Surat News: સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આત્મહત્યાના મામલા સતત વધી રહ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. બાળકો અને યુવાનોમાં ટેન્શનનું પ્રમાણ વધી રહ્યું છે કે પછી કંઈક બીજું કારણ છે, પરંતુ સુરતમાં બની રહેલી આત્મહત્યાની ઘટનાઓને સામાન્ય ન ગણી શકાય કેમ કે અહી છેલ્લા 3 દિવસમાં 7થી વધુ લોકોએ આત્મહત્યાનું પગલું ભર્યું છે. તો હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ધોરણ 10માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થિનીએ બાંધકામ સાઇટ પર જઈને છઠ્ઠામાળ પરથી મોતની છલાંગ લગાવી દીધી છે.
મોતની છલાંગ લગાવનારી 10ની વિદ્યાર્થિનીનું નામ અશ્વિતા ડામોર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેણે પોતાના ઘરથી લગભગ 4 કિલોમીટર દૂર એક બાંધકામ સાઇટ પર જઈને છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. મૃતક વિદ્યાર્થીની અસ્વિતા ડામોર સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી હતી. જ્યારે તેણે પાંડેસરામાં આત્મહત્યા કરી હોવાનું કહેવામા આવી રહ્યું છે. ગઇકાલે સાંજે અસ્વિતા ઘરથી નીકળી હતી. પરિવારના જણાવ્યા અનુસાર અસ્વિતાએ પરિવારને કહ્યું હતું કે, ‘તે ટ્યૂશનથી બાદ તેની બહેનપણીના ઘરે જઈ રહી છે, પરંતુ રાત્રે 8:00 વાગ્યા સુધી પાછી ઘરે ન આવતા પરિવારજનોએ ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવી રહ્યો હતો, જેથી પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. રાત્રે 11:00 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અસ્વિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળ્યા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે અસ્વિતાના મોબાઈલ ફોનના લોકેશનના આધારે તેની શોધખોળ ચાલુ કરી. તપાસ કરતા પોલીસને અસ્વિતાનું લોકેશન પાંડેસરા વિસ્તારમાં મળ્યું તો પોલીસ એ તરફ ગઈ. તપાસ કરતા જાણવા મળ્યું કે અસ્વિતા ભેસ્તાનથી એક રિક્ષામાં બેસીને પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી ગઈ હતી. અહીંથી તે એકલી જ ચાલીને તિરુપતિ સર્કલથી લગભગ 5 મિનિટના અંતરે આવેલી એક બાંધકામ સાઇટ પર પહોંચી હતી. ત્યાં રહેલા સિક્યોરિટી ગાર્ડે તેને જોઈને બૂમો પણ પાડી, પરંતુ તે કંઈ સમજે તે અગાઉ અસ્વિતાએ છઠ્ઠા માળે જઈને ત્યાંથી ઝંપલાવી લીધું હતું. ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પાંડેસરા પોલીસ અને ભેસ્તાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે જોયું કે અસ્વિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો. પોલીસે તાત્કાલિક પરિવારને જાણ કરી. ત્યારબાદ પિતા હિતેશભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દીકરીના મૃતદેહને જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પિતા ચોધાર આંસુએ રુદન ચાલુ કર્યું, જેના રણે માહોલ ગમગીન બની ગયો હતો.
આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવીએ જણાવ્યું હતું કે- ‘વિદ્યાર્થીની ભેસ્તાનથી ઓટોમાં પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી અને ત્યાંથી ચાલીને બાંધકામ સાઇટ પર પહોંચી. છઠ્ઠા માળેથી તેણે કૂદકો માર્યો, જે દરમિયાન સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ બૂમો પાડી હતી, પરંતુ તે પહેલાં જ તેણે પોતાનો જીવ આપી દીધો. અમે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીનીના મોબાઇલ ફોન અને તેના સંપર્કોની પણ તપાસ ચાલી રહી છે.’
આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ધોરણ 10માં ભણતી એક વિદ્યાર્થિનીએ, જેણે જિંદગી હજી તો સરખી જોઈ પણ નહોતી, હજી શાળામાં જ ભણતી હતો, તેણે આટલું મોટું પગલું ભર્યું કેમ? શું તેના પર કોઈ પ્રકારનું પ્રેશર હતું? કોઈ વાત તેણે સતાવી રહી હતી કે પછી વિદ્યાર્થિની કોઈક અણછાજતી ઘટનાની શિકાર બની હોવાથી તેણે આટલું મોટું પગલું ભર્યું. આ ઘટનાના નિષ્કર્ષ પર નીકળવું વહેલું ગણાશે, પોલીસ તપાસમાં જ સામે આવશે કે વિદ્યાર્થિનીએ આત્મહત્યા જેવડું મોટું પગલું કેમ ઉઠાવ્યું. હાલ, પોલીસે અસ્વિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ સિવાય સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં દરમિયાન આત્મહત્યાની ઘટનાઓને બધાને ચોંકાવી દીધા છે. 3 દિવસમાં 9 વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, જેમાં 3 ઘટના સામૂહિક આત્મહત્યાની ઘટના કહી શકાય. પહેલા એક માતાએ પોતાના જ 2 વર્ષના દીકરાને દૂધમાં ઝેર ભેળવી પિવડાવ્યા બાદ પોતે પણ ઝેર પીને જીવન ટૂંકાવી લીધું, દીકરો હજુ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. તેના બીજા જ દિવસે પત્ની અને તેના પ્રેમીના ત્રાસને કારણે શિક્ષક પતિએ 2 માસૂમ બાળકોને સોડામાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતારી બંનેને બેડ પર સુવડાવી નજીક-નજીક તસવીરો ગોઠવી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના 2 દિવસ બાદ 2 મિત્રોએ ઝેર પીને બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી હતી. એમાં એકનું ફ્રેન્ડશિપ ડેના દિવસે જ મોત થઈ ગયું હતું. હવે આ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી. આ સિવાય 4 લોકોએ પણ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.