માફ કરજો મિત્રોં..બાપજી પેલી બાજુ ભાગ્યા તો હમો એની ઉપર ઉડ્યા. બાપજીએ પેલી મિલ્ખાસિંઘવાળી ફિલમ પરથી પ્રેરણા લીધી લાગે છે. મેરેથોનમાં ભાગ લેવો હોય એમ જે રમરમાટ દોટ મૂકેલી હમો તો અચંબિત થઈ ગયા કે આ સિલિંડર ખાટલેથી તો રગડી જવાની તૈયારીમાં હતું ને એકદમ આટલી બધી એનર્જી આવી કેવી રીતે? આવા વિચારોમાં ઉડતા ઉડતા હમોને ખ્યાલ આવ્યો કે આપણી મેઈન સ્ટારકાસ્ટ તો મંદિરમાં જ છે. આ તો સાઈડ રોલ છે. ને તરત જ યુ ટર્ન લઈને પાછા મંદિરે આવ્યા. અહીં આવીને જોયું તો ખાલી-ખાલી તંબુ ને ખાલી-ખાલી ખુરસી..એ તો ભલું થજો પેલા બે બહેરા કાકાઓનું કે એ અહીં હતા તો એમની વાતો, ખરેખર તો ઘાંટાઓથી હમોને ઘટનાસ્થળનું સરનામું મળ્યું. ને હમો તો ત્યાં ફૂરરરર. આખે રસ્તે વિચાર આવ્યા કીધા કે પેલા પોલીસભાઈઓ ચિંટુ પિંટુને મારે નહીં તો સારુ. એ લોકોનો આમ પાછો કોઈ ઉપદ્રવ નથી. લોક બધું ભેગું થાય છે ને એમાં તો એ પેલા રથવાળા જાડા થોથાંમાંથી કંઈ વાંચેલું સંભળાવે છે અથવા મોબાઈલ પર ભજનો મૂકે ને બધા મંડળી જમાવે એટલું જ. જો કે કાયદો એટલે કાયદો. ટોળું નહીં કરવાનું ફરમાન હોય તો પાલન કરવું જ જોઈએ પણ તમે નહીં સુધરો. જવા દો..ભાગવત કરવાનો અર્થ નથી. એ બધું તો પછી ય થશે પણ પહેલાં તો આપણા હીરોલોગ કે ક્યા હાલ હે વો દેખેંગે હમ લોગ..
ચિંટુ: ભઈ પોલીશ, અમને ઓંય ચ્યમ લાયો છે ઈમ તો ફોડ પાડ કોંક..
પોલીસ ૧: એ ટણપા..ચૂપ રહે..અહીં સવાલ માત્ર પોલીસ જ પૂછે.. કહી દઉં છું તને..
પિંટુ: ચાલ ઓ... પ્રભુ જોડે આ રીતે ની બોલવાનું કહી દેમ છું મેં...
પોલીસ ૧: એમ ? નહીં તો તું શું કરી લઈશ જાડિયા?
પિંટુ: મહારાજ આ ભઇને તમે હમજાવહો કે મેં હમજાવું?
ચિંટુ: ભઈ પિંટુ, તુ શોંતિ રાખ ઘડીક. આ પોલીશભઈને કોંક ગેરશમજ થઈ છ ઇમોં જ તે આપડાને ઓંય લાયા છ. હં તો પોલીશભઈ, કોહ તો ખરા? મારે કોરોનુની શમશ્યાનો ઉકેલ ઓંય જમા આલવાનો છ?
પોલીસ ૧: ઇન્સ્પેકટર સાહેબ કહેસે તને બધું.
પિંટુ: લે, જવાબ સાહેબ આપહે? કિયારના તો તમે જ કહી દઉં છું કહી દઉં છું કેહ્યા કરતા છે તે કહી દેવની..
પોલીસ ૧: અડબોથ ખાવાના બહુ શોખ લાગે છે તને. કહી દઉં છું તને..
ચિંટુ: પિંટુ તું ચૂપ રેહ. તને મું એક મેલે એટલો ગુશ્શો આઈ રહ્યો છે. જેલમાં આ લોકો ચક્કી પીસાવશે બહુ ટઈડપઈડ કરી તો.. હજુ તારો આ લોકો શાથે પનારો નહે પડ્યો ઇમોં. બાકી તો તું ઢોંપલીનો ના થાત. પોલીશભઈ મું ઈના વતી શોરી. બશ?
