જ્યાંથી અટક્યો શબ્દ, સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત..

જ્યાંથી અટક્યો શબ્દ, સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત..

09/17/2020 Magazine

રાજુલ ભાનુશાલી
સખળ ડખળ
રાજુલ ભાનુશાલી

જ્યાંથી અટક્યો શબ્દ, સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત..

ઈશ્વરે મનુષ્યને આપેલી સાત અજાયબીઓ કઈ  છે જાણો છો?

દ્રષ્ટિ એટલે કે જોવાની શક્તિ, શ્રવણશક્તિ, સ્પર્શશક્તિ, સ્વાદશક્તિ, સંવેદનશક્તિ, હાસ્ય વેરવાની શક્તિ અને પ્રેમ આપવા તથા પામવાની શક્તિ.

સ્પર્શ સૌથી પહેલી ઈન્દ્રિય છે જે ગર્ભસ્થ શિશુમાં આઠમા અઠવાડિયાની આસપાસ વિકસીત થઈ જતી હોય છે. ચહેરા પરની, ખાસ કરીને હોઠ અને નાક આસપાસની ગ્રંથિઓમાં  સ્પર્શ શક્તિ સૌથી પહેલા કાર્યરત થાય  છે. અને જો કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન્સ ન આવે તો સૌથી છેલ્લે સુધી સાથ નિભાવે છે. માણસ ઘરડો થાય, એક પછી એક ઇન્દ્રિયો સાથ છોડી જાય, ત્યારે ય કરચલીવાળી ચામડી પર મૂકાયેલો હુંફાળો હાથ ઘરડી આંખોમાં ભીની ચમક આણી જાય છે.

થોડાક દિવસ પહેલા એક શોર્ટ ફિલ્મ જોઈ.  સંજય સૂરી અને  ઈશા ચોપડા અભિનિત 'કૉલ હીમ ઍડી' નામની આ  ફિલ્મનો વિષય અત્યંત રસપ્રદ છે.  આમાં સંજય સૂરીએ 'પ્રોફેશનલ  કડલર'નું પાત્ર ભજવ્યું છે.

 'પ્રોફેશનલ કડલર' - આ સંજ્ઞા આપણા માટે તદ્દન નવી છે. કડલનો ગુજરાતી અર્થ છે - પંપાળવું, લાડ લડાવવા, આલિંગન આપવું, વળગીને સુવું. કોઈ પ્રોફેશનલી એટલે વ્યવસાયિક રીતથી  પૈસા લઈને આ વસ્તુ અથવા  સેવા આપતું  હોઈ શકે એ વાત આપણા સમાજમાં સહેલાઈથી સ્વીકારાય એવી  નથી. કદાચ આવી સેવા આપનારને  શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે એવી શક્યતા પણ ખરી. આ ફિલ્મનો નાયક 'એડી' બાકાયદા ચાર્જ લઈને આવી સેવા આપતું પાત્ર છે.


સ્પર્શ અનુભવ છે, અનુભૂતિ છે, આત્મબોધ છે. આમ તો એનો અર્થ 'અડકવું' છે પણ આ અડકવામાં જે અનુભવ છે એ જ  સ્પર્શનો મૂળ અર્થ સમજાવે છે.

જીવનમાં સ્પર્શનું મહત્વ કેટલું?

જે વસ્તુ  સહેલાઈથી પ્રાપ્ય હોય એને આપણે ટેકન ફોર ગ્રાંટેડ લેતા હોઈએ છીએ. એની કદર કરવામાં ઊણાં ઉતરીએ છીએ. કદાચ એટલે જ સ્પર્શ વિષે આપણે ઝાઝો વિચાર નથી કરતા. બાકી વિશ્વની પ્રથમ ઓળખ સ્પર્શેન્દ્રિયને થકી જ થાય છે ને!

નવજાત બાળકના હોઠના મૃદુલ સ્પર્શે માતાના સ્તનમાં ધાવણ ઊભરાય છે. દુનિયા સાથેના એના પરિચયનો અધ્યાય સ્પર્શેંદ્રિયથી શરુ થાય છે. માતા પિતા સહિત ઘરના અન્ય સભ્યોની પંપાળ, લાડ, બહુ બધી બચીઓ, બાથ અને હુંફ સાથે એ મોટું થાય છે. એક પળ માટે વિચારો કે લગભગ બધા જ શિશુઓને મળતી આ સ્પર્શની જાહોજહાલી કોઈક અપવાદ રૂપ બાળકને ના મળે ત્યારે? સાઈકોલોજી નિષ્ણાંતો કહે છે કે આવું બાળક આગળ જતા અસામાજિક બનવાની શક્યતા સૌથી વધુ હોય છે!

સ્પર્શથી કમ્યુનિકેશન વધુ અસરકારક બને છે. તમે  કોઈક અજાણ્યાને મળો ત્યારે  સામેવાળી વ્યક્તિ સાથે ઉમળકાથી હસ્તધનુન  કરો ત્યારે આગળના વાર્તાલાપનો માર્ગ ઘણો સરળ થઈ જતો હોય છે.  મિત્રો મળે ત્યારે પીઠમાં એક ધબ્બો મારીને પછી કચકચાવીને બાથમાં લઈ લે ત્યારે હુંફથી હ્રદય તરબોળ થઈ જતું હોય છે. પિતા પોતાના સંતાનને વ્હાલપૂર્વક આલિંગન આપે કે માતા હેતથી માથું ચૂમે ત્યારે સમય પણ ઘડીક થોભીને એ ક્ષણોની આહ્લાદકતા માણી લેતો હોય છે. રસોડામાં પાણી પીવા આવેલો પતિ ઘરના બીજા સભ્યોની નજર ચૂકવીને પત્નીના ગાલ પર ઝડપથી એક હળવી કીસ કરી લે ત્યારે ‘મિડ-લાઈફ ક્રાઈસિસ’ નામની બલા હવામાં ઓગળી જતી હોય છે. દામ્પત્ય જીવનમાં હોઠ અને ટેરવાં સ્પર્શદેવતાના પવિત્ર વાહક છે. કેટલાય ન કહી શકાયેલા શબ્દો એક આછા સ્પર્શે હૃદયથી હૃદય સુધી સફર કરી લે છે.


ઓકિસટોક્સિન નામનું આપણને શાંત કરતું હોર્મોન લાંબા અને વહાલા સ્પર્શથી વધે છે. એનાથી બ્લડપ્રેશર નોર્મલ થાય છે, શારિરીક પીડામાં નોંધપાત્ર ઘટાડો નોંધાય છે. માનસ શાસ્ત્રી ફ્રેડરીક નિત્શે કહેતા કે તમારી ચેતનાને ઘણી વખત એક સ્પર્શ જગાડી જાય છે.  અમેરિકામાં મિયામી યુનિવર્સીટીમાં મીલર સ્કુલ ઓફ મેડિસીનના ‘ટચ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’માં સ્પર્શની જાદુઈ અસરનું સંશોધન  થાય છે. એ સંશોધનથી પ્રુવ થયું છે કે સ્પર્શ થેરાપીથી નવજાતથી લઈને વૃધ્ધો સુધીમાં સકારાત્મક પરિણામો મળી શકે છે.  જીવમાત્રને સ્પર્શની ભૂખ હોય છે.

સ્પર્શસુખ આપણી પ્રાથમિક જરુરિયાત છે. આ સુખથી વંચિત રહી જનાર મનુષ્ય માનસિક રોગનો શિકાર બની જાય એવી શક્યતા વધારે રહે છે. એવો કોઈ પિતા હોય જે પોતાની 'કડક' ઇમેજ જાળવી રાખવા ક્યારેય પોતાના સંતાનને ભેટતો નથી! એવી મા પણ જોવા મળશે જે ઘરના 'ઢસરડાં' કરવા પાછળ પોતાના સંતાન પર વ્હાલ વરસાવવાનું ચૂકી જતી હશે.  અને દુર્ભાગ્યે એવા કેટલાય પતિદેવો હશે જે પોતાની પત્નીને કેવળ સંભોગ વખતે સ્પર્શે છે!  હવે તો મિત્રો પણ રાજીપો કે દિલસોજી સોશિયલ મિડિયા પર જ ‘વ્યક્ત’ કરી નાખે છે! ઉફ્ફ, આ કમનસીબી! એકબીજાને સ્પર્શી લેવાના કેવડા મોટા વરદાનથી આ કમનસીબો વંચિત રહી જાય છે!!


'પ્રોફેશનલ કડલર'નો ક્ન્સેપ્ટ હજુ આપણે ત્યાં પ્રચલિત થયો નથી. પણ વિદેશમાં એની જબ્બર બોલબાલા અને માંગ છે. આપણી સંસ્કૃતિ ત્યજીને જે ઝડપે આપણે ‘વિદેશી’ થતા જઈએ છીએ, એ જોતા લાગે છે કે થોડા વર્ષોમાં આપણે ય પૈસા ખર્ચીને ‘સ્પર્શ’ ખરીદતા થઇ જશું! એક વાર્તામાં નાયક પૈસા ખર્ચીને એક વેશ્યા પાસે જાય છે. કારણકે એ કોઈક સ્ત્રીના ખોળામાં માથું મૂકીને સૂવા માંગે છે! ક્યારેક સ્પર્શની ભૂખ સામાન્ય ઔપચારિકતાને ઓળંગી જવા જેટલી તીવ્ર હોઈ શકે છે. પૈસા ખર્ચવાથી આ અનુભૂતિ કદાચ ખરીદી શકાશે પરંતુ એ  સમસ્યાનું સમાધાન બનશે કે નવી સમસ્યાઓને આમંત્રણ આપશે એ વિચારવા જેવું ખરું.

'કૉલ હીમ ઍડી' એ વાત તરફ ઈશારો કરે છે કે આપણે માનવ સ્પર્શ ખોઈ રહ્યા છીએ, કે ખોઈ દીધો છે. મનુષ્યને કાયમ એવી એક વ્યક્તિની જરુરત રહેવાની કે જે એને જજ કર્યા વગર સાંભળે, સ્નેહ આપે. એટલે પોતાના પ્રિયજનને સાંભળો, એમને સામય આપો. એમને એ અનુભૂતિ કરાવો  કે તમે એમને ખૂબ પ્રેમ કરો છો.

બર્થડે, ફ્રેન્ડશીપ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, ડોટર્સ ડે, અર્થ ડે, એન્વાયરમેન્ટ ડે, ફલાણું ડે, ઢીંકણું ડે વગેરે 'ડે'   વર્ચ્યુલી ઉજવતા લોકોએ આ ફિલ્મ ચોક્કસપણે જોવી. એમના હાથમાં જે મોબાઇલ છે ખરી દુનિયા એ 'પાંચ ઇંચ'ની વસ્તુની બહાર છે. જો કે સ્પર્શનું મહત્વ સમજાવતી આ ફિલ્મની વિડંબણા એ કે પેન્ડેમિકના એવા સમયમાં રિલીઝ થઈ છે જ્યારે આપણે માનવ સ્પર્શથી બચવાનું છે.  ખાસ કરીને 'પ્રોફેશનલ કડલર'  જેવા અજાણ્યા સ્પર્શથી!

શિર્ષક પંક્તિ : તુષાર શુક્લ


મિયાઉં :

રિયા - વાય યુ આસ્ક સો મેની ક્વેશ્નચન્સ?

ઍડી: દોસ્ત ઐસે હી બનતેં હૈં!

અસ્તુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top