‘પંડિતોએ બ્રિટિશ રાજમાં સંસ્કૃત વિદ્યાને...’, કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચમાં આવી મોટી વાત
કેમ્બ્રિજ યુનિવર્સિટીના નવા સંશોધનમાં સંસ્કૃતને લઈને મોટો ખુલાસો થયો છે. યુનિવર્સિટીના તારણો અનુસાર, બ્રિટિશ સામ્રાજ્યવાદી સમયગાળા દરમિયાન પણ જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન મજબૂત થઈ રહ્યું હતું, ત્યારે ગામડાઓ અને મઠોમાં રહેતા વિદ્વાન પંડિતોએ સંસ્કૃતની બૌદ્ધિક પરંપરા, સાહિત્ય અને કલાને જીવંત રાખી. સંશોધનનું નેતૃત્વ કરનારા ડૉ. જોનાથન ડ્યુક્વેટે સમજાવ્યું કે 17મી સદીથી બ્રિટિશ વસાહતી શાસન દરમિયાન સંસ્કૃત શિક્ષણને લુપ્ત થવાથી બચાવવામાં આ વિદ્વાનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સંશોધનમાં જાણવા મળ્યું કે દક્ષિણ ભારતના કાવેરી ડેલ્ટામાં વસેલી બ્રાહ્મણ વસાહતો (અગ્રહાર) અને મઠોમાં સેંકડો વિદ્વાનો કવિતા, નાટકો, દાર્શનિક, ધાર્મિક અને કાનૂની ગ્રંથો લખવાનું ચાલુ રાખ્યું. જ્યારે અંગ્રેજોએ ભારતની પરંપરાગત શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું ત્યારે પણ આ વિદ્વાનો પોતાની વિદ્યાને જીવંત રાખવામાં સફળ રહ્યા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના એશિયન અને મધ્ય પૂર્વીય અભ્યાસ ફેકલ્ટી અને સેલ્વિન કોલેજ સાથે સંકળાયેલા ડૉ. ડ્યુક્વેટે કહ્યું કે, ‘આમાંના ઘણા વિદ્વાનો પાસે સાહિત્યિક પ્રતિભા હતી જે ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આજે ભારતમાં મોટાભાગે તેને ભૂલી ચૂક્યા છે.’
ડૉ. ડ્યુક્વેટે કહ્યું કે, ‘કેટલાક લોકો આજે પણ તેમનો આદર કરે છે, પરંતુ તેમના કાર્યો અને ગ્રંથો લગભગ ગુમનામ બની ગયા છે. અમે એવી રચનાઓનો અભ્યાસ કરીશું જેનો ક્યારેય અનુવાદ કે પ્રકાશન થયું નથી. અમે એવા ગ્રંથો પણ શોધીશું, જેનો પશ્ચિમી વિદ્વાનોએ ક્યારેય અભ્યાસ કર્યો નથી. અમે આ ગ્રંથો ક્યારે અને ક્યાં લખાયા હતા તેની પણ તપાસ કરીશું. ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે બ્રિટિશ સંસ્થાનવાદે ધીમે-ધીમે સંસ્કૃત શિક્ષણનો નાશ કર્યો. 1799માં જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સંસ્કૃત શિક્ષણના મુખ્ય કેન્દ્ર, તંજાવુરના દરબાર પર કબજો કર્યો ત્યારે અંગ્રેજી શાળાઓનો પ્રસાર શરૂ થયો.
અગાઉ સંસ્કૃત માત્ર ઉચ્ચ વર્ગના બ્રાહ્મણો સુધી મર્યાદિત હતું જેઓ વેદ, ફિલસૂફી અને સાહિત્યનો અભ્યાસ કરવા માટે પરંપરાગત શાળાઓમાં જતા હતા, પરંતુ 1799 બાદ બ્રાહ્મણ પરિવારોએ તેમના બાળકોને પંડિત તરીકે તાલીમ આપવાને બદલે અંગ્રેજી શાળાઓમાં મોકલવાનું શરૂ કર્યું. ડ્યુક્વેટે જણાવ્યું કે, ‘આ પરિવર્તન ઝડપથી સંસ્કૃત શિક્ષણના લુપ્ત થવા તરફ દોરી ગયું હોત, પરંતુ ગ્રામીણ વસાહતો અને મઠોએ તેને સાચવ્યું. આ વસાહતોના દૂરના સ્થળો અને પંડિતોને મળેલા કાયમી જમીન અનુદાનથી તેમના શિક્ષણને જાળવવામાં મદદ મળી.’ સંસ્કૃત માત્ર શાહી દરબાર અને મોટા શહેરો સુધી મર્યાદિત હતું તે ખ્યાલ ખોટો સાબિત થયો છે.
સંશોધન દર્શાવે છે કે સંસ્કૃત શિક્ષણ ગામડાઓમાં વિકસ્યું હતું અને તમિલ શિક્ષણ સાથે સુમેળમાં હતું. ડૉ. ડ્યુક્વેટની ટીમ 1650 થી 1800ના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને કાવેરી ડેલ્ટામાં ઓછામાં ઓછી 20 એવી વસાહતોની શોધ કરી રહી છે જે બૌદ્ધિક રીતે મહત્ત્વપૂર્ણ હતી. આ પ્રોજેક્ટ એવા સમયે શરૂ થયો છે જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એશિયન અને મધ્ય પૂર્વીય અભ્યાસ ફેકલ્ટી સંસ્કૃત અને પૂર્વ-આધુનિક ભારત-પર્શિયન વિશ્વ પર સંશોધન અને શિક્ષણ માટે ભંડોળ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
કેમ્બ્રિજમાં 1867થી સંસ્કૃત અભ્યાસની ગૌરવપૂર્ણ પરંપરા છે, અને યુનિવર્સિટી લાઇબ્રેરીમાં સંસ્કૃત હસ્તપ્રતોનો વિશ્વ-પ્રસિદ્ધ સંગ્રહ છે. ડૉ. ડ્યુક્વેટના નેતૃત્વ હેઠળ ‘બિયોન્ડ ધ કોર્ટ’ નામના આ પ્રોજેક્ટને UKની આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ રિસર્ચ કાઉન્સિલ (AHRC) તરફથી ભંડોળ મળી રહ્યું છે. આ સંશોધન સંસ્કૃત વિદ્વતાના ગુમ થયેલા નાયકોને વિશ્વના ધ્યાન પર લાવશે એટલું જ નહીં પરંતુ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ ઉજાગર કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp