હાથીગઢમાં કોરોનુ હજ્જુ સુધી તો આવ્યો નથી પણ બધાએ રસી તો લેવી જ જોઇએ : છગન બોલ્યો

હાથીગઢમાં કોરોનુ હજ્જુ સુધી તો આવ્યો નથી પણ બધાએ રસી તો લેવી જ જોઇએ : છગન બોલ્યો

03/27/2021 Magazine

શિલ્પા દેસાઈ
અક્કરમીનો પડિયો કાણો
શિલ્પા દેસાઈ
કોલમિસ્ટ, હાસ્યલેખિકા

હાથીગઢમાં કોરોનુ હજ્જુ સુધી તો આવ્યો નથી પણ બધાએ રસી તો લેવી જ જોઇએ : છગન બોલ્યો

ક્રાંઉ છો બધા? હમો તો ટનાટન છીએ. એ ય ને મોજ કરીએ છીએ હાથીગઢમાં.. કાચુંકોરું ખાઈએ છીએ ને વજન મેઇનટેઇન કરીએ છીએ. અઠવાડિયે એક દિવસ ચીટ-ડે રાખીએ. જે ખાવું હોય એ ખાવાનું એમાં. પીઝા,પેપ્સી, તળેલું,  તીખું બધું ય. કોઈવાર બે દિવસ પણ ચીટ-ડે થઈ જાય હોં. પણ પછી સાલી એવી ગિલ્ટ આવે ને.. એટલે પછી એક દિવસ નક્કોરડો ઉપવાસ ખેંચી કાઢીએ. નક્કોરડો એટલે સાવ કંઈ જ નહીં. પાણી જ પીવાનું. તમારી જેમ દર અર્ધા કલાકે ફરાર ને મોરો ફરાર, ફરારી લોટના પાતરા ને ઢોંસા ને એવું બધું ઝાપટીએ નહીં. આખો દિવસ ખાવામાં કાઢો ને પાછા એમ કહો કે અમારે આજે ઉપ્પાસ છે એટલે ખાસ ખાધું નથી તો સહેજ અશક્તિ લાગે છે. બાપરે.. આટલું બધું બકાસુરની જેમ ખાધા પછી ય એમ કહો કે ખાસ ખાધું નથી..પછી વજન ક્યાં જઈને અટકે? જાતે કોઈ કંટ્રોલ ન થાય એટલે ભરો તિજોરી રુજુતા દિવેકરોની..આ ખાવ ને પેલું બંધ કરો..ક્રેશ ડાયેટિંગ  ને કીટો કે લીટો ડાયેટિંગ કે એવું જ કંઈક નામ છે ને.. જે ખાવ એ મર્યાદામાં રહીને ખાવ તો આવું કશું ય કરવાનો વારો ન આવે. થાળીમાં જે પીરસાય એ ભૂખ કરતા થોડું ઓછું જ ખાવ તો કંઈ થાય નહીં. એ બધી મળતાની મસ્તી છે પણ ના, તમને તો કહેવાય નહીં ને.. તિસમારખાં તમે તો.... હુહહ.. જવા દો. માણસજાતને સમજાવવી અઘરી છે. એના કરતાં આપણે ચિંટુમહારાજ ને પિંટુમહારાજના કારસ્તાન જ જોઈએ. હમોએ પેલું શોલેવાળું કરી જોયું છે તે જાણશો. સળી ઉડાડી તો સીધી નીચે જઈને પડી. ડાબે ય ન ગઈ ને જમણે ય ન ગઈ. લો. બીજીવાર પણ ઉડાડી તો ય એવું જ થયું એટલે છેવટે હમો અહીં જ ટીંગાઈ રહ્યા છીએ. સોચના ક્યા જો ભી હોગા વો દેખા જાયેગા. ઓહો.. ગામમાંથી પબ્લિક આવતી દેખાય છે. હાશ.. સારુ થયું હમોએ અહીં રાહ જોઈ. નહીં તો અહીં કંઈક ખેલ પડી જાત ને હમો જોવાના રહી જતે.

છગન: ચિંટુ..એ..ય ચિંટુ..

પિંટુ: ચલ એ ય છગનિયા.. ચિંટુમારાજ કેતા હું જોર પડતું છે? બાપજી મારાજ હો અવે તો એમને ચિંટુમારાજ કેતા છે. એમનું જોયને તો કંઈ હીખ હારા ..

છગન: પિંટુડા એક અડબોથ પડસે ને હવડે તો રાત પડે એ પહેલાં જ તારામંડળ દેખાવા માંડસે.

પિંટુ: આને હાની આટલી બધી ચરબી છે તે જ હમજ નથી પડતી.. માદેવજી અને બાપજીની ડાયરેક કૃપાથી હવે ચિંટુમારાજ એકદમ જાનકાર થઈ ગયેલા છે. જોયેલું કે ની ગવરી ગાય કેવી હોધી કાઢેલી અહીં બેઠા બેઠા જ?

ચિંટુ: ભઈ પિંટુ, તું જરાક ટાઢો પડ જોય..આમ વાતેવાતે બોઇલર ફાટે તે શેજ્જે હારો નહીં લાગતો. જીવનમોં શમતા ના હોય તો જીવન ખાડે જ્યુ તારુ..બાપજીએ શીખડાયેલું ને આપડાને કે મગજ શોંત રાખવાનું. કોઈ ગુશ્શો કર ને હોમો તું ય ગુશ્શો કર તો તારામોં ન ઈનોમોં શું ફેર ર્યો કહે જોય?

પિંટુ: પણ એ છગનો જેમ ફાવે તેમ કેહ તે તો કોઈ કાળે ની ચલાવી લેવા મેં..

બાપજી: હરિ ૐ..પિંટુ..મેરે સેર.. દિમાગ ઠંડા રખને સે હર સમસ્યા કા હલ મિલતા હૈ. બતા, ક્યા સમસ્યા હૈ?

પિંટુ: યે છગન હી જાત્તે પોત્તે એક સમસ્યા હે એમ કેઉં. જાં જાય તાં હારો કંઈક મુસ્કેલી લેઈને જ જાય.

છગન: તું ચુપ રહેવાનું શું લેસે પિંટુડા? બાપજી, આને સમજાવી દેજો.

ચિંટુ: એના બદલે મું તારી માફી માંગુ, બશ? બોલ, શું કોમ છ?

છગન: હું શું કહું છું

પિંટુ: આઈવો તારનો હાંગડહુંગડ કઇરા કરે પણ કેહ ની તાં હુધી કેમની ખબર પડે?

ચિંટુ: પિંટુ બેટા.. ચૂપ રહે જોય..નહેં તો મું જ તને એક અડબોથ મારે હવે..બોલ છગન..

છગન : ચિંટુ.. આપણા હાથીગઢમાં કોરોનુ હજ્જુ સુધી તો આવ્યો નથી પણ બધાએ રસી તો લેવી જ જોઇએ. મેં મારા મોબાઈલમાં સમાચાર આવે છે એમાં કોણે કોણે રસી લેવી પડશે એ વાંચેલું. એ સૂચનાપત્ર મુજબ બધાએ તો નથી લેવાની પણ જેને લેવાની થાય છે એવા ગામવાળાઓ રસી લેવાની ના પાડે છે. હવે તું જ સમજાવ. હું તો થાક્યો સમજાવી સમજાવી ને.

બાપજી: ક્યા હૂવા?

છગન: બાપજી..સો રહે થે ક્યા? મેંને સોચા કે આંખ બંધ હે પર સુન તો રહે હોંગે. ગઈ ભેંસ પાની મેં..

પિંટુ: લે, તું ભેંસ લી આવેલો? મેં તો કંઈ ની જોયેલું તારી હાથે. એકલો જ આવેલો ને? ને એ ય સ્લોબુધ્ધિ..તલાવડી તો પેલી મેર છે તો તારી ભેંસ તે બાજુ જતી કોઈએ જોઈ ની? મને લાગતું છે કે જોઈ તો ઓહે જ પણ તું બધે હારો લાકડા લડાવતો જ ફરે એટલે તારી મદદ કોણ કરે? લડાકુ મરઘી કેથેની..

છગન: પિંટુઉઉઉ..

પિંટુ: ધીમે બોલ જીરીક.. હજુ મારા કાનપુરમાં હડતાલ નથી થઈ ગયલી છે. હંભરાતું છે. પડી કે હમજ? પણ આમ મારા કાનમાં ચિલ્લંચિલ્લી કરહે તો હો ટકા હડતાલ થઈ જહે આજે.

બાપજી: હરિ ૐ...ક્યા હુવા?

ચિંટુ: કોંય નહેં થ્યુ. શુ દર પોંચમી મિલિટે ક્યા હુવા ક્યા હુવા ના જાપ જપો છો? છગનો ને પિંટુ બાઝશે આજે ઇમ લાગ છ. છગન કી શમશ્યા ઓર ચિંતા શચ્ચી હૈ પર પિંટુ શમજતા નઈ હે ઓર ઢાંપલા હો રહા હે. જાગો અબ હેંડો.

 

બે યાર આ લોકો શું કરી રહ્યા છે. ને છગન ને પિંટુ એક દિવસ નક્કી ઝગડશે. લખી રાખો. ચિંટુ મારો બેટો જબરો મોટોભા થાય છે. ને બાપજી આજે ઉંઘ્યા જ કરે છે. ગામવાળા રસી લેવા તૈયાર નથી ને છગનલાલા એમ માને છે કે ચિંટુ ગામવાળાને સમજાવી શકશે. ચિંટુની નેતાગીરી એણે અંદરખાને સ્વીકારી લીધી લાગે છે. બાકી આમ ચિંટુની મદદ માગે એવો નમ્ર નથી. હમો એવું જોઈ રહ્યા છીએ કે ચિંટુની નેતાગીરી ભલે સ્વીકારી લીધી પણ પિંટુને છગનલાલ પોતાનાથી હોશિયાર માની જ નહીં શકે. એને ને પિંટુને બારમો ચંદ્રમા રહેશે જ.

બાપજી: હરિ ૐ.. ના ના ચિંટુમારાજ, મેં સબ સુન રહા હું. જરા માદેવજી મિલ ગયે થે તો ઉન સે સલાહ મશવરા કર રહા થા કે હાથીગઢ પર ઉનકી કિરપા હંમેસા કેસે બની રહે.

ચિંટુ: હા તો માદેવજી શે પૂછો ને કે ગામવાલો કો કેશે શમજાયે રશી લેને કે લિએ..

બાપજી: હરિ ૐ.. હાં બચ્ચા હમ ને બાત કી માદેવજી સે..ઓર ભોલેનાથને બોલા કે ચિંટુમારાજ હે તો તુમ કો ચિંતા કરને કી જરુરત નહીં હે. બસ ઇતના બતાયા ઓર ફિર ભોલેનાથ ગાયબ હો ગયે.

ચિંટુ: હાયહાય..એશા કહા ? શચ મેં? ઓ મેરે ભોલે..તુમને મુજે કેશી મુશીબત મેં મેક દિયા..

શું લાગે છે ? ચિંટુલાલ શું કરશે ? ગામવાળા રસી લેવા તૈયાર થશે? સેવમમરાનો ફાકો મારી આવું એક..જતા નહીં હોં..

ફૂરરર.. ફૂરરર..


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top