હેલો તિસમારખાંઓ.. કે હાલ હે ભાયા? આપડે તો જલસા છે હોં. એક મિનિટ, જલસો એટલે બચ્ચનસાહેબના ઘરની વાત નથી મિત્રોં..એ તો આપણે મુંબાયમાં છે. અમારું એન્ટિલા છે ને..તે મુંબાયયય..જલસો એટલે આપણે તો નર્યો આનંદ છે એમ. રાજેસબાબુ ને બાબુમોસાયવાળી આનંદ પિચ્ચરની વાત નથી. આજે કેમ તમને આવું બધું જ સૂઝે છે તે સમજાતું નથી. તમે તો હમોને ય મુંબાયની યાદ અપાવીને સુખડી યાદ કરાવી દીધી. મિસીંગ ઇટ ટુ મચ હોં. એ ય ને ધીમા તાપે ઘીમાં લોટ સેકાતો હોય ને એની ખુસ્બુ આખા એન્ટિલામાં ફરી વળે. એ સુગંધથી તો કોઈ અભાગિયુ હોય તે જ સુખડીનું દીવાનુ ન થાય, આઇ ટેલ યુ. પણ હમોએ હવે ક્યાં લેવા જવી કહો જોય. અહીં હાથીગઢમાં કોને કહેવું? એકવાર લખીડોસી બનાવી લાવેલી. સારી જ હતી પણ અમારે ત્યાં જેવી તો નહીં જ. જો કે, ની મામા કરતા કહેણો મામો ય ખોટો નહીં. ફરી ક્યારે બનાવશે ભગવાન જાણે. અન્ન આપે તેનો અનાદાર એટલે અન્નનો અનાદાર. અન્ન તો દેવતા કહેવાય દેવતા. પણ તમે તો તિસમારખાં..તમે તો જાત્તે પોત્તે જ પોતાને દેવતા માનો. સુખડીના નામે હમો દુ:ખી થઈએ તે યોગ્ય ન કહેવાય. એના તો નામમાં ય સુખ ભર્યું પડ્યું છે. હયમજા કે નય? વોટેવર, આપણે ચાલો પેલી ત્રિપુટી પાસે. ફૂરરર.. રરરર
ચિંટુ: ઓ ભગવાન..આ ચેવી વિટમણામાં મેકી દીધો છ તમારા ભગતને? ગોમવારા રશી લેવા માટે મોનતા નહીં ઇમને ચ્યમના હમજાવવા? પિંટુ તનઅ કોંય હુજઅ છ? બાપજી તમે ય બોલજો હોં કોંય હૂજે તો ..
બાપજી: હરિ: ઓમ્મમમમમ..હમ કહાં હે?
ચિંટુ: આ પાલ્ટીને તો પોતે ચ્યોં છ ઇનુ ય ભોન નહે. એ શુ શમશ્યાનો હલ આલશે.. કોંય નહે..બાપજી રેને દો તુમતારે..ફેરથીન શો જાવ. મશ્ત નશકોરે બોલતે થે હોં..
પિંટુ: ચિંટુમારાજ..ઓ ચિંટુમારાજ..મેં હું કેતો છે કેઉં? આ બાપજી પોતે કંઈ હલ ની આપવો પડે એટલે હમ કહાં ને તુમ કહાં વારા નાટક કરતા લાગતા છે. હુ કેવ તમે?
ચિંટુ: જી હોય એ..આપડે શું હેં? તું મને કહે કંઈ ઉપાય છ તારી પોંહે? કોઈ જાદૂઇ લાકડી આલે તો હવડે ગોમ પર ફેવરી દઉં કે બધા ય રશી લઇ લે છોનામોના. વોંધો હુ છ એ જ નહીં હમજાતું. પિંટુ, છગનાને પુછ જોય. ઇને તો ખબર જ હશે. એની ડોશીને જ બહુ નાટક છ.
પિંટુ: ના, એ અદકપાંહરીને મેં કંઈ પૂછવા ની જાવ. તમને બો મનફાવે તેમ બોલતો છે. ને મારાથી એને મારી પડાહે તો તમને ની ગમહે.
બે યાર, આ લોકો ક્યારે સરખી રીતે બોલશે? કેટલું ધ્યાન રાખીને સાંભળવું પડે છે ત્યારે માંડ સમજાય છે. તમને સમજાયું? ન સમજાયું હોય તો હમો ભાષાંતર કરી દઈએ. આપણા સિલિન્ડર બાબાએ તો આ વખતે અહીં ખાટલો તોડવા જ પધરામણી કરી લાગે છે. જ્યારે જુઓ ત્યારે ચક્કી ચાલુ જ હોય. કે પછી ગાયની જેમ વાગોળતા હશે? છગનલાલને બોલાવવા ચિંટુલાલ જશે એમ લાગે છે.
ચિંટુ: હાર તો..બેશ તું..મું જ બોલઇ લાવું છગનને. આપડે આટલું બધું પેલા રથવારા થોથામોં રોજ વોંચીએ છીએ કે ગુશ્શો નહીં કરવાનો તો ય તને શેનો ગુશ્શો આવ છ? ગુશ્શો મુર્ખાની નિસાની છ. ચેટલીવાર હમજાવવાનો હારા બૂડથલ. બાપજીને જોજે..ખાટલેથી રગડી જશે ને તને ખબરેય નહી પડે.
પિંટુ: ના ના ચિંટુભાયયયય..તુમ રેને ડો..હમ જા કે બોલા લાતે હે છગને કો..વો કંઈ બી બોલેગા તો મેં કુછ ની બોલુંગા પછી છે કંઈ?
