મોર્નિંગ ડાયરીઝ : આ રીતે સખત સખળડખળ સાથે થઈ આજની શરુઆત!

મોર્નિંગ ડાયરીઝ : આ રીતે સખત સખળડખળ સાથે થઈ આજની શરુઆત!

04/01/2021 Magazine

રાજુલ ભાનુશાલી
સખળ ડખળ
રાજુલ ભાનુશાલી

મોર્નિંગ ડાયરીઝ : આ રીતે સખત સખળડખળ સાથે થઈ આજની શરુઆત!

આજે સવારે જોયું તો દૂધ નહોતું આવ્યું. એમ તો બે'કવાર ચા બની જાય એટલું આગલા દિવસનું પડ્યું હતું. એક પવાલું દહીં પણ હતું જ.  છાસ બની જશે. હા, રાઇતું નહીં બને. પણ ચાલી જશે.  શું થયું હશે? આજે ગાયે  દૂધ નહીં આપ્યું હોય કે પછી એ છોકરો જે રોજ દૂધ આપવા આવે છે (જેનું મને નામ સુદ્ધાં નથી ખબર) એ નહીં આવ્યો હોય? કદાચ એની તબિયત નરમગરમ થઈ ગઈ હોય! કોરોનાએ ફરી માઝા મૂકી છે. જે પણ હોય, પહેલી વાત તો અશક્ય લાગે છે અને બીજી વાતની મારી વિચારેલી સંભાવના ખોટી પડે એવું હું ઈચ્છું છું. આવતીકાલે સવારે હું કોની વાટ જોઈશ?  દૂધની કે દૂધ આપવા આવનાર છોકરાની (જેનું મને નામ સુદ્ધાં નથી ખબર!)

ગેસ પર ચાની તપેલી ચઢાવીને બ્રશ  અને મોબાઇલ લઈને બેઠી. વૉટ્સ ઍપમાં એક લેખકે ફૂલ્સ ડેના વધામણાં આપ્યાં હતાં. હું મુંઝાઈ ગઈ ફૂલ્સ ડેવળી શું? પછી ધ્યાન આવ્યું કે તેઓ ફર્સ્ટ એપ્રિલની વાત કરી રહ્યા છે. મેં રીપ્લાયમાં માત્ર એક સ્માઇલી મોકલી. થેન્ક્યુ અથવા સેમ ટુ યુ જેવું કશું પણ કહેવું મને અજુગતું લાગ્યું.  એમના મેસેજ રેગ્યુલર આવતાં હોય. ક્યારેક ક્યાંક કશું છપાયું હોય એ મોકલે તો ક્યારેક કોઈ કાર્યક્રમની વિગતો. સાથેસાથે નવું શું લખ્યું અને કંઈ સલાહસૂચન જોઈતાં હોય તો નિસંકોચ કહેજો જેવી વાત પણ ભાર દઈને કરતાં હોય.  એકાદવાર નવી લખેલી વાર્તાના વિષય વિશે એમની સાથે વાત કરેલી. તે પછી બીજા જ મહિને એક જાણીતા સમાયિકમાં છપાયેલી એમની વાર્તા એમણે મોકલી. તે દિવસે વાત  થયેલી એ  વિષયને મળતાં આવતાં વિષયવાળી એમની વાર્તા હતી. એમણે મેસેજ યોગ્ય સરનામે જ કર્યો  હતો એ આજે સમજાયું.  એમનો આગલો મેસેજ જોયા વગર ડીલીટ કરી દીધો.

ફેસબુક પર જોયું તો ગઈકાલે રાત્રે પોસ્ટ કરેલા સ્ટેટસ પર આશા રાખી હતી એટલા લાઇકસ નહોતા આવ્યા. કમેન્ટ્સ પણ બે પાંચ જ હતી. એકાદ બેવાર અગાઉ પણ નોંધ્યું હતું કે  રાત્રે બારેક વાગ્યા પછી કોઈ સ્ટેટસ મૂક્યું હોય એમાં કાયમ આવતી એના કરતાં ઓછી જ કમેન્ટ્સ આવે. લોકો આટલી જલદી સુઈ જતાં હશે?  હવેથી પોસ્ટવાના ટાઇમિંગનું ધ્યાન રાખવું એવું નક્કી કર્યું. 

 

ચામાં દૂધ નાખ્યું. નાશ્તામાં ગઈકાલે વધેલી રોટલીની કાતરણ કરીને લીલા મરચાંથી વઘારી. સાથે પપૈયું સમાર્યું. મારા અપાર આશ્ચર્ય વચ્ચે પપૈયામાં એક્કેય બીયું નહોતું. દોડીને ફ્રિજમાં પડેલું પેરુ લઈ આવી. ક્યાંક એમાંથી પણ બીયાં અલોપ તો નથી થઈ ગયાં ને! પરંતું એમાં બીયાં હતાં એ જોઈને રાહત થઈ.  પપૈયાંને આ બાબતે પ્રશ્ન પૂછવાનું મન થયું પરંતુ કઈ ભાષામાં પૂછું એ સમજાયું નહીં. પેરું તો પૃથ્વી પર પોપટ, ચકલી અને ખિસકોલીઓની કૃપાથી બચી જશે એ વિચારીને રાહત થઈ.. પરંતુ આ પપૈયાનું શું? એ બીયાં વગર કેટલે દૂર જઈ શકશે? આપણને કેટલે દૂર લઈ જશે?  આજકાલ ચકલીઓની ચીંચીં બહુ વધી ગઈ છે. ક્યાંક  એને ચૂપ કરાવવાના ઉપાય સ્વરૂપે  કોઈક કાવતરું તો નથી રચવામાં આવ્યું ને? એના જ એક ભાગ રૂપે પપૈયાનાં બી ગાયબ કરી નાખવામાં આવ્યાં હોય! બળ્યું, હવેથી પપૈયું લાવવું જ નથી.

આ રીતે સખત સખળડખળ સાથે થઈ આજની શરુઆત. 

નાના હતાં ત્યારે પડવાના દિવસે સવારના પાંચ વાગે ઊઠવું પડતું. વડીલો કહેતાં કે આજે જો મોડાં ઊઠીએ તો આખું વર્ષ મોડા ઊઠવાનું થાય. આજે કરશો એવું જ આખું વર્ષ કરશો.  તો શું આજના ફર્સ્ટ એપ્રિલના દિવસે જો કોઈની વાતોમાં આવીને મૂરખ બની જઈએ તો આખું વર્ષ મૂરખ બનતાં રહીએ એવું હશે? જોકે માણસ જાણ્યેઅજાણ્યે મૂર્ખતાની શરણે એટલે જાય છે કે પોતાને મળેલી 'અક્કલ'થી એ ડરે છે. જાત સાથે આમનેસામને આવી જવાનો અનુભવ ડરામણો હોય છે. ચકલીને આરસીમાં દેખાતી 'બીજી' ચકલી સાથે બાખડતાં જોઈ છે?

મોટાભાગના લોકોનો એવો પ્રયાસ હોય  છે કે તેઓ પોતાની જાતને લાગણીશીલ, ભોળા, વારંવાર છેતરાતા, મૂરખ બનતા કે ભલા માણસ તરીકે રજુ કરવાનું પસંદ કરતા હોય છે. પોતે કેટલા ભલા અને ભોળા છે એ સાબિત કરવા માટે એમની પાસે આખેઆખી કથાઓ હોય છે. આ 'બીજી' ચકલીની પાસે પણ હશે જ. પૂછી જોજો. આપણે બધાએ આવા લોકો આપણી આસપાસ જોયા છે. આપણામાંથી ઘણા મૂરખ બન્યા હશે, ઘણાએ બનાવ્યા હશે. કેટલાંક માનતા હોય છે કે સૂર્યોદય આપણે સવારના ઊઠીને ગરમાગરમ ચા પી શકીએ એટલે જ થાય છે અને સૂર્યાસ્ત ખીચડી ખાઈ શકીએ એ માટે. આ એમની પોતાની સમજ, અક્કલ અને ધારણાં છે. એમની ધારણાંને  ટેકો આપવો એ આપણી નૈતિક ફરજ છે. તે ઊપરાંત કેટલાય લોકો હોય છે જે અક્કલ વગર ચલાવી લે છે. એમની ભ્રમણાંને ટેકો આપવો પણ આપણી નૈતિક ફરજ છે. જોકે આ બધી સખળડખળમાં પપૈયામાંથી બીયાં ગાયબ કઈ રીતે થઈ ગયા એનો જવાબ શોધવાનું તો રહી જ ગયું.  ખરેખર કોઈ કાવતરું છે કે નહીં એની પણ તપાસ કરવી રહી. એ પણ આપણી નૈતિક ફરજ  છે.

આવતીકાલે પેલા દૂધ આપવા આવતા છોકરાને નામ પૂછી લઈશ. હવેથી પેલા લેખકના મેસેજો પણ ડીલીટ નહીં કરું.  એમને એમની ભ્રમણાઓ સાથે જીવવા દેવા પણ મારી નૈતિક ફરજ છે. ફેસબુકના લાઇક્સ અને કમેન્ટ્સ વધારવાની કળા શીખી લીધી છે. રાતે વધેલી રોટલીની કાતરણ કરી, લીલાં મરચાંથી વઘારીને ચા સાથે ખવાની મજા પડે. ટ્રાય કરી જોજો. અને હા, મારે ત્યાં બે ગોદરેજના કબાટ છે. બન્ને કબાટ પર સુંદર પરદાં લગાવેલા છે.  ન તો આરસીમાં ચકલી પોતાને જોઈ શકે અને ન એની સાથે બાખડી પડે!

મિયાંઉ :

મૂર્ખતા કે ઇસ પાવન અવસર પર સભી 'સખળડખળ'વાસીયોં કો તહેદિલ સે હાર્દિક શુભકામનાએં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top