મંત્રીમંડળ વિસ્તરણ બાદ ચર્ચાય રહેલા કેબિનેટ અને રાજ્ય મંત્રીમાં શું છે તફાવત? કોના હાથમાં હોય છે સત્તાનો 'પાવર'? જાણો વિગતે
ગુજરાતમાં લાંબી અટકળો બાદ શુક્રવારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ત્યારે કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રીના પદની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. જે મુજબ 1 નાયબ મુખ્યમંત્રી, 8 કેબિનેટ મંત્રી, 3 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 13 રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ થયા છે. જો કે, આ કેબિનેટ અને રાજ્યમંત્રીના પદો વચ્ચે સત્તા, જવાબદારી અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ મોટો તફાવત રહેલો છે. સરકારની નીતિ-નિર્ધારણ પ્રક્રિયામાં કેબિનેટ મંત્રીનું પદ સર્વોચ્ચ ગણાય છે.
કેબિનેટ મંત્રીઓ મંત્રીમંડળની સૌથી ઊંચી કક્ષાના સભ્યો ગણાય છે. જેમને સંરક્ષણ, નાણાં, ગૃહ, વિદેશ જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવે છે. આ કેબિનેટ મંત્રીઓ સરકારના કોર ગ્રૂપ કે જ્યાં નીતિઓ ઘડાય છે તેનો ભાગ હોય છે. તેઓએ નિયમિતપણે કેબિનેટની બેઠકોમાં હાજરી આપવી પાડે છે. અને સરકારના તમામ મોટા નિર્ણયો અને નીતિઓ ઘડવામાં તેમની સીધી ભૂમિકા હોય છે. આ સાથે તેઓ પોતાના મંત્રાલયની કામગીરી અને નીતિઓ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે.
જ્યારે રાજ્યમંત્રીઓનું પદ કેબિનેટ મંત્રીના પદ કરતાં નીચું હોય છે. અને તેમની ભૂમિકા મુખ્યત્વે બે પ્રકારના કામોમાં વહેંચાયેલી હોય છે. પહેલા સ્વતંત્ર પ્રભારી તરીકે રાજ્ય મંત્રીઓ કોઈ નાના અથવા ઓછા મહત્ત્વના મંત્રાલયના સંપૂર્ણ પ્રભારી ગણાય છે. અને તેમના મંત્રાલય પર કોઈ કેબિનેટ મંત્રી હોતા નથી. તેથી તેઓ પોતાના વિભાગના સંદર્ભમાં સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. પરંતુ કેબિનેટની બેઠકમાં આમંત્રણ સિવાય નિયમિતપણે હાજરી આપતા નથી. જ્યારે બાકીના રાજ્યમંત્રી કોઈ ચોક્કસ કેબિનેટ મંત્રી સાથે જોડાયેલા હોય છે અને તેમના મંત્રાલયના ચોક્કસ કાર્યો અથવા વિભાગોમાં કેબિનેટ મંત્રીને મદદ કરે છે. તેમની સત્તા અને જવાબદારીઓ કેબિનેટ મંત્રી દ્વારા સોંપાયેલા કાર્યો પૂરતી મર્યાદિત હોય છે.
કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી વચ્ચે મુખ્ય તફાવત નિર્ણય લેવાની સત્તાનો હોય છે. કેબિનેટ મંત્રીઓ નીતિ ઘડનારી 'વર્તુળ'ના સભ્ય હોય છે. અને દેશ કે રાજ્ય માટેના દરેક મોટા નિર્ણય પર તેમની સીધી સહી હોય છે, જ્યારે રાજ્ય મંત્રીઓ મુખ્યત્વે નીતિઓના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની નિર્ણય લેવામાં કોઈ દખલગીરી કે સત્તા હોતી નથી. ટૂંકમાં કેબિનેટ મંત્રી પાસે નિર્ણય લેવાનો પાવર હોય છે જે રાજ્યમંત્રી પાસે નથી હોતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp