ભરચક ટ્રાફિકમાં સ્વાતિ પોતાની બાઇક સાચવતી, વાહનો વચ્ચેથી રસ્તો કરતી જઈ રહી હતી. ટ્રાફિક એટલો હતો કે બાઇકને પણ નીકળવા જગ્યા નહોતી મળી રહી. હેલ્મેટ, માસ્ક ને ઉપરથી અસહ્ય ગરમી સ્વાતિને અતિશય અકળાવી રહ્યાં હતાં. ઉપરથી આજે શાળા માટે નીકળતી વખતે ઘરમાં થોડીક કટકટ થઈ હતી એનો પણ ગુસ્સો હતો. સિગ્નલ ખૂલવાની રાહ જોતી સ્વાતિની નજર આગળની બાઇક પર પડી. એક સુંદર સ્ત્રી પોતાના ખોળામાં ચારપાંચ વર્ષની એક બાળકી સાથે બેઠી હતી. કદાચ એ એની દીકરી હતી. એક તો ભરચક ટ્રાફિકનું પ્રદુષણ અને તાપ! એ સ્ત્રીએ બાળકીને ઓઢણી એવી રીતે ઓઢાડી હતી કે માત્ર એની આંખો જ દેખાઈ રહી હતી. એ વારંવાર સરકી જતી હતી અને પેલી સ્ત્રી એ ફરીફરી ઠીક કરી રહી હતી.
છોકરી માની જેમ અત્યંત સુંદર હતી, પરાણે મીઠડી લાગે એવી. સ્વાતિ એને જ જોઈ રહી છે એ કદાચ એ ટબુડીને સમજાઈ રહ્યું હતું. એ પણ સ્વાતિને જોઈ રહી હતી. અચાનક એણે મીઠું સ્માઇલ આપ્યું. જોકે ચહેરા પર ઓઢણી હતી, પરંતુ એનું સ્માઇલ એની આંખોમાંથી છલકાઈને સ્વાતિ સુધી પહોંચ્યું. સ્વાતિએ પણ એને માસ્કની પાછળથી સ્માઇલ આપ્યું અને બે વખત પાંપણ પટપટાવી. છોકરીએ પણ સેમ ટુ સેમ રિસ્પોન્સ આપ્યો. સ્વાતિએ આઇબ્રોઝ ઉંચી કરીને ઈશારો કર્યો. સામે એણે પણ ઈશારામાં એવું જ કશું કહ્યું. એ છોકરી ગણતરીની પળોમાં સ્વાતિ સાથે આંખોઆંખોમાં વાત કરવા લાગી હતી. એની માએ આ જોયું. એણે પણ સ્વાતિને સરસ મજાનું સ્માઇલ આપ્યું. આ બધું અડધી પોણી મિનિટ માંડ આ ચાલ્યું હશે અને સિગ્નલ ખૂલ્યું. એમની બાઇક આગળ વધી. છોકરીએ જતાંજતાં દુપટ્ટામાંથી હાથ બહાર કાઢ્યો અને ટાટા કર્યું. સ્વાતિનું મન પ્રસન્ન થઈ ગયું. એ અડધીપોણી મિનિટમાં જે ઘટ્યું તે પછી આખા દિવસનો સ્ટ્રેસ ગાયબ થઈ ગયો.
અચાનક સ્વાતિને આજની સવાર યાદ આવી. ગઈકાલે પેપર્સ ચકાસતાં ચકાસતાં ઊંઘવામાં ખાસ્સું એવું મોડું થઈ ગયેલું. સવારના અલાર્મ ક્યારે વાગ્યો એ જ ખબર ન પડી. ત્રણ જણાનું ટિફિન અને ઘરનું અન્ય કામકાજ પતાવી એણે શાળાએ ભાગવાનું હતું. એણે ઝપાટાભેર કામ પતાવવા માંડ્યું. દીકરાના ટીફીનની રોટલી થઈ ગઈ એટલે એણે ટિફિન લઈ જવા રસોડામાંથી બૂમ પાડી. દીકરો હાથમાં દૂધનો ગ્લાસ લઈને દોડ્યો. અને... ક્યાંક વચ્ચે એને ઠેસ લાગી અને ગ્લાસ પડી ગયો. એક તો આજે ઘણું મોડું થઈ ગયું હતું અને ઊપરથી આ વધારાનું કામ આવી પડ્યું. સ્વાતિએ રસોડામાંથી જ દીકરા પર બૂમો પાડવાનું ચાલુ કરી દીધું. "ઢોળી નાખ્યું ને? કેટલી વખત કહ્યું છે કે દૂધ પૂરું થાય ત્યાર બાદ જ ડાઇનિંગ ટેબલ પરથી ઊઠવાનું. કપડાં ખરાબ થયાં છે કે નહીં? નહિ તો એક કામ વધુ! હવે આ સાફ કરવામાં. સ્કુલબસ જતી રહેશે તો વળી મૂકવા જવું પડશે. આજે તો દિવસ જ ખરાબ ઉગ્યો છે” વગેરેવગેરે બડબડતાં સ્વાતિ રસોડામાંથી બહાર આવી. એણે પતિ પર પણ બેચાર તીર સાધ્યા. પણ બહાર આવીને જોયું તો દીકરો ઑલરેડી પોતું લઈ આવેલો અને પતિએ ઑલરેડી ઢોળાયેલું દૂધ લૂછી નાખ્યું હતું. એના કપડાં ખરાબ થયાં નહોતાં. ગ્લાસમાં માત્ર એકાદ ઘૂંટડો દૂધ હતું એટલું જ ઢોળાયું હતું. આટલી નાનકડી વાતમાં આટલી બધી વઢ પડી તેથી દીકરાનું મોઢું લેવાઈ ગયું હતું અને વગર વાંકે એનેય આંટામાં લીધો હતો એટલે પતિનું મોઢું ચઢી ગયું હતું. આ પળોજણમાં શાળાની બસ છૂટી ગઈ હતી. સ્વાતિએ દીકરાને મૂકવા જવું પડ્યું એટલે એય ધુંધવાયેલી હતી. અત્યારે આ ઘડીએ એને એ ઘટના યાદ આવી. પેલી સુંદર હસમુખી છોકરીના સ્થાને પોતાના દીકરાનો લેવાઈ ગયેલો ચહેરો યાદ આવ્યો અને એના મગજમાં વિચારોનું ધમાસાણ ચાલ્યું.
ક્યારેક કેવું થાય ને કે આપણે પારકાંને આનંદ આપતાં જઈને અને બે ઘડી આપણે પોતે પણ આનંદ અનુભવીએ. કોઈના મુખ પર સ્માઇલ લઈ આવવી સહેલી નથી અને એ કામ આપણે કર્યું એ બાબતે ગર્વની લાગણી પણ અનુભવીએ. પરંતુ રોજબરોજના જીવનમાં આપણી તદ્દન નજદીકની વ્યક્તિઓને દુઃખ પહોંચાડીને અજાણતા જ એમને કેટલો અન્યાય કરી બેસીએ છીએ.
સ્વાતિએ ગાડી બાજુમાં લીધી અને પતિને ફોન જોડ્યો. દીકરાએ ઉપાડ્યો. સ્વાતિએ એને પોતે ટ્રાફિકમાં ફસાઈ છે અને લગભગ અડધા કલાકમાં ઘરે પહોંચી જશે એમ કહ્યું. એ હોમવર્ક કરી રહ્યો હતો અને ઉત્સાહથી બોલ્યો,' મમ્મી તું મને હોમવર્ક કરાવીશને આવીને? આજે એક નિબંધ લખવાનો છે.' એના અવાજમાં સવારની નારાજગી જરાય નહોતી. બાળકો કેટલા નિખાલસ હોય છે. તેઓ કોઈ પણ બાબતે કે કોઈની પણ સાથે વધુ સમય નારાજ રહી શકતા નથી. માફ કરી દેવા જેવો ગુણ એમને સાવ સહજ હોય છે જ્યારે આપણે મોટેરાં કેટલી બધી ગ્રંથીઓ બાંધીને બેસી જતાં હોઈએ!
સ્વાતિ ઘરે આવી. દીકરો તો સહજ રીતે સવારની વાત ભૂલી ગયો હતો પણ પતિના ચહેરા પર એનો ઓછાયો હજુ હતો. એ પણ 'મોટો' હતોને! સ્વાતિએ બન્નેને સોરી કહ્યું. બન્ને હસી પડ્યા. એના મન પરનો ભાર પણ ઉતરી ગયો.
*** *** *** *** ***
બાળકો સહજતાથી બધું ભૂલી જતાં હોય છે. માફ કરી દેતાં હોય છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થતાં જઈએ તેમતેમ આ સહજતા અને માફી આપવાની ભાવના પાછળ છૂટી જતી હોય અને 'ઇગો' ડેવલપ થતો જાય છે. જો સામેવાળાની નાનીમોટી ભૂલ હોય તો માફ કરી દેવી અને જો આપણી હોય તો માફી માંગી લેવાની ભાવના કમસેકમ અંગત સંબંધોમાં તો હોવી જ જોઈએ.
ઇગો ખોટો આત્મવિશ્વાસ છે, ભ્રમ છે અને ભ્રમ ક્યારેય સત્ય હોઈ શકે નહીં. એ કશું સ્પષ્ટ રીતે જોવા જ નથી દેતો. એ આપણી આંખોમાં પડી ગયેલી ધૂળ છે. એ ધૂળ ક્લિયર કર્યા સિવાય આપણે કશું જ ક્લિયરલી જોઈ શકવાના નથી. એટલે જ દુનિયાને જોવા આંખોમાંની ધૂળ સાફ કરવી જરૂરી છે. જીવનને થોડુંક વધુ સુંદર બનાવવાની ચાવી આ જ છે. બરાબર?
મિયાઉં :
વધતી ઉંમરની પોતાની અંગત કઠણાઈ હોય છે.