હશે!


જો કે કેટલાક ઈતિહાસકારોના આ દાવાને પણ ઘણા લોકોએ સ્વીકાર્યો નથી. એમનું કહેવું છે કે આ મંદિર હજારો વર્ષ જૂનું હોવું જોઈએ. આજ સુધી યુરોપ, અમેરિકા સહિતના અનેક દેશોના વૈજ્ઞાનિકો, આર્કિયોલોજીસ્ટ્સ વગેરેએ સંશોધન કર્યું પણ હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય ઉપર પહોંચી શક્યું નથી. કેટલાય લોકો તો આ મંદિર માનવનિર્મીત છે તેવું માનવા જ તૈયાર નથી! એમના મત મુજબ જે-તે સમયે ભારતીય લોકોને કોઈક ‘પરગૃહવાસી જીવો-એલિયન્સ’નો સાથ મળ્યો હોય તો જ આ શક્ય છે. વિશ્વના ઐતિહાસિક સ્થળો બાબતે ડોક્યુમેન્ટ્રી બનાવતી ‘History Channel’ દ્વારા પણ કૈલાશ મંદિર વિષે નાનકડી ફિલ્મ બનાવવામાં આવી છે. એમાં પણ એ લોકો એ દાવો કર્યો છે કે આ મંદિર માનવનિર્મિત હોવાની શક્યતા ઓછી છે.


એ લોકો એ તો ત્યા સુધી કહ્યું કે જે રીતે 3D printer દ્વારા આજે ચોક્કસ આકાર ઉપસાવીને બનાવી શકાય છે, તેવી જ રીતે આ મંદિર પણ ‘The spark of wondrous machines’ દ્વારા જ બનાવેલું હોવું જોઈએ. કારણકે પહાડ કોતરવાથી નીકળેલા ૪,૦૦,૦૦૦ ટન પથ્થરો દૂર દૂર સુધી કશે દેખાતા નથી! પહાડમાંથી કોતરાયેલા એ પથ્થરોનો વિશાળ જથ્થો આખરે ગયો ક્યાં?! અહીં લખાયેલા એક સંસ્કૃત શ્લોકમાં પણ ઉપર લખ્યું એવા મશીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ઘણા લોકોનું કહેવું છે કે કૈલાસ મંદિર ફરતે લખાયેલ હજારો સંસ્કૃત શ્લોકોમાં જ આનું રહસ્ય વર્ણવાયેલું હોવું જોઈએ. આજદિન સુધી આ શ્લોકો ઉકેલી શકાયા નથી!


કૈલાસ મંદિરની બાંધણી આખરે કઈ રીતે થઇ, એનું ખરું રહસ્ય આજદિન સુધી સ્પષ્ટ થયું નથી. એટલે એ રહસ્યની વાત આટલેથી જ અટકાવીને હવે મંદિરની અપ્રતિમ સુંદરતા અંગે વાત. મંદિર એટલું નયમરમ્ય છે કે એની મુલાકાતે આવનાર મુસાફર બાકીની દુનિયા ભૂલીને મંદિરમાં જ મગ્ન બની રહે છે. અહીં આશરે દસ માળ જેટલી ઉંચી કૃતિ છે. મંદિર જમીનથી ૨૫ ફીટ ઊંચાઈએ છે. તેની નીચે ફરતે હાથીઓની સુંદર મૂર્તિઓ કોતરવામાં આવી છે. જોનારને એવું લાગે કે જાણે આખું મંદિર અસંખ્ય હાથીઓની પીઠ પર સ્થાપવામાં આવ્યું છે! આ ઉપરાંત રામાયણ અને મહાભારતના કિસ્સાઓને પથ્થર પર કોતરવામાં આવ્યા છે. અદભૂત કારીગરી દર્શાવતું આ કોતરણીકામ મન ન મોહી લે તો જ નવાઈ.


મોગલો દ્વારા પૌરાણિક ભારતીય સંસ્કૃતિને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું એ નિર્વિવાદ હકીકત છે. ઇસ ૧૬૮૨માં ઔરંગઝેબે આ મંદિર તોડી પાડવા માટે આદેશ આપેલો. આશરે એક હજાર લોકોએ ત્રણ વર્ષ સુધી મજૂરી કરી, પરંતુ તેઓ આ મંદિરને સંપૂર્ણપણે નષ્ટ ન જ કરી શક્યા! મૂર્તિનું મુખ કે પછી હાથીની સૂંઢ અને પૂંછડી જેવા ભાગો જ તોડી શક્યા! અંતે હાર માની લઈને એ લોકોએ મંદિર તોડવાનું રહેવા દીધું.

 

એક માન્યતા એવી પણ છે કે આ મંદિરની નીચે એક રહસ્યમય શહેર છે. એક ગુપ્ત બોગદા દ્વારા ત્યાં જઈ શકાય છે. પરંતુ અંદર રેડીયો એક્ટિવીટીની હાજરી વર્તાતી હોવાથી ત્યાં સુધી જવાની મંજૂરી નથી અપાતી. કેટલાકનું કહેવું એમ છે કે કૈલાશ મંદિર જેવી જ રેડિયો એક્ટિવીટી કૈલાસ પર્વત પર પણ જોવા મળે છે!

આવા તો અનેક રહસ્યો આ મંદિરમાં ધરબાયેલા છે. એ બધું ક્યારે ઉજાગર થશે, આજે કે હજારો વર્ષો પછી, એની કોઈને નથી ખબર!


૨૦૧૭માં મેં મારા વિદ્યાર્થીઓ સાથે આ મંદિરની મુલાકાત લીધેલી. રહસ્યોના તાણા વાણા સમજવામાં આપણે અતિવામણા છીએ, પણ એ સ્થળની દિવ્યતા હવામાં અનુભવાતી હતી. આ એક એવું બાંધકામ છે જે આકાશમાંથી પણ સ્પષ્ટ દેખાય છે. તેની આજુબાજુ આવેલા એક પણ મંદિર આકાશમાંથી દેખાતા નથી!

આપણી કમનસીબી એ છે કે આવો અદભૂત વારસો ભારતમાં ઠેકઠેકાણે જોવા મળે છે. પરંતુ મોગલો-અંગ્રેજો અને ત્યાર પછીના આઝાદ ભારતના કેટલાક ઇતિહાસકારો સુધ્ધાંએ આવા અદભૂત વારસાની ધરાર અવગણના જ કરી છે! મંદિરોને ‘અંધશ્રદ્ધાનો મુદ્દો’ બનાવી કૂથલી કરતાં સો કોલ્ડ બુદ્ધિજીવીઓએ પણ ભારતનો આવો પૌરાણિક વારસો વૈજ્ઞાનિક અભિગમથી તપાસીને, એક અદભૂત વિજ્ઞાન સ્વરૂપે એનો સ્વીકાર કરવો જ જોઈએ. બાકી તો સહુ સહુના બાયસની (પક્ષપાતની) વાત છે.

આવતા શનિવારે ફરી પાછા એક જુદા જ મંદિરના ઐતિહાસિક વારસાને માણીશું.

હર હર મહાદેવ!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top