ગાંવવાલો..... હમકો લગતા હે કે હમ ગાંવ મેં જાયેંગે ઓર ઇધર કુછ નવાજૂની હોયેગી તો વો હમ કો કોય નય બતાયેગા.... તો ઉડના કેન્સલ.. એ લ્લે ..આ પિંટુલાલ ક્યાં દોડ્યા..ફૂરરરર...ફૂરરરરર... ઓ મારા ભગવાન આ કેટલું દોડશે ને? ચિંટુએ કંઈ કહ્યું હશે એટલે રિસાયો હશે કે શું? અલા ભઈ રોકાઇ જા હવે.. તને કોઈ વઢશે નહીં.. પાછો આય મારા વહાલા.. બાપ રે.. આમ ને આમ જ દોડતો રહ્યો તો આ ગાંડિયો પડોસી દેસમાં પહોંચી જસે.. પિંટુને કોઈ રોકો.. હમો ય થાકી ગયા આજે તો.. હાશ બાપા પિંટુડા.. એંહ.. આ તો નોટિસબોર્ડ પર કંઈ લીટા કરે છે.. હમોને વાંચતા આવડે છે પણ આવા ગરબડીયા અક્ષર હમો વાંચવાનું પસંદ કરતા નથી. લે આ તો પાછો ભાગ્યો. વાંહે કૂતરા બી નય પડા હે તો ય કેમ દોડતા હોગા યે પાગલ છોકરા? હાલો પાછા સીસીટીવી ડાળ પર.. ત્યાં પેલી પાર્ટી બહાર પધારી ગઈ હોય તો સારુ.
પિંટુ : ચિટુભાય...ઓ ચિંટુભાયયયયય...મેં લખી આઇવો છે પાટિયે તમે કેહ્યલુ તે પ્રમાણે જ..ચિંટુભાયયયયયય..
ચિંટુ : એ ય ગબલદાશ..રાડો પાડવાનું બંધ કર દિયોર..ઓંય કોય બેરુ નહે. હરખું વંચાય ઇમ લખ્યુ છ? કે તને બોલાવવો પડશે વોંચવા?
બાપજી: હરિ:ૐ .. ક્યા લિખા હે પાટિયે પે બચ્ચા? ભજન લિખા? અનૂપ જી બોત અચ્છે ભજન ગાતે થે..
પિંટુ : ચિંટુભાય .. હું કેવ છો? આ બાપજીને મેં હમણે હમજાવું કે તમે પછી હમજાવહો ?
બાપજી: હરિ: ૐ .. પિંટુ ..મેરે સેર.. તુ જો બોલ રહા હે વો મેરે પલ્લે નહીં પડ રહા.. ધીરે ધીરે બોલ તો શાયદ સમજ મેં આ જાય..
પિંટુ : બસ હોં બાપજી.. તુમેરા ઓર ખાસ તો મેરે આકા કા માન રખતા હું ઇસ લિએ મુંગા મરેલા હું પણ મેં જાની ગયલો છે કે તમે નોટંકી જ છે હારા..
ચિંટુ: પિંટુઉઉ.. તું છોનો રહીશ બાપા? ને બાપજી તમે ય અબ છોને રહો.. મું પછી તમને હમજાઈ દયે.. તેં પાટિયા પર શું લખ્યું ઇમ કહે.
પિંટુ: મેં એમ લખ્યું કે તમે કોરોનુની તકલીફનો એકદમ અક્સીર ઈલાજ આપ્પાના છે એટલે બધા ય આવી રેહજો .
ચિંટુ : બરાબર . ચેટલા વાગે આબ્બાનું એ તો લખ્યું ને? કે ભગો કર્યો છ ?
પિંટુ : ઓ મા.. એ તો લયખું જ ની .. હવે ? આ બાપજીના લીધે જ આવું થિયું બાકી મારું કામ ચોક્કસ જ ઓય.. તમે તો જાનતા જ છે ને?
ચિંટુ : તારો આ જ ત્રાશ છ .. આજ હુંદી એકોય કોમમોં ભલીવાર નહી આયો. કોંક તો ગોટારા કર્યા જ હોય ગબલદાશે. ચ્યોં હુંદી મારા ટેકે ટેકે હેંડીસ લા? મન ખબર છ કે તને ઉપરવારાએ અક્કલ ઓછી આલી છ પણ આલી છ એ તો કોય દારો વાપર.. હાવ કટઇ જઇ લાગે છ..
પિંટુ : સોરી ચિંટુભાઈ. હવે?
ચિંટુ : હવે શું? રાહ જોવાની આપડે .. બીજું શું?
હારા આ બે જણાનું ચસકી ગયું લાગે છે. જે રાક્ષસ સામે વિજય મેળવવા જગત આખું હજુ ફાંફા મારે છે એ કોરોનુની સમસ્યાનો ઉકેલ આ અક્કલમઠો આપશે? વોટેવર, આપણે તો ખેલ જોયા કરવાનો. પિંટુ પેલું ગરબડગોટાળા જેવું ચીતરી આવ્યો છે એ ઉકેલીને કેટલા આવે છે તે જોવાનું. મીનવ્હાઈલ હમો જરા લીંબુનો રસ પી લઈએ. આપણાને કોઈ કંઈ બનાવી નથી આપવાનું એ સત્ય સમજાઈ ગયું છે. એ હા, પાટિયા પર લખેલું બધાને સમજણ પડી લાગે છે. ધાડેધાડા આ તરફ આવી રહ્યા છે. દેખાય છે કોઈ સોશિયલ ડિસ્ટન્સીંગ અહી? મોટાભાગનાએ માસ્ક પણ નથી પહેર્યાં. પોતાને શું સમજતા હશે આ લોકો? આપણાને કંઈ ના થાય વાળી તમારી મેન્ટાલિટી સુધારો બૂડથલો. તમે દેવના દીધેલાં છો?તમને તો માનો કે કંઈ ના થાય પણ તમારા લીધે બીજાને કંઈ થાય તો તેનું શું? કોણ જાણે ક્યારે અક્કલ આવશે. હમણાં પોલીસ આવે તો બધાને ખબર પડી જાય. કોઈક ડાહ્યું નીકળે તો સારુ આ અક્કલમઠાની જમાતમાં..છગનલાલ, તમારી જ જરુર છે આજે .. જે હોય તે.. ચિંટુ કોરોનુનો ઉપાય બતાવે એટલે ગંગાનાહ્યા.
પિંટુ: ભાઈ.. આ બધા તો આવી લાઈગા..
ચિંટુ: હોવે.. મેં જોયું હોં ગબલદાશ .. કોડા નહીં આલ્યા ભગવાને ..
બાપજી: પિંટુ..મેરે સેર.. ક્યા હુઆ?
પિંટુઃ હુ આમ પાંચ પાંચ મિનિટે ક્યા હુવા ક્યા હુવાની રેકોડ વગાડતા ઓહે ને? જરીકવાર જાગો તો ખબર પડે ને .. અહીં કંઈ ક્રિકેટ મેચ ચાલતી છે જે તમને કોમેન્ટ્રી આઈપા કરવાની?
ચિંટુ: પિંટુ.. તું હવે શોંત થઈ જા જોય. તમે બે જો ઓમ જ હોમહોમી ગોરીબાર કરવાના હોવ તો ગોમની શમશ્યા તો બાજુ પર જ રહેસે ને મું તમારી વચ્ચે શમાધાન જ કરાયા કરે.. બાપજી, તમે ય ઘડીક મૂંગા રહો તો સારું. બે હાથ ને ત્રીજું માથું જોડું ભઈસાબ..
બાપજી : હરિ: ૐ ...ચિંટુ , યે તુમ મેરે કો કહે રહે હો? મેરે કો તુમ પર તો કિતની આશાયેં હે મેરે બચ્ચે.. ઔર તુમ હી મુજે એસે બોલોગે?
પિંટુ: જોયું ને ભાઈ? આ નરી નોટંકી છે .. ઈમોસનલ અત્યાચાર કરી કરીને તમને ને મને ગાંડા જેવા કરી મૂકહે હાચુ કેઉં છું મે.
ચિંટુ : પિંટુ બંધ થા દિયોર...આપડી પર્શનલ વાતો આપડે પછે હમજી લઈસુ . ઓમ ગોમ વચ્ચે તમાશો કરવાનું કોમ નહીં. હેંડ તું મારી જમણી બાજુ આઈ જા. બાપજી તમતમારે બેઠે રેના યે ખાટલે પર.. હેઠે રગડ મત જાના નીંદ મેં..હમ શમશ્યા કા શમાધાન કરને જા રહે હે .
બાપજી : હરિ: ૐ ...જાઓ મેરે બાઘડબિલ્લો..ફત્તે કરો.. જય ગિરનારી..માદેવજી સે મે બાત કરતા હું.
ચિંટુ : ગાંવવાલો... જેશા કે તુમ શબ કો પતા હે કે પૂરે વિસ્વ મેં રોગચારા વ્યાપા હે..
પિંટુ: ભાઈ.. ગુજરાતીમાં કહેવ .. આ લોકોને કંઈ ખબર ની પડહે .. હાવ અભણ હારાએ..
ચિંટુ : અલા. મું આ બાપજી ભેગો લમણાં લેવામાં ભુલી જ જ્યો તો.. હારુ થ્યુ ઇયાદ કરાયું તે મનઅ.
પિંટુ: તે એમ હો જીરીકવાર પછી તમે ગુજરાતી પર આવી જ જતે ને વરી.. તમારું હિન્દી મને ની ખબર ઓય એમ બને કે?
ચિંટુ : એક મેલે ને હવડે તો રાત પડે એ પહેલાં તારા દેખાઇ જસે હારા રોંચા.. હા તો વડીલો, ભાઈઓ અને બહેનો..આજે અરજન મીટીંગ બોલાવવાનું કારણ કોરોનુ છ. મું તમને ઇમ પૂછું છું કે તમને માશ્ક પેરવામોં વોંધો હુ છ? ચેટલા બધા વગર માશ્કે જ હેંડ્યા આયા છ .. હવડે જો પોલીશદાદા આઈ જસે તો બધા ય ને જેસીકૃસ્નના જનમસ્થાને હાગમટે જાતરા કરવા લઈ જસે..
ઓ મારા ભગવાન.. આને તો ઉપદેશ આપતા સારું ફાવી ગયું છે હવે. શું કહો છો? વાત જો કે સાચી કરી છે. એ એક મિનિટ.. પોલીસવાનની સાયરન સંભળાઈ તમને? કે હમોને એવો વહેમ ગયો છે? ના ના, સાચે આવી જ છે.. પોલીસને જોયા પછી અહીં એક્કે ય માઈનો લાલ ટકે તો આપણે નામ બદલી નાંખવું. ચાલો.. ભાગંભાગ ચાલુ.. ફિલમના સીન જેવું સર્જાઈ ગયું આ તો..
પોલીસ ૧: એ ય મોટા.... કેમ આ ટોળું કર્યું છે ? કાયદો ખબર નથી ?
પિંટુ: તે મેં એમ પૂછું કે તમેઆવું પૂછીને અમારી પરીક્સા લેવ છો કે તમને હો ખબર નથી એટલે ખરેખર પૂછતા છે?
પોલીસ ૨ : એ ય ચરબીની ભરેલી.. આ એક જ લાકડી પડશે ને તો ભોંયભેગો થઈ જઈશ. ને એ ય..પણે કોણ સૂતું છે? કોઈ માંદું છે ? ડોક્ટરને બોલાવ્યા? શું કહે છે ?
ચિંટુ : ના ના.. કોય મોંદુ નહી. શંતમારાજ છ.. અમારા બાપજી ..બારગામથી આયા છ ..થોડા દિવશ રેશે ને પછી હેંડ્યા જશે. પેલું કે ‘છ ને કે શાધુ તો ચલતા ભલા.. બાપજી..ઓ બાપજી.. આ પોલીશભઈને જરા મોંઢુ દેખાડો તો..
બાપજી: કોન? પોલીસ?
પિંટુ: લે , આ તો કૂતરુ પછાડી પઇડું ઓય એમ ભાઈગા .. કાં ના કાં પોંહચી ગીયા જરાકમાં તો.. ભાગવાનું હુ કામ છે જે? ચિંટુભાઈ કંઈ ખબર છે કે તમને?
પોલીસ ૧ : એ ય ..મોટા, હાલો તમે બે ય પોલીસચોકી ..
પિંટુ: પણ અમે હુ કઇરું છે જે?
ચિંટુ : ચ્યમ ? મારે શમશ્યાનું શોલ્યુશન પોલીસચોકીએ જમા આલવાનું છ?
પોલીસ ૨: છાનામાના ગાડીમાં બેહો બેય જણ..
હેં? આ શું થયું? પોલીસ કેમ આ બે ને પકડી ગઈ? ને બાપજી ભાગ્યા કેમ? હમો જઈએ છીએ પોલીસવાનની સાથે.. તમે ય જમવાનું પરવારતા આવો.. પછી વાત.. ફૂરરર..ફૂરરરર..