પાકિસ્તાનની અવળચંડાઈ પર ભારતનો જવાબ! અફઘાનિસ્તાનના સમર્થનમાં યુએનમાં પાકિસ્તાન પર આકરાં પ્રહાર! જાણો મામલો
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહેલીવાર ખુલ્લેઆમ અફઘાનિસ્તાનના સમર્થનમાં વાત કરતા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા થયેલા હવાઈ હુમલાઓમાં નિર્દોષ મહિલાઓ, બાળકો અને ક્રિકેટરોના મોતની સખત નિંદા કરી છે. તેમણે યુએનમાં કહ્યું કે, આવા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે અને તે સંઘર્ષ કરી રહેલા દેશને વધુ નુકસાન પહોંચાડે છે.
પાકિસ્તાન હંમેશાથી કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉકેલવા માટે આતુર હતું. અને હવે તે અરુણાચલ પ્રદેશના મામલે ચીનને સત્તાવાર સમર્થન આપીને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. જેના જવાબમાં, ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં અફઘાનિસ્તાનની ચર્ચા દરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. પાકિસ્તાન ફરી એકવાર ભારતના આંતરિક મામલાઓમાં દખલ દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ રીતે પાકિસ્તાન પોતે જ ભારતને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંબંધિત મામલાઓમાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે. જેના કારણે ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તાજેતરમાં નિવેદન બહાર પાડીને ચીનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને લગતા મામલાઓમાં સતત સમર્થન આપવાની ઘોષણા કરી હતી. ત્યારે ભારતે પણ 'વેપાર અને ટ્રાન્ઝિટ ટેરરિઝમ'નો મુદ્દો ઉઠાવ્યો, જેનો સ્પષ્ટ ઈશારો પાકિસ્તાન તરફ હતો. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે લેન્ડલોક્ડ દેશની જીવનરેખાને બંધ કરવી એ WTOના નિયમોની વિરુદ્ધ છે અને તે યુદ્ધ જેવું કૃત્ય ગણાય.
આ ઉપરાંત, ભારતે અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને મજબૂત સમર્થન આપવાની વાત પણ કરી. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજૂથ થઈને ISIL, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને તેમના સહયોગીઓ જેવા આતંકવાદી સંગઠનોને સરહદ પાર આતંક ફેલાવતા રોકવા માટે સાથે મળીને કામ કરવા જણાવ્યું છે. અગાઉ ભારતે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના મુદ્દા પર ક્યારેય આટલા સત્તાવાર લેખિત કે મૌખિક નિવેદનો આપ્યા નથી. પાકિસ્તાનના સત્તાવાર નિવેદને ભારતને ડ્યુરંડ રેખા અને માનવ અધિકારોના હનનના મુદ્દે અફઘાનિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાનો અધિકાર આપ્યો છે. આના પરિણામે, ભારત હવે બલૂચિસ્તાનને લઈને પણ પોતાનું વલણ અપનાવી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp