Supreme Court: ‘કોઈ સાચો ભારતીય આમ નહીં કહે...’, ચીન અને સેના પરના નિવેદનને લઈને રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટ સખત
Supreme Court slams Rahul Gandhi over Army remark: ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતીય સેના અંગે આપવામાં આવેલા નિવેદન પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે શું તેમની પાસે આ નિવેદનને સાબિત કરવા માટે કોઈ નક્કર દસ્તાવેજ છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ દીપાંકર દત્તાએ કહ્યું કે, ‘જો તમે વિપક્ષના નેતા છો, તો તમે આવી વાતો સદનમાં કરો, સોશિયલ મીડિયા પર કેમ?’ તમને કેવી રીતે ખબર પડી કે 2000 ચોરસ મીટર વિસ્તાર ચીનના કબજામાં જતો રહ્યો છે? શું તમારી પાસે આમ કહેવા માટે કોઈ નક્કર દસ્તાવેજ છે? વિશ્વસનીય માહિતી શું છે?’
જસ્ટિસ દત્તાએ વધુમાં કહ્યું કે, ‘એક સાચો ભારતીય આમ નહીં કહે. જ્યારે સરહદ પાર કોઈ વિવાદ હોય, ત્યારે શું તમે આ બધું કહી શકો છો? તમે સંસદમાં સવાલ કેમ પૂછી શકતા નથી? માત્ર એટલા માટે કે તમારી પાસે વાણી સ્વાતંત્ર્ય છે, તમે કંઈ પણ નહીં કહી શકો. જોકે, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા તેમની સામે ચાલી રહેલા ટ્રાયલ પર હાલ માટે સ્ટે મૂકી દીધો છે. કોર્ટે નોટિસ જાહેર કરીને આગામી સુનાવણી 3 અઠવાડિયા બાદ નક્કી કરી છે.
આ કેસ એ અરજી સાથે જોડાયેલી છે, જેમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સને પડકાર્યો હતો. આ અગાઉ, અલ્લાહબાદ હાઈકોર્ટે સમન્સ રદ કરવાનો ઇનકાર કરતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે વાણી સ્વાતંત્ર્યની પણ કેટલીક મર્યાદાઓ હોય છે અને સેનાનું અપમાન નહીં કરી શકાય.
આ કેસ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. અરજદારનો આરોપ છે કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને માર માર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp