શાહબાજની ઇન્ટરનેશનલ બેઇજ્જતી; પાકિસ્તાની PMની હાજરીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને મોદીની કરી દીધી પ્રશંસા
ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ અડધા કલાકનું ભાષણ આપ્યું. વડાપ્રધાન મોદીની ગેરહાજરી છતા તેમણે ભારતને એક મહાન દેશ તરીકે પ્રશંસા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સારો મિત્ર ગણાવ્યા. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત એક મહાન દેશ છે અને તેમનો એક મિત્ર ત્યાં ઉચ્ચ પદ પર છે જેણે અદ્ભુત કામ કર્યું છે.
પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સીધી પાછળ ઉભા હતા, પરંતુ શાહબાઝ શરીફના હાવભાવ એવા હતા કે જાણે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન ન હોય, પરંતુ એક અમેરિકન કેબિનેટ મંત્રી અથવા કોંગ્રેસમેન હોય, જેનું એકમાત્ર કામ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખુશ કરવાનું હોય. તેમના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે ભારત અને પાકિસ્તાન ખૂબ સારા સંબંધો સાથે રહેશે. ટ્રમ્પ શાહબાઝ શરીફ તરફ વળ્યા અને શાહબાઝ શરીફે વારંવાર સંમતિમાં માથું હલાવ્યું, તેમની બોડી લેંગ્વેજ ટ્રમ્પ માટે ‘યસ મેન’ જેવી હતી.
ટ્રમ્પે તેમના ભાષણમાં પાકિસ્તાની ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને તેમનો પસંદગીનો ફિલ્ડ માર્શલ ગણાવ્યો અને શાહબાઝ શરીફને આસીમ મુનીરને ટ્રમ્પનો એવોર્ડ આપવા કહ્યું. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને બોલવાની તક આપી. સૌપ્રથમ શાહબાઝ શરીફે ટ્રમ્પને ફરીથી નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરતા કહ્યું કે, ‘હું ફરી એકવાર આ મહાન રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા માગુ છું કારણ કે તેઓ સૌથી સાચા અને અદ્ભુત ઉમેદવાર છે અને તેમણે ન માત્ર દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરી, પરંતુ લાખો લોકોના જીવ પણ બચાવ્યા છે.’
ટ્રમ્પને ખુશ કરવા માટે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અહી જ ન અટક્યા. તેમણે વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સલામ કરી અને કહ્યું કે, ‘આજે શર્મ અલ-શેખમાં ગાઝામાં શાંતિ સ્થાપિત કરવી એ મધ્ય પૂર્વમાં લાખો લોકોના જીવ બચાવવા સમાન છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હું તમારા અનોખા અને દૂરંદેશી નેતૃત્વ માટે તમને સલામ કરું છું.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp