હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો વિચારી રહ્યું છે. હજી સુધી કોરોનાની કોઈ રસી શોધાઈ આથી, ત્યારે એક એવી બીમારી વિષે વાત કરવી છે, જે સાવ અલગ પ્રકારના અને ચીતરી ઈલાજથી કાબૂમાં આવી ગયેલી.
એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી, ત્યાર પછી આ જીવલેણ રોગ નાબૂદ થયો. પરંતુ શું તમે માની શકો કે એડવર્ડ જેનર’નો જન્મ પણ નહોતો થયો એ પહેલાથી એક ખાસ પ્રકારની પદ્ધતિ અમલમાં હતી, જેના દ્વારા શીતળાના રોગ સામે રક્ષણ મેળવાતું! જો કે આ જોખમી પદ્ધતિ બહુ પ્રચલિત નહોતી. તેમ છતાં કોઈક રીતે ભારતથી માંડીને સાઉથ આફ્રિકાની નીગ્રો પ્રજા સુધી આ પદ્ધતિનો વ્યાપ હતો. ઇસ ૧૭૨૧માં ઇલાજની આ વિચિત્ર ગણાયેલી પદ્ધતિએ સેંકડો બોસ્ટનવાસી લોકોનો જીવ બચાવ્યો, જેનો શ્રેય જાય છે કોટન મેથર નામના જિજ્ઞાસુ અને એના નીગ્રો ગુલામ ઓનેસીમસને! (એ સમયે આખી દુનિયામાં ગુલામીપ્રથા મોજૂદ હતી.)
ઓનેસીમસ બીજા નીગ્રો ગુલામોની જેમ સાવ અબુધ નહોતો. એની નિરીક્ષણશક્તિ સારી હતી અને નવી બાબતો ઝડપથી શીખી શકતો હતો. આ તરફ મિ. કોટન પાસે વાચન-લેખનના રસને કારણે જ્ઞાન અને માહિતીનો ઢગલો હતો. બીજી તરફ કોટનને ઓનેસીમસમાં રસ પડ્યો. ઓનેસીમસ પોતાના માલિકને કોઈ પણ ભોગે ખુશ કરીને ગુલામીમાંથી મુક્ત થવા ઇચ્છતો હતો. જો જ્ઞાન વધે એવી વાતચીત કરવાથી માલિક ખુશ થતો હોય, તો મુક્તિ ઇચ્છતા ગુલામ માટે એનાથી રૂડું બીજું શું હોઈ શકે?!
એમાં એક દિવસ હજારો લોકોને ભરખી જનાર મહારોગ ‘સ્મોલ પોક્સ’ની વાત નીકળી. એ સમયે બોસ્ટન સહિતના ઘણા શહેરો વારંવાર આ મહામારીનો ભોગ બનતા અને દર વખતે સેંકડો લોકો મોતને ભેટતા. ચર્ચા દરમિયાન ઓનેસીમસે શેખી મારતા કહ્યું કે ગમે એટલો વાવર હોય તો પણ એના શરીરમાં સ્મોલ પોક્સનો ચેપ લાગશે જ નહિ! કોટનને વાતમાં રસ પડ્યો. કારણ પૂછતાં ઓનેસીમસે નીગ્રો પ્રજા દ્વારા સ્મોલ પોક્સના રોગથી બચવા માટે કરાતી એક ખાસ વિધિની વાત કરી, જે મુજબ શીતળાનો ભોગ બનેલ કોઈ વ્યક્તિ સાજો થઇ રહ્યો હોય, ત્યારે એના રુઝાઈ રહેલા ફોલ્લા ઉપર બાઝેલા પોપડાને બીજા સ્વસ્થ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવતો. આ માટે તે વ્યક્તિના હાથ ઉપર કાપ મુકવામાં આવતો. ઓનેસીમસના હાથ ઉપર પણ આવું કાપાનું નિશાન દેખાતું હતું, એ વાત કોટને પોતાની ડાયરીમાં નોંધી છે. આ ક્રિયાને પરિણામે તે વ્યક્તિ શરૂઆતમાં તાવનો ભોગ બનતો, પરંતુ આખરે એનું શરીર કૃત્રિમ રીતે કરવામાં આવેલા શીતળાના હુમલા સામે રોગપ્રતિકારક શક્તિ કેળવી લેતું! આવી વ્યક્તિને જીવનમાં ફરી ક્યારેય શીતળાની અસર થતી નહિ!
