આજે ઋષિ કપૂરની વર્ષગાંઠ : પહેલા જ પ્રયત્ને ઋષિએ બાળ કલાકાર રૂપે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.

આજે ઋષિ કપૂરની વર્ષગાંઠ : પહેલા જ પ્રયત્ને ઋષિએ બાળ કલાકાર રૂપે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.

09/04/2020 Glamour

નરેશ કાપડિયા
આજ કે સિતારે
નરેશ કાપડિયા
નાટ્યકાર, ફિલ્મ ક્રિટીક

આજે ઋષિ કપૂરની વર્ષગાંઠ : પહેલા જ પ્રયત્ને ઋષિએ બાળ કલાકાર રૂપે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.

ઋષિ કપૂર જીવતા હોત તો આજે ૬૮મો જન્મદિન ઉજવતે. કપૂર પરિવારના રાજકુમાર સમા ઋષિ કપૂરનો જન્મ ૪ સપ્ટેમ્બર, ૧૯૫૨ના રોજ થયો હતો. પંજાબી પરિવારમાં માતા કૃષ્ણા કપૂર અને પિતા રાજ કપૂરને ત્યાં મુંબઈના ચેમ્બુરમાં ઋષિનો જન્મ થયો હતો. હિન્દી ફિલ્મોના પીઢ કલાકાર – અભિનેતા, નિર્માતા, નિર્દેશક ઋષિ કપૂરને આપણે ચારેક મહિના પહેલાં ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ કાયમી ગુમાવી દીધા છે.


કિશોરાવસ્થામાં પિતા રાજ કપૂરના કિશોર અવતાર રૂપે ‘મેરા નામ જોકર’ (૧૯૭૦) ફિલ્મમાં અભિનય કરીને પહેલા જ પ્રયત્ને ઋષિએ બાળ કલાકાર રૂપે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. હીરો રૂપે તેમની પહેલી ફિલ્મ ‘બોબી’ (૧૯૭૩)આવી અને તેમને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારથી શરૂ થયેલી તેમની અભિનય યાત્રા તેમને ‘ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ (૨૦૦૮) મળ્યો ત્યાં સુધી લંબાઈ. ત્યાર પછી પણ આગળ વધી.

૧૯૭૩થી ૨૦૦૦ સુધીના સમયગાળામાં ઋષીએ ૯૨ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરી છે, જેમાંથી ૪૧ ફિલ્મો મલ્ટી સ્ટાર ફિલ્મો હતી. તેઓ સોલો હીરો તરીકે જેમાં દેખાયા તેવી ૫૧ ફિલ્મોમાંથી માત્ર ૧૧ જ ફિલ્મો સફળ થઇ હતી. ‘દો દુની ચાર’ના તેમના અભિનય માટે ઋષિને૨૦૧૧માં ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મળ્યો હતો. તો‘કપૂર એન્ડ સન્સ’ની તેમની ભૂમિકા માટે ઋષિને ૨૦૧૭માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૧૯૭૩થી ૧૯૮૧ દરમિયાનતેમની સાથી કલાકાર રૂપે ભાવિ પત્ની નીતુ સિંઘ સાથે તેમણે બાર ફિલ્મો કરી હતી.


