"અક્કરમીનો પડિયો કાણો"

કાકભટ્ટ માંડે છે એક કથા... "અક્કરમીનો પડિયો કાણો"!

09/19/2020 Magazine

શિલ્પા દેસાઈ
અક્કરમીનો પડિયો કાણો
શિલ્પા દેસાઈ
કોલમિસ્ટ, હાસ્યલેખિકા

ક્રાઉં.... ક્રાઉં....

કેમ છો દોસ્તો? ઓળખાણ પડી કે? અરે એ તો અમે... કાકભટ્ટ. પહેલાના જમાનામાં જેમ માણભટ્ટ કથા માંડતા, એમ કળિયુગમાં હમોએ – એટલે કે કાકભટ્ટે કથા માંડવાનું કામ ઉપાડ્યું છે. શું છે કે એ બહાને તમને બધાને ય સત્સંગનો લાભ મળે અને સાથે થોડું જ્ઞાનેય મળે. આઈ કનો... આઈ કનો.. કોઈએ અમને કંકોત્રી લખીને જ્ઞાન વહેંચવા આજીજી નથી કરી. પણ તો શું તમે આળસુડાઓ ઉભા થઈને આજીજી કરો ત્યાં સુધી હમોએ રાહો જોતા બેસી રહેવાનું? અમારે બીજા કામધંધા હોય કે નહિ?! અને આમેય કોઈ કરગરે કે આજીજી કરે એ હમોથી જોવાતું નથી. હૃદયથી હમો ખાસ્સા લાગણીશીલ છીએ. જો કે એ વાતનું હમોને જરાય અભિમાન ની મલે! આમ તો હમો બહુ પહેલા તમારી કને કથા કહેવા આવી પહોંચવાના હતા. પણ પછી થયું કે પહેલું સગું પેટ.... તમે બધા પછી! એટલે શ્રાદ્ધ ખાઈને તગડા થઈએ, પછી ડાયરો માંડીશું! તો હેંડો ત્યારે... પેટ તો આ વખતે જરા ઓવરલોડેડ ભરાઈ ગયું છે, એટલે હવે દાંત – સોરી ચાંચ ખોતરતા ખોતરતા કથા માંડવામાં વાંધો નહિ. આજકાલ કોરોનાથી કંટાળીને હમોએ શહેરથી દૂર એક ગામે, મસમોટા વડલા પર વસવાટ કર્યો છે. તો એ ગામ અને એમાં વસતા બે અક્કરમીઓની જ કથા કરીએ.

હાથીગઢ ગામમાં આમ કંઈ જાણવા જેવું હતું નહિ. 'હાથી' ફક્ત નામમાં જ બાકી બચેલા અને ગામની આજુબાજુ ગઢ તો ઠીક, પણ ગઢની વાત કરનારા ગઢવીઓ ય સમયને તકાજે પોબારા ગણી ગયેલા! જેમ જેમ ગામડા ભાંગતા ગયા તેમ તેમ સાહ્યબી ઓસરતી ગઈ, ને ગામ લોકો દૂર દૂરનાં સુરત-અમદાવાદ-મુંબઈ તરફ હાલી નીકળેલા. હવે ગામમાં થોડી ઘણી વસ્તી બચેલી જે નાનામોટા ધંધા-રોજગાર ને ખેતી કરી ખાતી. તો પછી આપણે આવા ગામડાની વાત કરીને આપણા કિંમતી સમયની સૂંઠ શું કામ દળવી જોઈએ? આવો લોજીકલ પ્રશ્ન તમને થયો હોય તો હમો તમોને શરૂઆતમાં જ ચેતવી દઈએ છીએ કે આ આખી વાતમાં લોજીક જરાય મહત્વનું છે જ નહિ! મહત્વની બાબત માત્ર ત્રણ જ છે, પહેલો ચિંટુ. બીજો એનો પડ્યો બોલ ઉપાડનાર પિંટુ ઉર્ફે પિંટુડો  .. અને ત્રીજો છે એક ખાસ પ્રકારનો 'લોચો'! પહેલા તમને આ ચિન્ટુ અને પિન્ટુ વિષે જણાવી દઉં.


હાથીગઢ ગામના મોટા ભાગના જુવાનીયા શહેરમાં સ્થાયી થવાનું સપનું જોતાં. પણ ગામનાં જ બે જણ એવા હતા, જે શહેરથી હારી-થાકીને પાછા હાથીગઢ ભેગા થઇ ગયેલા, ચિંટુ અને પિંટુ. . ચિંટુ-પિંટુની  ઉંમરમાં પાંચ સાત વરસનો ફેર, પણ અક્કલ બંનેની લગભગ સરખી. એટલે બાળપણથી બેઉ ગોઠીયા. આખા ગામે તો તરંગી ચિંટુને  કિશોરાવસ્થામાં જ લખી વાળેલો, પણ એક ચોમાસે ચોથા ધોરણના ક્લાસમાં ગાપચી મારીને ખાડીમાં નહાવા પડેલો પિન્ટુડો બરાબર ગૂંગળાયો, એ સમયે ખરા ટાઈમે આવી પહોંચેલા ચિન્ટુડાએ આ દ્રશ્ય જોઈને ખાડીમાં ઝંપલાવ્યું અને પિંટુડાને કાંઠલેથી ઝાલીને બહાર ખેંચી લાવ્યો. બસ, ત્યારથી પિંટુને ચિંટુમાં અપાર શ્રદ્ધા બેસી ગયેલી અને આખું ગામ જેને ‘અક્કરમી ચિંટુડો’ કહેતું, એને એ માનાર્થે ‘ચિટુભાઈ’ કહેવા માંડેલો! પછી તો પિંટુ માટે ચિંટુભાઈ રાત કહે તો ધૂમ તડકો ય રાત અને દિવસ કહે તો અમાસની રાત હોય તો ય દિવસ. આનું મુખ્ય પરિણામ એ આવ્યું કે આખું ગામ હવે પિન્ટુડાને ય અક્કરમી કહેવા માંડ્યું!

ખાધેપીધે સુખી હોવાને લીધે બંનેમાંથી એકેયને કમાઈ ખાવાની ચિંતા નહોતી. એટલે બંને જણ ભણવા સિવાયની દરેક પ્રવૃત્તિ રસપૂર્વક કરતા. એમનેએમ વર્ષો વીત્યા, બે ય ઢાંઢા જેવા થયા, પણ બે વાત નહોતી બદલાઈ. એક હતી બેય ની અતૂટ દોસ્તી અને બીજી તે પેલું કપાળે ચોંટેલું અક્કરમીનું લેબલ!

આ અક્કરમીના લેબલ પાછળ એક નાની એવડી કથા છે. ચિન્ટુડાનો જન્મ થયોને દાયણે વધાઈ ખાધી ત્યાં ઓટલે બેઠા ખુશખબરીની રાહ જોતા ચિન્ટુના બાપા હોંશમાં આવીને ઘરમાં દોડ્યા. પણ કરમનું કરવું તે ઓટલા પરથી પગ લપસ્યોને ધડામ દઈને ધબાય નમ: થઇ ગયા. આમાં ખરેખર બાપાને એના કરમ નડ્યા કહેવાય. પણ તમારી માણસજાતને કરમની ગતમાં કંઈ ગતાગમ જ નથી! એટલે ગામવાળાએ માની લીધું કે દીકરાએ પેદા થતા વેંત બાપનું થાપું ભાંગ્યું!! ગામની કેટલીક દોઢડાહી ડોશીઓએ નક્કી કર્યું કે નવજાતના ફૂટેલા કરમ આગળ જતા વધુ તોડફોડ ન કરે એ માટે નવજાતને ‘અક્કરમી’ કહીને જ ઓળખવો. જૂના જમાનામાં આ પ્રકારના ઉતારી પાડનારા નામો રાખવાથી કમનસીબી ટળી જતી હોવાની માન્યતા ખરી ને! કમનસીબી ટળી કે નહી એની તો ખબર નહિ, પણ ચિન્ટુ અને એની સાથે સાથે એના પોઠીયા જેવા પિન્ટુને ય આખું ગામ ‘અક્કરમી’ તરીકે ઓળખતું થઇ ગયું!

એમાં પાછું થયું એવું કે વીતેલા શ્રાદ્ધ પક્ષ પછી હમોના મગજમાં બાજ, દડિયોને પડિયો એવા ઘૂમરીએ ચડ્યા છે કે હમોએ આ આખી શ્રેણીને ‘અક્કરમીનો પડિયો કાણો’ જેવું લાંબુ લચક નામ આપી દીધું! જો કે તમારે એ બધી પંચાતમાં પડવાની જરૂર નથી. તમતમારે કથા સાંભળવાના કામથી કામ રાખો.


ખોબા જેવડા હાથીગઢ ગામમાં વર્ષો વીતતા ગયા ને ચિન્ટુ-પિન્ટુ મોટા થતા ગયા. છેક પાંત્રીસમે વર્ષે પહોંચવા છતાં ચિંટુએ માનસિક રીતે  હજુ ગધાપચીસી ય પાર નહોતી કરી! શરીર તો રોજ બે કલાક કસરત કરીને કસ્યું, પણ બાકીના બાવીસ કલાક આરામ કરીને ફાંદનો ય યથાશક્તિ વિકાસ કરેલો. જો કે વાંધો વાળ બાબતે પડેલો. વારંવાર વાળ કપાળ પરથી પાછળ ખસેડવાની આદતને લીધે વાળ જરા આછા થઇ ગયેલા અને મોટું કપાળ વધુ મોટું દેખાતું. એટલું જ નહિ પણ આગળના વાળનું એક છોગું એન્ટેના માફક સદા ઉભું રહેતું. જો કે અક્કલના સિગ્નલ પકડવામાં આ એન્ટેના મોટે ભાગે ગોથું જ ખાતું! આંખો ઉડીને આંખે વળગે એવી પાણીદાર ખરી, પણ એ આંખો ખરેખર ક્યાંક ઉડી ન જાય એની ચિંતા સર્જનહારને થઇ હશે. એટલે એણે પેપરવેઇટ તરીકે બે ઘાટ્ટી-જાડી ભમ્મરોની વ્યવસ્થા કરેલી. પણ પછી મોટા ભાગનું ઘાસ ભમ્મરોમાં જ વપરાઈ ગયું હોવાથી મૂછને સ્થાને અણીદાર પેન્સિલ બે વખત રગડીને જાડા લીટા જેવું દોરી આપેલું!


આ બાજુ પિંટુ બિચારો ઇથોપિયાથી આવ્યો હોય એવો માયકાંગલો. શરીર સરેરાશથી સહેજ ઊંચું ખરું પણ એનો એવો કોઈ ખપ નહી. ચોરસાકાર ચહેરા પર લખોટી ચોંટાડી હોય એવી આંખ અને બૂચું નાક. ચિંટુને ઘડ્યા પછી સર્જનહારે પો’રો ખાતી વખતે નક્કી કર્યું હશે કે આ વખતે ગમે એ થાય પણ ભમ્મરમાં પ્રમાણસર ઘાસ જ નાખીશું. વધુ પડતી ચીવટાઈ રાખવામાં થયું એવું કે ભમ્મરમાં સાવ ઓછા ઘાસે ચલાવી લીધું. પછી ભૂલ સમજાતા વધારાના ઘાસનું થીંગડું બનાવીને ચીપકાવતા હોય એ રીતે વધેલું બધું ઘાસ મૂછ પર ચોંટાડ્યું! પરિણામે થયું એવું કે પિન્ટુ આખી મોંફાડ ખોલીને સ્માઈલ આપે તો ય એ મૂછ નીચે એવું ઢંકાઈ જાય કે સામેવાળાને દેખાય જ નહિ! આ બધા કટિંગ-પેસ્ટિંગ પછી સર્જનહારે પિન્ટુડાના ચહેરાને બન્ને કાનથી ઊંચકી, હવામાં અધ્ધર પકડી રાખીને ખાસ્સી વાર સુધી કોઈ કલાકૃતિ નીરખતા હોય એમ નિરીક્ષણ કર્યા કીધું હશે! એના કારણે બિચારા પિન્ટુના કાન જરા પહોળા થઇ ગયા, અને પિન્ટુ કાનફટ્ટો થઇ ગયો! સર્જનહારે ય ઘણી વાર.. ચાલો જવા દો!

તો આપણી આ કથા આ બે પાત્રો, એટલે કે ચિન્ટુ અને પિન્ટુ નામના અક્કરમીઓની આજુબાજુ ગરબા રમવાની છે.

હા ભાઈ હા, અમે બીજા પેરેગ્રાફના છેલ્લા વાક્યમાં આ બે સિવાય એક ત્રીજી મહત્વની બાબત વિષે પણ વાત કરેલી! પણ આજે તો બપોરે કઢી-ભાત જમ્યા પછી હમોને જબરી ઊંઘ ચડી છે, એટલે એકાદ ઉંચી ડાળે એસી ચાલુ કરીને બે કલાક ઉંઘી કાઢીએ. આગળની રસપ્રદ વાત બીજા હપ્તામાં. આવતા શનિવારે સમયસર અહીં વડલા નીચે આવી જજો હોં!

ચાલો ત્યારે ક્રાઉં.... ક્રાઉં....!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top