પિંટુ: તમે હું કામ માફી માંગે પણ ? કોઈનો કંઈ વાંક છે જ ની તો માફી હાના હારુ માંગવાની? આપડે કંઈ ચોરીચપાટી થોડી કરેલી છે?
પોલીસ ૧: બધી હોંસિયારી તારા ખીચામાં મેકી દે પિલ્લુ વાળીને. ધીબેડી નાંખીસ કહી દઉં છું.
ચિંટુ: હે ભગવાન, જ્યોં જ્યોં નઝર મારી પડે નકરા વેરઝેર ભર્યા છ. ગોમમોં ય કોઇ ને કોઇ બબાલ ચાલતી જ હોય. કૃષ્ણજન્મ થયેલો ત્યોં તો પોલીશ નામદાર હોય એટલે ત્યોં ટંટાફશાદ ના હોય પણ ઓંય તો પોલીશભઈ જ ટંટાફશાદ કરે એવા છ.
પોલીસ ૨: એ ય ચંગુ મંગુ.. ન્યા મંદિરમાં હુ લેવા અટલી ભીડ ભેગી કરશ? હમણાં બધી ટોળાબાજી બંધ રાખવાની ખબર સ્યે ને?
ચિંટુ: હા શાયેબ, પણ અમી તો બધા આઘા આઘા જ બેશીએ છીએ. ભગવાનનું નામ લઈએ ને પછી મું ગોમવારાઓને થોડું મનઅ ખબર પડઅ એવું ગનાન આલું.. હવડે તો આ કોરોનું વિસે ય હરખું ઠમઠોરું છું ગોમવારાઓને.. હેં ને પિંટુ?
પિટુ: તે જ ને હારા. આપડે કંઈ તાયફા કરવા ભેગા નથી થતાં વરી. મેં એમ કેઉં ઇન્સ્પેક્ટર સાહેબ કે કોઈ દહાડો તમે ય આવો મંદિરે.. પ્રભુની વાતોથી તમે હો પ્રભાવિત ની થઇ જાવ તો મારું નામ બદલી લાખજો જાવ..
પોલીસ ૨: એમ ? તારું નામ બદલીને હુ રાખવાનું નકી કયરુ શ ભૂરા, કહે જોય?
પિંટુ: બદલવું જ ની પડહે પણ.. એવી એવી વાતો કરહે ને પ્રભુ કે તમને હો એમને સલામ કરવાનું મન થઈ જહે.
પોલીસ ૧: એય ચરબીની ભરેલી.. તુ એમ કહે કે તમારા આ ડાયરામાં ગામવારા સિવાય બહારનું કોઈ આવે ? શુ છે કે અમે એક ખૂનીને સોધીએ છીએ. બાજુના ગામમાંથી એક આદમી ખૂન કરીનો ભાગ્યો છે.
ચિંટુ: ઇમ ? કુણ હતું? મર્યું કે નહે મર્યું હજ્જુ હુંદી?
પોલીસ ૧: અરે ઓ અક્કલના ઓથમીર.. મલી જ્યું હોય તો ઇને કોઈ હોધે ?
પિંટુ: પેહલા તમે એમ કહેવ કે તમને કોણે કેહ્યું કે અમે અક્કલના ઓથમીર છે? જોતિસ છે કે હુ હારા? મારો હાથ જોઈ આપો ની ? મારે ફોરેન જવું છે તો જવાહે કે ની?
પોલીસ ૨: આ કમઅક્કલોને આપણે ખોટા ઉંચકી લાયવા. બેમાંથી એક્કેયને કંય ખબર નથ પડતી ને ઉપરથી આપણને મૂંજવી દ્યે છે ગય્ધના..
પોલીસ ૧: હા પણ આપણે કાંક કામ કરીએ સીએ એમ તો દેખાડવું ને ચોપડે.. હાલ એય મોટા.. નામ લખાવો તમારા બે યના..
ચિંટુ: લખો આ મારો ખાશંખાશ છ.. પિંટુનંદ સ્વામી
પોલીસ ૨: એને મોંઢામાં મગ ભયરાશ ભૂરા? તુ હુ લેવા ડાયો થાશ?
પિંટુ: ઓ ભઈ, પ્રભુને કોઈ કંઈ ની કેહે.. ની તો જોવા જેવી થહે કેહી દેતો છે મેં.
પોલીસ ૧: આ એક ખાશે પછી જ સીધો થસે. આલુ એક સનસનાઈને? હવે જો દોઢ થયો તો પૂછ્યા વના જ મેલે એક ડાબા કાન નીચે..
ચિંટુ: સાંત ગદાધારી સાંત.. મારું નામ ચિંટુનંદ છે .
પોલીસ ૨: ક્યાં રેવાનું? ને કામબામ કંઈ ખરું કે?
ચિંટુ: ઓંય ગોમમાં મંદિર પોંહે જ એક શોશાયટી છ ઇમોં રહીયે છ બે ય જણા. કોમ તો હાથીગઢવાશીઓને શમશ્યા હોય તો મદત કરવાનું ..
પોલીસ ૧: ઓત્તારી ભલી થાય.. સુ મદત કરો છો મોટા તમે એ જરા જણાવવાની કીરપા કરસો માહરાજ?
પિંટુ: તમારી કોઈ સમસ્યા ઓય તો કહેવ.. ગુરુજી એનો ઉકેલ હો ટકા લાવી જ આપહે .
પોલીસ ૨: બાબાને મિડિયમ ઇંગ્લિશમાં ભણવા મૂકવો આપણે.. પણ ગય્ધના ડોનેસન માંગે છે. બધી ટ્રાય કરી જોઈ પણ કાંય મેળ નથી આવતો.. લ્યો આ કીધી તમને સમસ્યા.. લાવો ઉકેલ..
ચિંટુ: વત્શ.. બધા કર્મોના ફર છે. તમે જે કર્યું છ ઇનું જ આ ફર છ. તમે જી કરો એ કર્મના ફરની આસા મેકી દો પછી કરો.. પછી જૂઓ ચમત્કાર.. તમારું કોમ પાર પડશે જ. મું કઉ સુ ને?
પોલીસ ૧: તે સ્વામીજી, તમે ભગવાન છો?
પિંટુ: પ્રભુ તો માદેવજીના ડાયરેક કોન્ટેકમાં છે તેમાં જ એમને આવું બધું બોલતા આવડતું છે. ને એમને બધી જ ખબર ઓય જ..
પોલીસ ૨: પેલો ભાગેડુ ખૂની ક્યાં છે એ ખબર વોય તો ક્યો. બાકી જેશીક્રશ્ન.
ચિંટુ: તો અમે જઈએ હવે?
પોલીસ ૧: જાવ.. પણ સાહેબ બોલાવે ત્યારે આબબુ પડશી. ને તમારા ડાયરામાં કોઈ અજાણ્યું દેખાય તો જાણ કરજો અહીં. ને હા, સોશ્યલ ડિસ્ટન્સ જારવજો પાછા ડાયરામાં. નહીં તો એક એકને વીણી વીણીને સળિયા ગણતા કરી દઇસ. કહી દઉં છું તમને..
પિંટુ: એક મિલિટ, તમે ભીડ બધાયને જેલભેગા કરહો તો ભીડ જેલમાં થહે તેનું હુ?
પોલીસ ૧: તું જા ને હવે છાનીમાની વાયડીની થતી ..
હેં? આ શું લશ્કર લડાવે છે? પોલીસ કોઈ ખૂનીને શોધી રહી છે એમાં આ બે અડફેટે ચડી ગયા. પણ હિંમત હારે એ બીજા.. ચિંટુલાલ-પિંટુલાલ નહીં. પોલીસ સ્ટેશનમાં ય પેલી જાડી કિતાબમાંથી જ કંઈક વાંચેલું યાદ આવી ગયું હશે તે ઠપકારી દીધું. અહીંથી તો બહાર આવી ગયા આ બે પણ સાલું કંઈક ગરબડ તો છે જ. તમને શું લાગે છે? એક કામ કરું.. જમવાનું પરવારી જઉં.. તમે ય જેસીક્રસ્ન થઈ જાવ.. મળ્યા પછી..