ચિંટુ: હં જો એમ ડાયો રેતો હોય તો ચેટલો વાલો લાગ છ. દોડતો જા ને દોડતો બોલાવતો આય. ઇને જતા રેહવાનું કુણે કહેલું ભગવાન જોણે. ભાવ ખાય છ હવડેનો બહુ..
પિંટુ: યસ મેરે આક્કા..વૃમમમમમમ વૃમમમમમમ..
ચિંટુ: એ ય, જા હવે ફટોફટ.. ઢોંપલી થતી..
પિંટુલાલ ટ્રેન છૂટી જવાની હોય એમ દોડ્યો છે પણ આ ચિંટુ પિંટુ ખરેખર કંઈ હલ લાવે એમ લાગતું નથી. ખાલી વાતોના વડાં જ કર્યા કરે છે. છગનને ખબર હશે કારણ તો ય એ આ પિંટુના કહેવાથી શું લેવા પાછો આવે? અથવા એમને કારણ પણ શું કામ કહે? ચિંટુ પિંટુને નીચાજોણાની એકેય તક ચૂકતો નથી એ ઝેરીલો માણસ નામે છગન આમને કોઠું નહીં જ આપે, લખી રાખો. પિંટુ તો ભારે ઝડપી નીકળ્યો. જોઇ લો બોસ..એકલો જ આવ્યો ને? લાલઘૂમ ચહેરો જોઈને કહી શકાય કે પેલાએ કંઈ ખરીખોટી કહી હશે. આપડે કહીએ એ ફાઈનલ જ હોય.
ચિંટુ: આઈ ય જ્યો અલા? પેલો ટણીમાસ્તર ના આયો ? મન ગરા શુધીની ખાતરી હતી કે એ નઈ જ આવ. કંઈ નહીં હેંડ. કશુ કહ્યું કે કેમ બધા રશીની ના કહે છે?
પિંટુ: તમને બો છે એ છગનીયાનું.. અવે જો એ તમારા વિસે ગમ્મે એમ બોયલો છે તો મેં એને ઓઝટ મારી મૂકા.
ચિંટુ: શોંત મારા ગદાધારી ભીમ શોંત.. તું આપડે મુદ્દાની જ વાત કર. ઇણે મને જી કીધુ હોય એ.. રશી નહીં લેવાનું કારણ કહ્યુ કે નય ?
બાપજી: આ ગયે મેરે સેર ? ક્યા સમસ્યા હે? માદેવજી સે અપની ડાયરેક બાત ચલ રહી હે.. જલદી બોલો..
પિંટુ: ચિંટુભાય..આ બાપજી નક્કી નોટંકી છે હારા..એમને હો એકુ દહાડે પરહાદી આપી મુકા મેં..જોજો તમે..
ચિંટુ: હવે તુ ડાહ્યલીનો થયા વિના જે પૂછું છું એનો જવાપ આલ દિયોર.
પિંટુ: હા, એ હમ્મેસના ડાહ્યલીપાંચમે એમ કહ્યું કે એની ડોશીને એમ છે કે રસી લેવાઠી એને એટેક આવહે. એટેક ની આવહે તો આંખે દેખાતું બંધ થઈ જહે..ની તો ચલાતુ બંધ થઈ જહે. કંઈ ની થહે તો એ ગાંડી થઈ જહે એવો એને પાક્કો ભરોહો છે.
ચિંટુ: હેં? ડોશી આવું બધું માન છ? ને બીજાને ય જડબેસલાખ મનાવડાવે છ? પણ હું તને કહું પિંટુડા..આમાંનું કશુય થતું નહીં. બધા ટાઢા પોરના ગપગોરા છ.
પિંટુ: તે મેં તો જાણતો જ છે આ બધું. તમે જ તો કેહ્યલું તે દિવસે હાંજે કે રસી લેવાઠી કઈ તકલીફો એક કે બે દાહડા પૂરતી થતી છે તે. છગનો આ બધું બોયલો તે પહેલાં તમારી ઉડાવતો હુતો એટલે મને કાર બરેલો જ હતો ને એમાં ડોસી ગાંડી થઈ જહે એમ બોઇલો તે મેં કેહી આઇપું કે ડાહ્યા ઓય તે ગાંડા થાય. ને તારી ડોહી તો આખ્ખા ગામને ગાંડુ કરે એવી છે. એ હાની ગાંડી થાય? તો એ મારી પછાડી ચંપલ લેઈને દોડ્યો. એટલે મેં તો જીવ બચાવીને રમરમાટ ભાઈગો તે હીધ્ધો અહીં.
બાપજી: હરિ: ઓમ્મમમમ... ક્યા હુઆ ?
પિંટુ: કંઈ ની હુવા હે. હુઈ રેહવ. આમેય તમે કંઈ કામ લાગવાના નથી. ચિંટુભાઈ જ પહોંચી વરહે.
ચિંટુ: ડોશી તો જબરી તકલીફો લઈ આવી. એને મારું બેટુ હુજે ય ચ્યમનું છ આવું બધું? જી હોય એ..આનો હલ તો લાવવો જ પડશે બને એટલો જલદી. નહીં તો આપણા ગોમમોં ય પેલું કોરોનું ફોરોનું પેધુ પડી જતા વાર નહે લાગે. હેંડ થોડીવાર ધ્યાન ધરીએ ને પરશાદ ખઈશું તો જ મગજની બત્તી ચાલુ થશે..
પત્યું..પાર્ટી પાછી ઓરડીમાં જવાની. એ આવે એટલીવારમાં હમો ય જરા આમ તેમ પાંખ છૂટી કરતા આવીએ ને ટિફિનની વ્યવસ્થા કરતા આવીએ..તમે રહેજો હોં.. ચાલવા ન માંડશો...