બાંગ્લાદેશમાં હિંસાના દોર વચ્ચે હિંદુ યુવકની નિર્મમ હત્યા! હત્યા બાદ ટોળાએ આચરી આ બર્બરતા! જાણો
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાનો દોર શરૂ થઈ ગયો છે. બાંગ્લાદેશમાં 'ઇન્કલાબ મંચ'ના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. સિંગાપોરમાં સારવાર દરમિયાન હાદીના નિધન બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. મૈમનસિંગ શહેરમાં 25 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ નિર્મમ હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પ્રિયંકા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી. માહિતી મુજબ, આ મામલે તાબડતોબ એક્શન લેવાતા સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
માહિતી મુજબ, 18 ડિસેમ્બરની રાત્રે મૈમનસિંગ શહેરમાં એક ફેક્ટરીની બહાર ભીડે દીપુ ચંદ્ર દાસ પર ઈશનિંદાનો આરોપ લગાવી તેને ઢોર માર માર્યો હતો. હિંસક ટોળાએ એટલેથી જ ન અટકતા, યુવકને ઝાડ સાથે લટકાવીને સળગાવી દીધો હતો. ત્યારબાદ તેના મૃતદેહને હાઈવે પર ફેંકી દેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની સરકારે શનિવારે જણાવ્યું કે, રેપિડ એક્શન બટાલિયને મૈમન સિંહના બાલુકામાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા મામલે શંકાસ્પદોને પકડી પાડ્યા છે. આ મામલે સાત શંકાસ્પદ પકડાયા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ લિમોન સરકાર (19), મોહમ્મદ તારિક હુસેન (19), મોહમ્મદ માનિક મિયા (20), ઈરશાદ અલી (39), નિજામુદ્દીન(20), આલમગીર હુસેન (38) અને મોહમ્મદ મિરાજ હુસેન (46) તરીકે થઇ હતી.
આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, 'બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની બર્બર હત્યાના સમાચાર અત્યંત ચિંતાજનક છે. ભારત સરકારે પડોશી દેશમાં હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ લઘુમતીઓ વિરુદ્ધ વધતી હિંસાની ગંભીર નોંધ લેવી જોઈએ અને બાંગ્લાદેશ સરકાર સમક્ષ તેમની સુરક્ષાનો મુદ્દો મજબૂતીથી ઉઠાવવો જોઈએ.'
આ જઘન્ય અપરાધ બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે 19 ડિસેમ્બર, 2025ના રોજ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. સરકારે આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, 'નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. આ ગુનામાં સામેલ કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં. દરેક નાગરિક હિંસા અને નફરતને નકારી શાંતિ જાળવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે.' એક વર્ષ બાદ બાંગ્લાદેશમાં ફરીથી લઘુમતી સમુદાયોને નિશાન બનાવવામાં આવતા ત્યાં રહેતા હિન્દુ પરિવારોમાં ભારે ડરનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બાંગ્લાદેશમાં માનવ અધિકારો અને લઘુમતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp