૪૮ કલાકના સંસદીય સત્રએ કોંગ્રેસ પાર્ટી માટે ઊભી કરી દુવિધા, રાહુલ ગાંધીના વલણે નિરાશ કરતા આ ચહેરાએ બતાવી આશા! જાણો
દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી જે છેલ્લા કેટલાય સમયથી સતત પરાજયનો સામનો કરી રહી છે. ત્યારે હવે સંસદના ચાલુ સત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમોએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિવિધિઓ અને નેતૃત્વના સંતુલન પર નવા પ્રશ્નો ઊભા કર્યા છે. સંસદની પરંપરા મુજબ વડાપ્રધાનના સંબોધનનો જવાબ વિપક્ષના નેતાએ આપવાનો હોય છે. પરંતુ 'વંદે માતરમ્' પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી આ જવાબદારી તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાણે માથે આવી હતી.
અહીં ખાસ વાત એ છે કે, પ્રિયંકા ગાંધીએ PM મોદીના સંબોધનના દિવસે જ સંસદમાં ભાષણ આપ્યું હતું. અને 'વંદે માતરમ' પરની ખાસ ચર્ચામાં સરકારના આરોપોનો શાનદાર જવાબ આપ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે મીડિયામાં PM મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની તસવીરો અને ચર્ચા છવાઈ ગઈ હતી. પ્રિયંકાએ સ્મિત સાથે સત્તા પક્ષ પર ધારદાર કટાક્ષો કર્યા હતા, જેની ભાજપના કેટલાક સભ્યોએ પણ પ્રશંસા કરી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીની ડૂબતી નૈયા પર પ્રિયંકા ગાંધીનું ધારદાર વક્તવ્ય કોંગ્રેસ અને INDIA ગઠબંધન માટે આશાનું કિરણ બન્યું છે.
તેવામાં જ બીજા દિવસે રાહુલ ગાંધીને ચૂંટણી સુધારણાનો મુદ્દો સંસદમાં ઉઠાવવાનો હતો ત્યારે એવું લાગતું હતું કે, તેઓ આ મુદ્દે જોરદાર ટક્કર આપશે. પરંતુ તેમના ભાષણમાં કોઈ આક્રમક ઊર્જા જોવા મળી ન હતી. એ ઉપરાંત રાહુલ થોડા સમય માટે ગૃહમાં આવ્યા અને ભાષણ સમાપ્ત થતાં જ ચાલ્યા ગયા હતા. જેના કારણે કોંગ્રેસ સાંસદોને તેમનું આ વલણ ખૂંચી રહ્યું છે. કારણ કે તેમની પાસે આ મુદ્દે આકરાં વલણની અપેક્ષા હતી. આ ઉપરાંત રાહુલના આ ભાષણનો જડબાતોડ જવાબ ગૃહમંત્રીએ આપ્યો હતો. શાહે અત્યંત કડક રીતે, વિગતવાર રાહુલ ગાંધીના તર્કોને ઘેરી લીધા હતા.
એક તરફ કોંગ્રેસ પ્રિયંકાના ભાષણથી ઉત્સાહમાં છે આ સાથે બીજી તરફ પાર્ટીને ચિંતા છે કે, શું પ્રિયંકા પાર્ટીના નેતૃત્વને આગળ વધારવાની જવાબદારી લેશે? રાહુલ ગાંધીની ગેરહાજરી અને તેમના દમવગરના ભાષણે પાર્ટીમાં તેમના નેતૃત્વ પર સવાલો ઊભા કર્યા છે. સંસદીય સત્રના આ 48 કલાકની અંદર કોંગ્રેસ નેતૃત્વની તસવીર બદલાઈ રહી છે. જેમાં પ્રિયંકા ગાંધીનો મુકાબલો વડાપ્રધાન સાથે જોવા મળ્યો હતો, જ્યારે રાહુલનો મુકાબલો ગૃહમંત્રી સાથે જોવા મળ્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp