26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત છે!

26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત છે...!

06/27/2020 Magazine

દિલીપસિંહ ક્ષત્રિય

દિલીપસિંહ ક્ષત્રિય
રાજકીય સમીક્ષક

26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત છે!

નિત્ય ક્રમની જેમ ભારતના લોકો 26 જૂન, 1976 ના રોજ રેડિયો શરૂ કર્યો ને અચાનક એક અવાજ આવ્યો "ભાઈઓ ઔર બહેનો,રાષ્ટ્રપતિજી ને આપાતકાલ કી ઘોષણા કી હૈ" આકાશવાણીના માધ્યમથી કહેવામાં આવેલા આ શબ્દો તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હતા. આ નાનકડી લાઈન માં મેસેજ સ્પષ્ટ હતો કે તાનાશાહી સરકાર ટકાવી રાખવાની ઈચ્છા થી, ભ્રષ્ટાચારમાં વધારો કરવા, પોતાના અન્ય ખોટા કામો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે દેશમાં લોકશાહીને ‘કેદ’ કરી લેવાઈ છે.કટોકટીની જાહેરાત સાથે જ ઇન્દિરાજીએ તમામ સંચાર-માધ્યમો, અખબારી જગતને ગળે ટૂંપો દેવા માટે, અખબારી પ્રિ-સેન્સરશિપનો કાળો વટહુકમ પણ જાહેર કરી દીધો !

 

ભારતમાં ઇમરજન્સીને ભારતીય રાજકારણના ઈતિહાસનો કાળો અધ્યાય પણ કહેવામાં આવે છે. અડધી રાતે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની ડચકાં

ખાતી પ્રધાનમંત્રીપદની ખુરશીને બચાવવા માટે,લોકશાહીની હત્યા કરી ને દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. લોકશાહી માટેની આ કાળ રાત્રી 21 માર્ચ 1977 સુધી રહી હતી. તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પોતે પ્રધાનમંત્રી પદ ટકાવી રાખવા માટે ઇમર્જન્સીનો પ્રસ્તાવ તૈયાર કર્યો અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે તે પ્રસ્તાવ પર સહી કરી. ઇંદિરા સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિએ ભારતીય બંધારણની કલમ 252 હેઠળ દેશમાં ઇમરજન્સી લાદી દીધી.

 

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ સમય સૌથી વિવાદાસ્પદ સમય હતો. ઇમરજન્સીના કારણે ચૂંટણી સ્થગિત થઇ ગઇ હતી. લોકોના અધિકારો છિનવાયા હતા તો બોલવાની પણ આઝાદી ન હતી. જે કારણે આ સમયને આઝાદ ભારતનો સૌથી વિવાદાસ્પદ સમય પણ માનવામાં આવે છે. 26 જૂનના સવારે રેડિયો પર ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીની જાહેરાત કરતા દેશ સ્તબ્ધ થઇ ગયો. સરકાર સામે વિરોધ ફાટી નિકળ્યો લોકો  રસ્તા પર ઉતરી આવ્યા.

 

આજે આ કટોકટીની સ્થિતિ ને આટલા વર્ષો પછી પણ યાદ એટલા માટે કરવી કે કરાવવી પડે છે કે દરેક શાસક હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે એમના શાસન સામે પ્રશ્નો ઓછા થાય, ઘણી વખત સત્તાને સવાલો ગમતા ના હોય ત્યારે પ્રજા અને અને પ્રજા માટે લોકશાહીની રક્ષા કરનાર દરેક તંત્રની જવાબદારી બને છે કે લોકશાહીને જીવંત રાખવા માટે પ્રજા માટે પ્રશ્નો પૂછે,2014 થી 2019 ના સમય ગાળામાં અનેક વખત એવી સ્થિતિઓ આવી,અનેક વખત એવી ઘટનાઓ બની જયારે લોકશાહીની ચોથી જાગીર ગણતા પત્રકારત્વને શાંત કરી દેવા માટે પ્રયત્નો થયા,અનેક વખત એવી ઘટનાઓ પણ બની કે એવું લાગે જાણે અઘોષિત કટોકટી છે,આવી સ્થિતિ કે ઘટનાઓ ત્યારે જ બનતી હોય છે જયારે લોકોનું સમર્થન આવી ઘટનાઓ સર્જનારા પ્રત્યે હોય,જયારે જયારે આવી ઘટનાઓ બને કે આવી સ્થિતિ અછડતી નિર્માણ પામે ત્યારે લોકો એ પ્રજા એ એક વાર જેમણે કટોકટી જોઈ છે,કે જેમને કટોકટી નો અનુભવ કર્યો છે એવા લોકો ને એક વખત મળી લેવું,સમજી લેવું,એમના વિષે વિચાર કરી લેવો,કે 25 જૂન 1976 પછી નો સમયગાળો કેવો હતો? લોકો અને પ્રજાના પ્રશ્નો પૂછનાર પત્રકારત્વ કેવું હતું ?

 

અહીં વાત એ નથી કે છેલ્લે 1975 માં કદાચ પહેલી અને છેલ્લી વાર કટોકટી લદાઈ ને કાયદા ની રુહે મળેલા ભારત ના બધા જ નાગરિકો ના હક્કો છીનવાઈ ગયા.વાત એ પણ નથી કે કાયદા ની રુહે ભારત ના નાગરિકો ને મળેલા અધિકારો ખરા અર્થ માં એમને કેટલા મળ્યા છે,કે પછી દરેક દાયકા માં જે અભિવ્યક્તિ ની આઝાદી ના પ્રશ્નો ઉઠે છે એની પણ વાત નથી,વાત કે પ્રશ્ન એ છે કે છેલ્લા 73 વર્ષ માં ધીરે ધીરે એ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે સતાધીસો એ કાયદા કે સંવિધાન ને એટલો નબળો કરી નાખ્યો છે કે 73 વર્ષ પછી પ્રશ્નો થવા લાગ્યા છે કે કાયદો ને વ્યસ્થા છે ક્યાં ? આજે જે કાયદો અને વ્યસ્થા ની સોગંધ લઇ ને નેતાઓ સત્તા પર આવ્યા એ છડે ચોક જયારે કાયદા નું પાલન નથી થતું ત્યારે ક્યાં ખોવાઈ જાય છે? એ કેમ પોતાને આજે સર્વસ્વ સમજવા લાગ્યા છે ?

 

કેમ 1993 ની વોહરા કમિટી ની રિપોર્ટ દેશ સામે સાર્વજનિક નથી કરવામાં આવતો ? કેવી રીતે અમીરો સાથે ની સાઠગાંઠ સત્તા મેળવવા માટે એક માફિયા ની જેમ કામ કરે છે ? કેવી રીતે આજે ક્રોની કેપિટલઝિમ થી જ સત્તા ચાલે છે, કેવી રીતે 1984 માં એક મોટું ઝાડ પડતા જે જગ્યા હલી એને સરખી કરવા માટે શીખો નું કત્લેઆમ થયું ને ઇન્દિરા ગાંધી ની હત્યા સામે એને યોગ્ય ઠેરવાયું?  કેવી રીતે ગોધરા થી નીકળેલા રમખાણો ના રાજકારણે આજે દેશ ની દિશા બદલી છે ? ચાર વર્ષ સુધી સત્તા કાળા નાણાં પર આજકાલ કરીને કોર્પોરેટ સાથે કદમ તાલ મેળવતી રહી?

 

આ સિવાય આઝાદી ના 73 વર્ષ પછી આજે દેશ માં ક્યાંક બેચેની એટલે લાગે છે કે લોકો ની હત્યા એટલા માટે થઇ જાય છે કેમકે ક્યાંક ગૌવંશ ની હત્યા ન થઇ જાય કે પછી કોઈ બાળક ન ચોરી જાય? આજે જે રીતે ગોસિપ અને સોશ્યલ મીડિયા ના માધ્યમ થી ઝેર ફેલવાઈ રહ્યું છે એ જોઈ કેમ કોઈ વિચારતું નથી કે આ દેશ માં કાયદો ને વ્યવસ્થા નામ ની પણ એક વસ્તુ છે? પોલીસ ની પણ કોઈ ફરજ છે.કેમ આજે કોઈ ઈચ્છે કે ન ઈચ્છે પણ અણધારી હત્યાઓ પણ રાજકારણ નો હિસ્સો બનતી જાય છે?

 

જે પહેલા ગુનો ગણવામાં આવતો એ આજે સામાન્ય ઘટના કેમ લાગે છે? કદાચ એટલા માટે આવું લાગે છે કે લોકો ને આજે એવું થઇ ગયું છે કે જો આવી ગુનહિત ઘટનાઓ માં સામેલ નહિ થઈએ તો કદાચ સત્તા ન મળે.આજે સ્થિતિ એ છે કે ગુન્હેગારો એવી રીતે વર્તી રહ્યા છે જાણે પોતે જ ન્યાયાધીશ છે.આજે જે સ્થિતિ છે એ જોઈએ ને એવું લાગે છે કે જાણે સત્તા જ એવો મેસેજ આપી રહી છે કે આઝાદી ના 73 વર્ષો માં તમને શું મળ્યું ? લૂંટ,બળાત્કાર ચોરી,હત્યા આજ ને ? આજે ગુન્હેગારો ને જાણે સજા મળતી જ બંધ થઇ ગઈ છે, ગુન્હેગારો માં 70 થી 80 ટકા લોકો પુરાવા ના આભાવે છૂટી જ રહ્યાં છે,કન્વિકશન રેટ 27 થી ઘટી 21 થઇ ગયો છે. એટલે આજે સમાજ ની વચ્ચે ગુન્હાઈત ઘટનાઓ સામાન્ય લાગે છે.આજે ગુન્હા ની પરિભાષા અને પોલીસ સ્ટેશન જ જાણે બદલાઈ ને ઇડી અને ઇન્કમટેક્ષ માં સમેટાઈ ગયું હોય એવું લાગે છે.

 

સંજોગાવસાત આઝાદી ના 73 વર્ષ પછી આજ સ્વતંત્રા છીનવાઈ ગઈ હોય એવું ક્યાંક લોકોને સતત લાગ્યા કરે છે,કેમકે સત્તા એ એના દરેક નાગરિકો ને પોતાની પર નિર્ભર કરી લીધા છે.જેના કારણે શિક્ષણ-સ્વાસ્થ્ય થી માંડી દરેક સેવાનો કોઈ અર્થ લાગતો નથી.આજે સત્તાના અંધારા માં આઝાદીના બધા જ પ્રશ્નો ખોવાઈ ગૂંગળાઈ ગયા છે.આજે 73 વર્ષે પણ આઝાદ ભારતના નાગરિકો એ આઝાદી નો અર્થ શોધવો પડે આઝાદીની વ્યાખ્યા કરવી પડે એ જ સૌથી મોટો પ્રશ્ન લોકો સામે મોઢું ફાડી ને ઉભો છે.

આજે કટોકટીને તો યાદ કરાય છે પણ ક્યાંક વાણી સ્વાતંત્ર્ય કેટલું અને કેવું છે એની ચર્ચા ક્યાંય થતી જ નથી. આજે 26 જૂને એક પક્ષ કટોકટીને કાળો -કાળ ગણાવે છે તો બીજો પક્ષ હાલની સ્થિતિ ને કટોકટી ગણાવે છે, પણ આ પક્ષા-પક્ષીને સામ સામે આક્ષેપબાજીના ખેલમાં ક્યાંક લોકશાહી અને આઝાદીનો શ્વાસ ગુંગળાતો હોય એવું આજે લાગી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top