તેઓ રાજ કપૂરના રણધીર પછીના બીજા દીકરા, રાજીવ તેમનાથી નાના ભાઈ. ત્રણે ભાઈઓ સાથે મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં અને અજમેરની માયો કોલેજમાં ભણ્યાં. પિતાજીની સાથે અભિનય દ્વારા ફિલ્મોમાં આવ્યા અને સફળ થયા. ઋષિ કપૂરને સોલો હીરો રૂપે જે ફિલ્મોમાં સફળતા મળી તેમાં ‘બોબી’, ‘લૈલા મજનું’, ‘રફૂચક્કર’, ‘સરગમ’, ‘કર્ઝ’, ‘પ્રેમરોગ’, ‘નગીના’, ‘હનીમૂન’, ‘ચાંદની’, ‘હીના’ અને‘બોલ રાધા બોલ’ને યાદ કરી શકાય. તેની સામે તેમણે જે ૪૧ મલ્ટી હીરો ફિલ્મોમાં અભિનય કર્યો હતો તેમાંથી ૨૫ ફિલ્મો સફળ થઇ હતી. તેમાંય માત્ર ૧૩ ફિલ્મો એવી હતી જેમાં બે હીરો હોય અને ઋષિ કપૂરની મહત્વની ભૂમિકા હોય. એવી ફિલ્મોમાં ‘ખેલ ખેલ મેં’, ‘કભી કભી’, ‘હમ કિસીસે કમ નહીં’, ‘બદલતે રિશ્તે’, ‘આપ કે દીવાને’ અને‘સાગર’ યાદ કરી શકાય. ૧૯૮૯પછી‘અજુબા’, ‘ચાંદની’, ‘દીવાના’ (૧૯૯૨), ‘દામિની – લાઈટનિંગ’ (૧૯૯૩), ‘ગુરુદેવ’ (૧૯૯૪), ‘ડર’ (૧૯૯૬) અને‘કારોબાર’ (૨૦૦૦) આવી. એવું જોવા મળ્યું કે ઋષિ કપૂરે સિત્તેરના દાયકાના અંતે, તથા એંશી અને નેવુંના દાયકામાં સતત એવી ફિલ્મોમાં ભૂમિકા કરી જેમાં તેમના સાથી કલાકારો તેમના પર છવાઈ ગયાં. આ વાતનોએવી ફિલ્મો પરથી ખ્યાલ આવશે, જેમાં‘નસીબ’, ‘કાતીલો કે કાતિલ’, ‘કુલી’, ‘દુનિયા’, ‘સિતમગર’, ‘ઝમાના’, ‘ઘર પરિવાર’ કે‘અમર અકબર એન્થની’ યાદ કરી શકાય.

૧૯૯૯માં ઋષિએ‘આ અબ લૌટ ચલે’નું નિર્દેશન કર્યું, જેમાં રાજેશ ખન્ના, ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકાઓમાં હતાં.રોમાન્ટિક હીરો રૂપે તેઓછેલ્લીવાર ‘કારોબાર: ધ બીઝનેસ ઓફ લવ’ (૨૦૦૦)માં દેખાયા.


ઋષીએ પિતા રાજ કપૂરના નિર્દેશનમાં ‘હીના’માં અભિનય કર્યો, જે અંતે મોટા ભાઈ રણધીર કપૂરના નિર્દેશનમાં પૂરી થઇ હતી. તો ત્રણે ભાઈઓએ રણધીર, ઋષિ અને રાજીવ દ્વારા નિર્મિત અને નાના ભાઈ રાજીવ કપૂર દ્વારા નિર્દેશિત ‘પ્રેમ ગ્રંથ’માં પણ અભિનય કર્યો હતો.

૨૧મી સદી આવી અને ઋષિ કપૂર સહાયક ભૂમિકાઓ તરફ સરકી ગયા. ‘યે હૈ જલવા’, ‘હમ તુમ’, ‘ફના’, ‘નમસ્તે લંડન’, ‘લવ આજ કલ’ કે‘પતિયાલા હાઉસ’ આવી ફિલ્મો હતી. પછી બ્રિટીશ ફિલ્મો ‘ડોન્ટ સ્ટોપ ડ્રીમીંગ’ (૨૦૦૭) અને‘સામ્બાર સાલસા’ (૨૦૦૮)માં તેમણે કામ કર્યું. વર્ષો પછી તેઓ નીતુ સિંઘ સાથે ‘દો દૂની ચાર’ (૨૦૧૦)માં ફરી દેખાયા.

‘ચિન્ટુ જી’ નામની ફિલ્મમાં ઋષિ કપૂરે પોતાનું જ પાત્ર ભજવ્યું. ૨૦૧૨માં તેઓ નકારાત્મક ભૂમિકામાં ‘અગ્નિપથ’માં આવ્યા તો મલ્ટી સ્ટાર ‘હાઉસફૂલ ૨’માં દેખાયા, જેમાં તેઓ ભાઈ રણધીર કપૂર સાથે પચ્ચીસેક વર્ષ પહેલાંની‘ખજાના’ પછી ફરી દેખાયા. યશ ચોપરાની ‘જબ તક હૈ જાન’માં તેમણે પત્ની નીતુ સાથે કેમિયો ભૂમિકા કરી.‘બેશરમ’ (૨૦૧૩)માં ઋષિ, પત્ની નીતુ સિંઘ અને દીકરો રણબીર સાથે હતાં.