ઓનેસીમસે જે વર્ણન કર્યું એ મુજબ આખી વિધિ સાવ દેશી પદ્ધતિએ કરાયેલું રસીકરણ (Inoculation) જ હતું, એ વાત કોટનને સમજાઈ ગઈ. ઓનેનીમસે આપેલી માહિતી મુજબ, જ્યારે આફ્રિકામાંથી ગુલામો પકડવામાં આવતા, ત્યારે જેના હાથ પર આ પ્રકારના કાપાનું નિશાન હોય, એ ગુલામની કિંમત વધુ આંકવામાં આવતી. કારણકે એ ગુલામ સ્મોલ પોક્સના રોગ સામે સુરક્ષિત ગણાતો. બુદ્ધિશાળી કોટનને સમજાયું કે ભણેલા-ગણેલા ડોક્ટર્સ જો પદ્ધતિસર આ પ્રકારનું રસીકરણ કરે તો શીતળાના રોગ સામે એ અકસીર સાબિત થાય. કોટન મેથરે ઓનેસીમસ સાથે થયેલો આખો સંવાદ પોતાની ડાયરીમાં નોંધ્યો છે. થોડા વર્ષો બાદ, ઇસ ૧૭૨૦ દરમિયાન બોસ્ટનમાં સ્મોલ પોક્સનો વાવર શરુ થયો. રોજેરોજ દર્દીઓની સંખ્યા વધવા માંડી. આ સમયે કોટને ઓનેસીમસ પાસેથી જાણેલો ઈલાજ અમલમાં મૂકવાના પ્રયત્નો શરુ કર્યા. કોટને મેડિકલ કાઉન્સિલને પણ પત્ર લખીને આ અંગે જણાવ્યું, જેમાં પોતાના ગુલામ ઓનેસીમસનો પણ ઉલ્લેખ કર્યો.
પરન્તુ ઓનેસીમસે રસીકરણની જે પદ્ધતિ વર્ણવેલી, એ ગોરા લોકોને બહુ વિચિત્ર અને જોખમી લાગી. વાત ખોટી ય નહોતી. કોઈક બીજાના શરીર પર બાઝેલો પોપડો (Scabs) પોતાના શરીરમાં દાખલ કરવાથી બીજા અનેક પ્રકારના ચેપ લાગવાની શક્યતા પૂરેપૂરી! એ સમયે કોઈ ડોક્ટર કોટન મેથરની થિયરી ઉપર વિશ્વાસ મૂકવા તૈયાર નહોતો. એક ન્યૂઝ પેપર તો આવી ભેજાગેપ થિયરી દ્વારા લોકોનો જીવ જોખમમાં મૂકવાનો પ્રયત્ન કરનાર કોટન મેથરની પાછળ પડી ગયું. લોકો એકી અવાજે ઓનેસીમસ અને કોટન મેથરનો વિરોધ કરવા માંડ્યા. એકાદ વ્યક્તિએ તો કોટન મેથરના ઘર ઉપર હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યો! જો કે સદનસીબે એ હુમલામાં કોઈ જાનહાનિ ન થઇ. બીજી તરફ, શીતળાનો રોગચાળો બોસ્ટનમાં વધુને વધુ ફેલાતો જતો હતો. આવા સમયે ડૉ બોઈલસ્ટન નામનો એક ફિઝીશીયન કોટન અને ઓનેસીમસની મદદે આવ્યો. એણે પોતાના સગા પુત્ર અને બે ગુલામો ઉપર ઓનેસીમસે કહેલી પદ્ધતિનો પ્રયોગ કર્યો. પરિણામ સારું આવ્યું. ત્રણેય દર્દીઓ શીતળામાંથી બચી ગયા! આ ઘટના બાદ લોકો ઓનેસીમસની થિયરીને સ્વીકારતા થયા. પછી તો ૧૭૨૧-૧૭૨૨ ના વર્ષો દરમિયાન અનેક લોકોએ આ પદ્ધતિ અપનાવી. જેના કારણે શીતળાને કારણે થતો મૃત્યુદર માત્ર ૨% જેટલા નીચા લેવલે પહોંચ્યો! જેમને ઓનેસીમસની પદ્ધતિ દ્વારા રસીકરણ કરાયેલું, એ પૈકીના મોટા ભાગના લોકો શીતળાથી બચી ગયા! આ એક બહુ મોટી સફળતા હતી, જેનો હકદાર હતો કોટન મેથરનો ગુલામ એવો ઓનેસીમસ.
(મુંબઈ સમાચારની મારી કોલમ 'ભાત ભાત કે લોગ'માં એક લેખનો અંશ)