અચાનક ઉડી આવેલું વિમાન...વો કાગઝ કી કશ્તી... વો બારિશ કા પાની...

અચાનક ઉડી આવેલું વિમાન...વો કાગઝ કી કશ્તી... વો બારિશ કા પાની...

09/14/2020 Magazine

બ્રિન્દા ઠક્કર
છોટી સી બાત
બ્રિન્દા ઠક્કર

અચાનક ઉડી આવેલું વિમાન...વો કાગઝ કી કશ્તી... વો બારિશ કા પાની...

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો,

ભલે છીન લો મુજસે મેરી જવાની,

મગર મુજકો લૌટા દો બચપન કા સાવન,

વો કાગઝ કી કશ્તી, વો બારીશ કા પાની...

 

બારીની બહાર ઝરમર-ઝરમર ઠંડક વરસી રહી છે. એમાંથી આવતી ભીની સુગંધ વીંટળાઈ વળે છે અને મન અચાનક જ જગજીત સિંઘના અવાજમાં તલ્લીન થઈ જાય છે.'વો કાગઝ કી કશ્તી.. વો બારીશ કા પાની..'

તમે છેલ્લે ક્યારે વરસાદ માણ્યો હતો? અહીં જોયા કે પલળવાની વાત નથી, ભીંજાવાની વાત છે. જો માણ્યો હશે તો સમજાશે કે એ કાગળની હોડીઓ આપણને ઘણા આગળ ખેંચી લાવી છે. આપણી એ હોડીઓ પર ક્યારેક ગણિતના દાખલા ગણેલા હોતા તો ક્યારેક વિજ્ઞાનનો કોઈ પ્રયોગ અધૂરો લખાયેલો હોતો.ક્યારેક દસમાંથી બે માર્ક્સ લાલ પેનથી ચિતરેલા હોતા તો ક્યારેક સાવ કોરો કાગળ પણ ઝપટમાં આવી જતો.

હવે વરસાદ આવે ત્યારે ભજિયાં અને ચા અથવા શરદીનો કોઠો જ યાદ આવે છે મોટાભાગે, હેં ને? શું કરીએ, મોટા થઈ ગયા અને મોટપને એમ સહેલાઈથી ક્યાંય ખંખેરી શકાતી નથી! પણ આ વરસાદ પાણીની છાલકો સાથે બીજું ઘણું બધું તાણી લાવે છે.

આ મોસમ છે જ એના માટે. બેસો. નિરાંતે. ઓટલે બેસીને મનના ઓરતાને સમજો, એને સાંભળો. વરસાદનું સંગીત આપણા મનના સંગીતને એકદમ મૅચ થાય છે એવું અનુભવાશે. બાળપણમાં કરેલાં નિર્દોષ મસ્તી-તોફાનથી લઈને યુવાનીમાં કરેલા અઢળક પરાક્રમો એકસામટા નજર સામેથી પસાર થશે, એને થવા દો.


હમણાં જ મારા ઘરની બાલ્કનીમાં એક કાગળનું નાનકડું વિમાન ઉડીને આવ્યું. બાજુની બિલ્ડીંગમાંથી આવ્યું હશે. અંગ્રેજી લખવા વપરાતી ત્રણ લાઇનવાળી નોટબુકનું એ પાનું હતું. કુતુહલ હજી બરકરાર રાખી શકી છું એટલે પહેલા એનો ફોટો પાડ્યો અને પછી સાચવીને હાથમાં લીધું. એ કોઈના અરમાનોનું વિમાન હતું, એ કોઈ નાજુક હાથો વડે બનાવાયેલું એક મજબૂત સપનાનું વિમાન હતું. લજામણીના છોડને અડતી હોઉં તેમ મેં એ કાગળના વિમાનને હાથમાં લીધું અને સાચવીને એની ગડીઓ ઉકેલી. એક બાજુ  પેન્સિલથી 'joint family' અને 'relatives' એવું લખેલું હતું, જે લાલ પેન વડે ચૅક થયું હતું અને ભૂલો કઢાઈ હતી.

બીજી બાજુ પર પેન્સિલથી આઈસ્ક્રીમ, ચૉકલેટ, છત્રી, સૂરજ દાદા ને ચાંદા મામા ને સાઇકલ ને ટેડી બૅર મેળો ભરીને મોજ કરતા હતા. એ કાગળ સ્પર્શતાં જ કંઈક ઓળખીતું લાગ્યું. સમજાયું કે બાળપણ બધે જ એકસરખું હોય છે, સપનાઓ પણ એકસરખા હોય છે ને લાગણીઓ પણ એક જેવી જ હોય છે. શહેરો કે રાજ્યો કે દેશો, આ બેઝિકને બદલી શકતાં નથી.

વરસાદ કેટલું બધું યાદ અપાવે છે? સ્કૂલે જતી વખતે જો એ ધોધમાર વરસી પડ્યો હોય,તો ક્યારેય યુનિફોર્મ બગડવાની ચિંતા કરી છે? ના. જેટલાં ખાબોચિયાં દેખાય એ બધાંમાં જઈને પગ બોળી આવવાનો અને છબછબિયાં કરી લેવાનાં. મિત્રો સાથે હોય તો એકબીજા પર પાણી ઉડાડીને જાણે આખા વર્ષની દોસ્તી પાક્કી કરી લેતાં!

હવે રસ્તે જતાં જો નાનું ખાબોચિયું દેખાઈ જાય, તો આજુબાજુવાળાની ચિંતા કર્યા વિના, એકાદ ઠેકડો તમેય મારી લેજો. એ વખતે જે સ્માઈલ આવશે ને ચહેરા પર, એમાં તમને તમારું નિર્દોષ બાળપણ ઝૂમતું દેખાશે. આવી નાની-નાની પળો જ આવડા મોટા જીવનને સધ્ધર બનાવે છે. એ ચૂકી ન જવાય તેની તકેદારી રાખવી.

એક ઉંમરે પહોંચ્યા પછી 'હવે તમને આવું ન શોભે' એવું વારંવાર સાંભળવા મળશે, તે વખતે તમે તમારી પડખે ઉભા રહેજો. તમારું મન કહે તેમ જ કરજો, અને જો આ વાક્ય બોલનાર તમે હોવ, તો તમને નથી લાગતું કે તમારે શાંતિથી વિચારવાની જરૂર છે?  કઇ ઉંમરે શું કરવું ને શું ન કરવું એ દરેક વ્યક્તિએ જાતે જ નક્કી કરવું.

આપણે ઘણી ફિલ્મોમાં રેલવે સ્ટેશન જોયાં છે, વરસાદમાં ભીંજાતા. એ સ્ટેશન પર અનેક વાર્તાઓ જન્મે છે, ભજવાય છે અને પૂરી પણ થઈ જાય છે. આપણું જીવન પણ કદાચ આવું એક સ્ટેશન છે, જેમાં ભજવાતી ઘટનાઓ ક્યારે વાર્તાનું રૂપ ધારણ કરી લે એ નક્કી નહીં. અને એટલે જ, વરસતા વરસાદની ભીની યાદો, એ રસ્તા પરના ખાબોચિયાં, જૂનાં ઘરની છત પરથી ટપકતું પાણી, ભેજવાળી દીવાલોની સુગંધ અને નાના બાળકોની ચિચિયારીઓ - આ બધું જ મન ભરીને માણી લેવું. કુદરત જ્યારે આ રીતે છુટ્ટા હાથે લ્હાણી કરવા આવે ત્યારે હાથ અને હૃદયને મોકળા કરી દેવા.

આજે વર્ષો પછી જાણે મને ખજાનો મળ્યો હોય તેમ, મેં સાચવીને પેલું વિમાન મારાં કબાટમાં મૂકી દીધું છે. હવે એ મારો વિસામો બનશે કદાચ... નાનપણથી અત્યાર સુધી જોયેલા સપનાઓ જે પૂરા નથી થઈ શક્યા, એનો ભાર આ નાનકડું કાગળનું વિમાન ઉપાડી લેશે એવી શ્રદ્ધા જાગી છે.

અચાનક મળી જતી કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિને આપણે કેવી રીતે પોતાની સાથે જોડી લઈએ છીએ તેના પર જ આગળના પરિણામનો આધાર રહેતો હોય છે!

તમને શેમાં શ્રદ્ધા છે?

અચાનક ઉડીને આવતા કાગળના વિમાનમાં?...

ક્યાંય સુધી તર્યા કરતી કાગળની હોડીમાં?...

કે પછી જેને 'રાખનું રમકડું' કહ્યું છે,તેવું અસ્તિત્વ એટલે કે પોતાની જાતમાં?!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top