તેમની ઉમેશ શુક્લ નિર્દેશિત ‘૧૦૨ નોટ આઉટ’ આવી, જે સૌમ્ય જોશીના એજ નામના ગુજરાતી નાટક પર આધારિત હતી. આ ફિલ્મમાં ઋષિ ૨૭ વર્ષો બાદ અમિતાભ બચ્ચન સાથે ફરી દેખાયા હતા. ૨૦૧૯માં તેમની ‘જુઠા કહીં કા’ આવી અને જીથું જોસેફ નિર્દેશિત ‘ધ બોડી’ આવી, જેમાં તેઓ ઈમરાન હાસમી સાથે હતા, એ તેમની છેલ્લી ફિલ્મ બની રહી. 

 

ઋષિ કપૂરની યાદગાર ફિલ્મો તરીકે આપણે મેરા નામ જોકર, બોબી, ઝહરીલા ઇન્સાન, રફુચકકર, ખેલ ખેલ મેં, લૈલા મજનું, કભી કભી, હમ કિસીસે કમ નહીં, દુસરા આદમી, અમર અકબર એન્થોની, સરગમ, કર્ઝ, નસીબ, પ્રેમરોગ, સાગર, નગીના, એક ચાદર મૈલી સી, ચાંદની, હીના, દામિની, કારોબાર, યે હૈ જલવા, ફના, નમસ્તે લંડન, દિલ્હી ૬, લવ આજ કલ, પતિયાલા હાઉસ, અગ્નિપથ, હાઉસફુલ ૨ ને યાદ કરી શકીએ. ૨૦૦૦ના વર્ષ પછી ઋષિ કપૂર સહાયક ભૂમિકામાં દેખાયા.


પડદા પર પંદર વાર પોતાની નાયિકા બનેલા નીતુ સિંઘ સાથે ઋષિ કપૂરે ૨૨ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ લગ્ન કર્યા હતાં. તેમનેબે સંતાનો છે; અભિનેતા રણબીર કપૂર (૧૯૮૨) અને ડીઝાઈનર રિદ્ધિમા કપૂર સાહાની (૧૯૮૦). કરિશ્મા અને કરીનાના તેઓ કાકા થાય.

પોતાનું જીવન ચરિત્ર તેમણે મીના ઐય્યર સાથે મળીને લખ્યું, જેનું શીર્ષક છે: ‘ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેન્સર્ડ’. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ હાર્પર કોલીન્સ દ્વારા તેનું પ્રકાશન થયુંહતું. સોસીયલ મીડિયા પર તેમની અનેક કોમેન્ટસ દ્વારા ઋષિ કપૂર વિવાદમાં ઘેરાઈ જતા.


૨૦૧૮માં ઋષિ કપૂરને લ્યુકેમિયા રોગ થયો તેઓ ન્યુયોર્કમાં સારવાર લેવા ગયા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૯એ તેઓ સારા થઈને ઘરે પરત થયા હતા. ૨૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ તેમને શ્વાસની તકલીફ થતાં સર એચ. એહ. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ લ્યુકેમિયાને કારણે તેમનું નિધન થયું. મુંબઈના ચંદનવાડી સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ થઈ અને તેમની અસ્થિને બાણગંગામાં પધરાવાઈ હતી.

ત્યારે માત્ર ૨૪ કલાકમાં ‘ડી-ડે’ના બે સિતારા ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું નિધન થતાં ચાહકોને જબરો આઘાત લાગ્યો હતો.

ઋષિ કપૂરના ટોપ ટેન ગીતો: તીતર કે દો આગે તીતર (મેરા નામ જોકર), મૈ શાયર તો નહીં (બોબી), દર્દ એ દિલ (કર્ઝ), તેરે ચેહરે સે (કભી કભી), ઓ હંસની (ઝહરીલા ઇન્સાન), પાયલિયા (દીવાના),ચેહરા હૈ યા ફૂલ ખીલા (સાગર), દિલ દેને કી ઋતુ (પ્રેમ ગ્રંથ), ખુલ્લમ ખુલ્લા પ્યાર (ખેલ ખેલ મેં), પરદા હૈ પરદા, શિરડીવાલે સાઈ બાબા (અમર અકબર એન્થની).


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top