કેશુભાઈ પટેલની સરકાર બાદ પ્રથમ વખત પૂર્ણ કદનું મંત્રીમંડળ, પક્ષના વિરોધના વંટોળને શાંત કરવાની કુટનીતિ! જાણો
ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઘણાં સમયથી ચાલી રહેલી અટકળો આજે શાંત થવાની છે. જે ગુજરાતની રાજનીતિમાં એક મોટો અને અણધાર્યો વળાંક લાવશે. ગુજરાતની રાજનીતિમાં કેશુભાઈ પટેલની સરકાર બાદ પ્રથમ વખત પૂર્ણ કદનું મંત્રીમંડળ બનશે. ભુપેન્દ્ર પટેલની સરકારનું નવું મંત્રીમંડળ પૂર્ણકક્ષાનું હશે. જેમાં દરેક ઝોન અને જિલ્લાઓને સાચવવામાં આવશે. આજે સવારે 11:30 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે અને મંત્રીમંડળમાં અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રી સામેલ હતા. જેમાં 8 કેબિનેટ કક્ષાના અને 8 રાજ્ય મંત્રી હતા. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. તેથી શક્યતાઓ છે કે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 27 મંત્રી હોઈ શકે છે. શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ મુખ્યમંત્રીની ખુરશી સિવાય 27 ખુરશીઓમાં પદનામિત મંત્રીને બેસવાની વ્યવસ્થા કરાઈ છે. જે ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે, તેમને ફોનના માધ્યમથી માહિતી આપી દેવાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના અનુસાર, સૂત્રોના અનુસાર, અગાઉ 75 ટકા મંત્રીઓની બાદબાકી થવાની શક્યતાઓ હતી. પરંતુ હવે અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના છે. જૂનાને રિપીટ કરીને નવા સાથે સમાવવા આવે તો મંત્રીમંડળનું કદ વધે તેવી શક્યતા છે. 10 જેટલા નવા મંત્રીઓને સ્થાન મળે તેવી શક્યતાઓ છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની પસંદગી થવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ઉપરાંત કોંગ્રેસથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
માહિતી મુજબ, જૂના મંત્રીઓએ કાર્યાલય ખાલી સરકારી કાર પરત જમા કરાવી દીધી છે. જ્યારે નવા મંત્રીઓ માટે કેબિનોમાં સાફસફાઈ અને રંગરોગાન કરી દેવાયા છે. આ સિવાય નવા મંત્રીઓ માટે PA અને PSની નિમણૂકો પણ કરી દેવાઈ છે. આ પગલું ગુજરાતમાં આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp