આમ તો કોરોના સમય ચાલે છે, ચારે બાજુ ચર્ચા અને વિચારણા કોરોના સામે લડવાની થઇ રહી છે ત્યારે આ કોરોનાનો માર જેણે સૌથી વધારે અનુભવ્યો એ વેપાર ક્ષેત્રની પણ બધે જ ચર્ચા છે, સરકાર ચર્ચા કરે છે, યોજનાઓ ઘડે છે,પણ એ યોજનાઓનો ધડો શું ? કઈ યોજનાથી કોને કેટલો ફાયદો થયો ? શું યોજનાઓ કાગળ પર જ રહી જાય છે? સરકારી અધિકારીઓ અને મળતીયાઓ કેટલો લાભ નીચે સુધી એટલે કે છેવાડાના માનવી સુધી પહોંચવા દે છે? ફરી પેલી રાજીવગાંધી વાળી વાત અહીં યાદ આવે છે કે એક રૂપિયો આપું છું તો 10 પૈસા પહોંચે છે,આજે શું સ્થિતિ છે એ તો બધા ને ખબર જ છે,એટલે એની ચર્ચા નથી કરવી,આજે ચર્ચા કરવી છે પ્રધામંત્રી ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કે જેની બહુજોર શોર થી ચર્ચા થઇ હતી તે સ્ટાર્ટઅપ ક્ષેત્રની, આ વિષે હાલની ભાજપ સરકારે દાવાઓ અને જાહેરાતો તો મોટી મોટી કરી હતી પણ જો આજે વાસ્તવિકતા જોવા જાવ તો દૂરબીન લેવી પડે એવી છે.
વાત સ્ટાર્ટઅપ અને એમાંય ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતના યુવા ઊદ્યોગ સાહસિકોએ દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું એવી દાવો હાલ કરાઈ રહ્યો છે, ગુજરાત સરકાર હાલ માં જ ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે 2014થી 2019ના સમયગાળા દરમિયાન વાર્ષિક 12 થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટ અપ ઉદ્યોગ સ્થાપવા વૃદ્ધિ થઇ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન 150 સ્ટાર્ટ અપમાંથી 43 ટકા ફંડેડ સ્ટાર્ટ અપ માત્ર ગુજરાતમાં જ છે. વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે 2018-19ના વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે, તેમાં ગુજરાતનું 43 ટકા સ્ટાર્ટઅપ હતું. આવો દાવો મૂળ ગુજરાત સરકારે જાન્યુઆરી 2020માં કર્યો હતો.
જયારે આ દાવાની સ્થિતિ ગુજરાત માં કાંઈ કે જુદી જ હોવાની વાત ચર્ચાઈ રહી છે, કહેવાય છે કે સરકારની જ કેટલીક નીતિ અને કોરોનાના રોગચાળાએ સ્ટાર્ટઅપ્સ ઉદ્યોગો પર ખરાબ અસર કરી છે. એક સંયુક્ત સરવેમાં બહાર આવ્યું છે કે દેશમાં 12 ટકા સ્ટાર્ટઅપ્સ બંધ થઈ ગયા છે. 70 ટકા સ્ટાર્ટઅપ્સના ધંધામાં વિપરીત અસર પડી છે. ઘણાં સ્ટાર્ટઅપ્સ વેપારના વાતાવરણની અનિશ્ચિતતા તેમજ કેન્દ્રની ભાજપા સરકારે અગ્રતામાં અણધાર્યા ફેરફારોને કારણે ટકી રહેવા સંઘર્ષ કરી રહ્યા છે.
આ સરવે જ ગુજરાત સરકારના દાવાને ખોટો પાડે છે.સરકાર દાવો કરી રહી હતી કે સરકારના અભિગમના કારણે રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્શિયલ આસિસ્ટન્સ, ઓનલાઇન એપ્લિકેશન, મોનીટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે. જે આ સર્વે મુજબ સાવ ખોટો પડ્યો છે.ગુજરાતમાં સ્ટાર્ટ અપ પોલિસી છે. દેશમાં 2014થી 2019 વચ્ચે 9000થી વધુ સ્ટાર્ટઅપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત 1500 કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અને ફંડેડ સ્ટાર્ટઅપનું છે. સરકાર દાવો કરે છે કે દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં ગુજરાત રાજ્ય છે. ઈનોવેટિવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ.10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે.ઈન્કયુબેટર્સને 50 ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક પાંચ લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઇલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે.
ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ યુવાઓને પોતાના શોધ-સંશોધનો અને નવા આઇડીયાઝને સ્ટાર્ટઅપ મિશન તહેત અમલમાં મૂકી જોબ સિકરમાંથી જોબ ગીવર બનાવવાનો દાવો કર્યો હતો.રાજ્યમાં 2016થી અત્યાર સુધીમાં રૂપિયા 140 કરોડની સહાય સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. 4000 રોજગારી મળી છે. નાસ્કોમના અહેવાલ અનુસાર ગુજરાત 43 ટકા ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
હવે મૂળ વાત કરીએ તો,દેશના 250 સ્ટાર્ટઅપ્સને આવરી લેતા ભારતીય સ્ટાર્ટઅપ્સ પર કોવિડ -19ની અસર પર દેશવ્યાપી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભાગ લેનારા 70% લોકોએ કહ્યું કે કોવિડ -19 એ તેમના વ્યવસાયને અસર કરી છે. લગભગ 12 ટકા સ્ટાર્ટઅપ્સની આર્થિક હાલત એટલી બગડી છે કે તે બંધ કરી દેવા પડ્યા છે.સર્વેક્ષણ દર્શાવે છે કે માત્ર 22 ટકા સ્ટાર્ટઅપ્સ પાસે આગામી ત્રણથી છ મહિનામાં નિયત ખર્ચ ખર્ચ પૂરા કરવા માટે પૂરતી રોકડ છે. આમાંના 68 ટકા લોકો તેમના સંચાલન અને વહીવટી ખર્ચ ઘટાડવા માટે આ શરતો સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.આશરે 30 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે જો લોકડાઉન લાંબા સમય સુધી કરવામાં આવે તો તેઓ કર્મચારીઓને છૂટા કરી દેશે. આ ઉપરાંત, 43 ટકા સ્ટાર્ટઅપ્સે એપ્રિલ-જૂનમાં 20-40 ટકા પગારમાં ઘટાડો શરૂ કર્યો છે.
આટલું જ નહિ, 33 ટકાથી વધુ રોકાણકારોએ રોકાણ કરાવના નિર્ણય અંગેનો નિર્ણય ફેરવી દઈને ધંધો બંધ કરી દીધો હતો. 10 ટકા લોકોએ કહ્યું હતું કે સોદા પૂરા થયા છે. સર્વેમાં બહાર આવ્યું છે કે કોવિડ -19 ના ફાટી નીકળ્યા પહેલા ડીલ પ્રમાણે માત્ર આઠ ટકા સ્ટાર્ટઅપ્સને ફંડ મળ્યું હતું. ઓછા ભંડોળના કારણે સ્ટાર્ટઅપ્સને આગળના વિકાસ અને વ્યવસાયિક વિકાસને મુલતવી રાખવાની ફરજ પડી છે. તેઓએ અગાઉના ઓર્ડર ગુમાવ્યા છે, જેના કારણે સ્ટાર્ટઅપ કંપનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ સરકારની નબળી નીતિ સૌથી વધું કારણભૂત નિકળી છે. સ્ટાર્ટઅપ્સમાં તેમના રોકાણને અસર થઈ છે. તે જ સમયે, 92 ટકા લોકોએ કહ્યું કે આગામી છ મહિનામાં સ્ટાર્ટઅપ્સમાં તેમનું રોકાણ ઓછું થશે. લગભગ 59 ટકા રોકાણકારોએ કહ્યું કે તેઓ આગામી મહિનાઓમાં હાલની પોર્ટફોલિયો કંપનીઓ સાથે કામ કરવા માંગશે. માત્ર 41 ટકા લોકોએ કહ્યું કે તેઓ નવા સોદા પર વિચાર કરશે.
હવે તમે આખી સ્થિતિ વિચારો તો ખ્યાલ આવશે કે એક બાજુ કોરોનાથી લઇ વેપાર ધંધા બધામાં જ સબ સલામતની વાતો કહેવાય રહી છે, ચારે બાજુ બસ જય જય કાર છે,આ અમદાવાદમાં કોરોના કાબુમાં છે,સુરતમાં સ્થિતિ સારી છે આવી તો અનેક જાહેરાતો કરી,પણ માણસ ને જીવવા માટે જરૂરી વેપારધંધાની સ્થિતિ ખરેખર ક્યાંય સારી નથી, આજે તમે સુરતની જ વાત કરો તો લોકો કોરોનાને કારણે સુરત છોડી પલાયન કરી રહ્યા છે, અમદાવાદ કે બીજા મહત્વના શહેરોમાં વેપારીઓ ને જઈ ને પૂછો કે છેલ્લે વેપારમાંથી ક્યારે કમાયા હતા તો કદાચ એ વિચારવામાં જ મહિનો કાઢી નાખશે, એટલે સરકારે ખરેખર જો લોકોની વિચારતી હોય,લોકો માટે કામ કરતી હોય તો સાચી સ્થિતિ ને સ્વીકારી ને એને યોગ્ય દિશા આપવા માટે કામ કરવું જોઈએ,કેમકે જો તમે ભૂલ કરી છે એ સ્વીકારશો તો સુધરશે,જો સ્વીકારશો જ નહિ તો સુધરશે કઈ રીતે ?
ખેર સરકાર છે, સરકાર ને કાંઈ કહેવાય નહિ, આ તો ગુજરાત માં સ્ટાર્ટઅપના સ્ટાર્ટિંગ ગેરમાં 'લોચો' પડ્યો છે, એટલે....!