Chris Woakes To Bat For England On Day 5: લંડનના ઓવલ ખાતે રમાઈ રહેલી મેચના શરૂઆતના દિવસે ખભામાં ઈજા થવાથી ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સ ભારત સામેની પાંચમી ટેસ્ટની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની અંતિમ મેચ પણ છેલ્લા દિવસે પહોંચી ગઈ છે. મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 35 રનની અને ભારતને 4 વિકેટની જરૂર છે (ક્રિસ વોક્સની વિકેટ સહિત). એવામાં, સવાલ એ ઊભો થાય છે કે શું ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ચૂકેલો ક્રિસ વોક્સ અંતિમ દિવસે બેટિંગ કરવા આવી શકે છે?
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ વોક્સની ઈજા બાદ જારી કરાયેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વોક્સ ટેસ્ટ મેચમાં વધુ કોઈ ભૂમિકા નહીં ભજવે. ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં વોક્સ બેટિંગ કરવા ન આવતા, ટીમ પાસે માત્ર 9 વિકેટ બાકી હતી. નવમી વિકેટ પડ્યા બાદ, ઈંગ્લેન્ડની ટીમ 247 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જોકે, મેચ હાલમાં જે સ્ટેજ પર છે, તેને જોતા છેલ્લા દિવસે કંઈ પણ થઈ શકે છે. એવામાં, જો વોક્સનો બેટિંગનો વારો આવે, તો એવો કોઈ નિયમ નથી કે જે તેને મેદાન પર આવવાથી રોકે. ભલે તે પહેલી ઇનિંગમાં આમ કરવામાં અસમર્થ રહ્યો હોય, પરંતુ જો પરિસ્થિતિની માગ હશે તો તે આવી શકે છે. જો કે, અત્યારે 6 વિકેટ પડી ગઈ છે એવામાં ક્રિસ વોક્સ 9માં, 10માં કે 11માં નંબરે બેટિંગ કરવા યોગ્ય છે.
અનુભવી બેટ્સમેન જો રૂટે ક્રિસ વોક્સને લઈને અપડેટ આપ્યું છે કે જો જરૂરિયાત પડશે તો તે બેટિંગ કરશે. ચોથા દિવસની રમત પૂરી થયા બાદ રૂટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તમે તેને સફેદ જર્સીમાં જોયો. ક્રિસ વોક્સ પૂરી રીતે મેદાનમાં છે. આ એવી સીરિઝ રહી છે, જ્યાં ખેલાડીઓને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડ્યો છે.
જો રૂટે ક્રિસ વોક્સના જુસ્સાની સરખામણી ભારતીય વિકેટકીપર રિષભ પંત સાથે કરી. રૂટે કહ્યું કે, ‘આશા છે કે તેવાત ત્યાં સુધી ન પહોંચે, પરંતુ ક્રિસ વોક્સે કેટલાક થ્રોડાઉન જરૂર કર્યા છે અને જો જરૂર પડે તો તે તૈયાર છે. તેણે જે સહન કર્યું છે તે પછી તે ખૂબ પીડામાં છે. આપણે આ શ્રેણીમાં અન્ય ખેલાડીઓને પણ જોયા છે. કેટલાક તૂટેલા પગ સાથે રમી રહ્યા છે, કેટલાક સતત બોલનો સામનો કરી રહ્યા છે. છતા એ ખેલાડીઓ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે એ સ્પષ્ટ છે.
ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ ભારત સામે ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ શુક્રવારે આ માહિતી આપી. ECB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સામેની મેચના પહેલા દિવસે ડાબા ખભામાં ઈજા થયા બાદ, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ આગળ ભાગ લઈ શકશે નહીં.’ આ સમયે, તે ઈજાને કારણે વધુ ટેસ્ટ મેચ રમી નહીં શકે. શ્રેણીના અંતે વધુ તપાસ કરવામાં આવશે. ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતના પ્રથમ ઇનિંગના 57મી ઓવર દરમિયાન ફિલ્ડિંગ કરતા વોક્સને ડાબા ખભામાં ઈજા થઈ હતી. વોક્સે પહેલા દિવસે 14 ઓવર ફેંકી અને 46 રન આપીને 1 વિકેટ લીધી હતી. 35 વર્ષીય વોક્સ આખી શ્રેણી દરમિયાન ઈંગ્લેન્ડ માટે શાનદાર બોલર રહ્યો છે. સ્ટોક્સ ઉપરાંત, તે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકનાર બીજો બોલર હતો. આખી શ્રેણીમાં, તેણે 181 ઓવર ફેંકીને 11 વિકેટ લીધી.
હેરી બ્રુક (98 બોલમાં 111 રન) અને જો રૂટ (152 બોલમાં 105 રન)ની સદીઓ બાદ, દિવસના છેલ્લા સત્રમાં પ્રસિદ્ધ કૃષ્ણ (109 રનમાં 3 વિકેટ) અને મોહમ્મદ સિરાજ (95 રનમાં 2 વિકેટ)ની શાનદાર બોલિંગે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટને ખૂબ જ રોમાંચક વળાંક પર લાવી દીધી છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડ જીતી જશે, પરંતુ ત્યારબાદ વણાંક આવી ગયો અને હવે રોમાંચક વણાંક પર છે. હવે જોવાનું એ રહેશે કે કોણ જીતશે.