સુરતમાં હેડકોન્સ્ટેબલે દુકાનદારને માર માર્યો, અમદાવાદના પાલડીમાં પોલીસકર્મીએ ગુસ્સામાં હદ વટાવી

સુરતમાં હેડકોન્સ્ટેબલે દુકાનદારને માર માર્યો, અમદાવાદના પાલડીમાં પોલીસકર્મીએ ગુસ્સામાં હદ વટાવી, મહિલાને જાહેરમાં...

12/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં હેડકોન્સ્ટેબલે દુકાનદારને માર માર્યો, અમદાવાદના પાલડીમાં પોલીસકર્મીએ ગુસ્સામાં હદ વટાવી

પ્રજા પોલીસ પાસે સુરક્ષાની આશા રાખે છે, તે જ પોલીસ હવે પ્રજા સામે દાદાગીરી પર ઉતરી આવી હોય તેવા 2 શરમજનક કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક અમદાવાદનાં પાલડીનો છે, જ્યારે અન્ય એક કિસ્સો સુરતથી પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વારંવાર પોલીસને જનતા સાથે સૌમ્ય અને મર્યાદિત વર્તન કરવાની સૂચના આપવામાં આવે છે. ખાસ કરીને તેમને બે દિવસ અગાઉ જ અમદાવાદના એક કાર્યક્રમમાં પ્રજા સાથે પોલીસના વર્તનની પ્રશંસા કરી હતી, ત્યારે આ પ્રકારે કાયદાના રક્ષક મટીને ભક્ષક બનવાની ઘટનાઓ સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ચાલો આ બંને જગ્યાએ બનેલી ઘટના અંગે માહિતી મેળવીએ.


પાલડીમાં પોલીસકર્મીએ મહિલાને જાહેરમાં લાફો ઝિંક્યો

પાલડીમાં  પોલીસકર્મીએ મહિલાને જાહેરમાં લાફો ઝિંક્યો

પ્રાપ્ત માહિતી અનુસાર પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામનો પોલીસકર્મી ફરજ બજાવતો હતો. આ દરમિયાન એક મહિલાના ID કાર્ડની આપ-લે કરતી વખતે ID કાર્ડ નીચે પડી ગયું હતું. આ સામાન્ય બાબતે પોલીસકર્મીને ગુસ્સો આવી ગયો અને ખાખી વર્દીનો પાવર બતાવવા લાગ્યો. તેણે મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાની જગ્યાએ તેના પર હાથ ઉઠાવી દીધો હતો.

ચોંકાવનારી વાત તો એ છે કે, જ્યારે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા અન્યાય બદલ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારે ત્યાં તેની ફરિયાદ પણ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મી દ્વારા મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના સામે આવ્યા બાદથી ચારેકોરથી પોલીસ કર્મચારીની આકરી ટીકા કરવામાં આવી રહી છે. તો આ મામલે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું. આ મામલે વિવાદ વધતાં ગૃહ મંત્રાલય સુધી પહોંચતાં કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.


સુરતમાં હેડ કોન્સ્ટેબલે દુકાનદારને માર માર્યો

સુરતમાં હેડ કોન્સ્ટેબલે દુકાનદારને માર માર્યો

સુરતના કિસ્સામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરહરદાન ગઢવી નામના હેડ કોન્સ્ટેબલે એક દુકાનદારને બેફામ માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. વીડિયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેને પગલે હવે પોલીસ બેડામાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે ACP વિજય મલ્હોત્રાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ કયા સંજોગોમાં બન્યો અને તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. CCTV ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસ આગળ ધપાવવામાં આવશે અને જો તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે, તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.

15 ડિસેમ્બરે સુરત શહેરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી હતી. શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બે લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે અમાનવીય વર્તન કર્યું હતું. તેના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top