Shibu Soren Passes Away: ઝારખંડના પૂર્વ CM અને JMMના સંસ્થાપક શિબૂ સોરેનનું 81 વર્ષની વયે નિધન
Shibu Soren Passes Away: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના સંસ્થાપક શિબુ સોરેનનું સોમવારે લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું. તેઓ 81 વર્ષના હતા. તેમણે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલે શિબૂ સોરેનને સોમવારે સવારે 8:56 વાગ્યે મરુત જાહેર કરી દીધા હતા. શિબુ સોરેનના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને x પર લખ્યું કે, ‘આદરણીય દિશોમ ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું.’
શિબુ સોરેન ઘણી વખત ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા હતા. લાંબી બીમારી બાદ તેમણે સોમવારે (4 ઓગસ્ટ) દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને 19 જૂનથી ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત ઘણા JMM નેતાઓ શિબુ સોરેન સાથે તેમના અંતિમ ક્ષણોમાં હાજર હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શિબુ સોરેનને ઉંમર સંબંધિત ઘણી બીમારીઓ હતા. ઉપરાંત, તેમને કિડનીની બીમારી પણ હતી. શિબુ સોરેન છેલ્લા કેટલાક દિવસોથી વ્હીલચેર પર હતા. તેઓ JMMના રાષ્ટ્રીય સંમેલનમાં પણ વ્હીલચેર પર આવ્યા હતા. જોવા જઈએ તો, વર્ષ 2020માં રાજ્યસભાની ચૂંટણી થઈ હતી, ત્યારબાદ શિબુ સોરેન રાજકારણમાં વધુ સક્રિય જોવા મળ્યા નહોતા. જોકે, તેઓ સતત JMMનું માર્ગદર્શન કરતા રહ્યા.
ઝારખંડના ગોડ્ડાથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, ‘હું જે વિસ્તારનો સાંસદ છું તે ગુરુજીનો જ વિસ્તાર છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ મોટું હતું. ક્યારેય એવું બન્યું નથી કે તેમના વ્યવહાર કે વિચારોથી કોઈને મુશ્કેલી પડી હોય. સાંસદ રહીને મને ઘણા વર્ષો સુધી શિબુ સોરેન સાથે કામ કરવાની તક મળી. તેમણે હંમેશા અમારું માર્ગદર્શન કર્યું.’
નિશિકાંત દૂબેએ મુખ્યમંત્રી હેમંત સોરેનની ટ્વીટ શેર કરતાં લખ્યું કે, ‘એક યુગનો અંત થયો, ભગવાન તમને અને તમારા સમગ્ર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આદરણીય શિબુ સોરેનજીએ JMMના વિકાસમાં મોટું યોગદાન આપ્યું.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp