‘ભારતના એલ્વીસ પ્રિસ્લી’ તરીકે પ્રખ્યાત આ સુપરસ્ટારની આજે મૃત્યુતિથી છે

‘ભારતના એલ્વીસ પ્રિસ્લી’ તરીકે પ્રખ્યાત આ સુપરસ્ટારની આજે મૃત્યુતિથી છે : આ કલાકારે બોલીવુડના હીરોને નાચતા-ગાતા કરી દીધા

08/14/2020 Glamour

નરેશ કાપડિયા
આજ કે સિતારે
નરેશ કાપડિયા
નાટ્યકાર, ફિલ્મ ક્રિટીક

‘ભારતના એલ્વીસ પ્રિસ્લી’ તરીકે પ્રખ્યાત આ સુપરસ્ટારની આજે મૃત્યુતિથી છે

શમશેર રાજ કપૂર નામે જન્મેલા નાચતા કૂદતા અભિનેતા શમ્મી કપૂર નવ વર્ષ પહેલાં ૧૪ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ આ જગતને છોડી ગયા હતા. પચ્ચીસેક વર્ષ શમ્મી કપૂરે ધૂમ મચાવી હતી. જયારે પણ દેશના સૌથી મનોરંજક અભિનેતાને યાદ કરાશે ત્યારે શમ્મીને યાદ કરાશે. ધૂમ મચાવતા ગીત-સંગીતવાળી એક આખી મનોરંજક ફિલ્મ શ્રેણી શમ્મી કપૂરે આપી હતી.

‘જીવન જ્યોતિ’ (૧૯૫૩) એ એમની પહેલી ફિલ્મ. ત્યાર બાદ અઢાર નિષ્ફળ ફિલ્મો આપી ત્યાં સુધી ખુદ એમને પણ ખબર નહોતી કે નિયતિએ તેમને મનોરંજન કરવા મોકલ્યા છે. એકવાર ‘તુમસા નહીં દેખા’ આવ્યું, ત્યારે તેમને ખબર પડી કે તેમણે એવી ફિલ્મો કરવી જોઈએ. પછી તો હીટ ફિલ્મોની લંગાર આવી. ‘તુમસા નહીં દેખા’, ‘દિલ દે કે દેખો’, ‘સિંગાપોર’, ‘જંગલી’, ‘કોલેજ ગર્લ’, ‘પ્રોફેસર’, ‘ચાઈના ટાઉન’, ‘કાશ્મીર કી કલી’, ‘તીસરી મંઝીલ’, ‘એન ઇવનિંગ ઇન પેરીસ’, ‘બ્રહ્મચારી’ ‘અંદાઝ’ કે ‘સચ્ચાઈ’ સુધી તેઓ ચાલતા જ રહ્યા.


૨૧ ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ મુંબઈમાં મહાન પૃથ્વીરાજ અને રામશારણી કપૂરના પરિવારમાં રાજ કપૂર બાદ શમ્મી કપૂર બીજા દીકરા રૂપે જન્મ્યા હતા. શશી કપૂર તેમના નાના ભાઈ. શમ્મીનું બાળપણ પેશાવરમાં અને કોલકાતામાં વીત્યું. તેમના શિક્ષણની શરૂઆત કોલકાતામાં થઇ, પછી મુંબઈ આવી વડાલાની સેન્ટ જોસેફ કોન્વેન્ટ અને પછી ડોન બોસ્કો સ્કૂલમાં ભણ્યા અને હ્યુજીસ રોડની ન્યુ એરા સ્કૂલમાં તેઓ મેટ્રીક થયા. રામનારાયણ રુઈયા કોલેજમાં થોડો સમય ભણીને શમ્મી પિતાજીની પૃથ્વી થિયેટર કંપનીમાં દાખલ થઇ ગયા.

પિતાજી ન્યુ થિયેટર અને નાટક સાથે ચારેક વર્ષ જોડાયેલા હતા. દીકરાઓ માટે વારસો તૈયાર હતો. ૧૯૪૮માં શમ્મી ફિલ્મોમાં જુનિયર આર્ટીસ્ટ તરીકે દાખલ થયા ત્યારે તેમને માસિક રૂ. ૫૦નો પગાર મળતો હતો. ૧૯૫૨માં પૃથ્વી થિયેટરમાંથી તેમને રૂ. ૩૦૦નો માસિક પગાર મળતો હતો. પોતાના શ્રીલંકા પ્રવાસમાં શમ્મી ઇજિપ્શિયન અભિનેત્રી અને કેરોના બેલી ડાન્સર નાદિયા ગમાલના પ્રેમમાં પડ્યા હતા પણ એ સફરની સાથે એ સંબંધ પણ પૂરો થઇ ગયો હતો.


મહેશ કૌલ નિર્દેશિત ‘જીવન મૃત્યુ’ (૧૯૫૩)માં શમ્મી કપૂર પહેલી વાર નાયક બન્યા જયારે ચાંદ ઉસ્માની તેમના નાયિકા હતાં.શરૂઆતની દોઢ ડઝન ફિલ્મો નિષ્ફળ ગઈ પણ તેઓ અભિનયના વ્યવસાયમાં ટકી રહ્યા.પછી નસીર હુસૈનની ‘તુમસા નહીં દેખા’ (૧૯૫૭)અને ‘દિલ દે કે દેખો’થી શમ્મીની દિલફેંક સ્ટાઈલીશ પ્લેબોય યુવાનની ઈમેજ બની તો ‘જંગલી’થી તેમની ‘યાહૂ’ ઈમેજ બની.

શમ્મી કપૂરની સફળતામાં સંગીતકાર શંકર જયકિશન અને ગાયક મોહંમદ રફીનો મોટો ફાળો. તેમની જોડી આશા પારેખ, સાયરા બાનૂ, શર્મિલા ટાગોર, રાજેશ્રી સાથે જામી. તેમની સાથે ‘કાશ્મીર કી કલી’થી શર્મિલા અને ‘જંગલી’થી સાયરા બાનુએ અભિનય યાત્રાની શરૂઆત કરી હતી. તેમને ‘બ્રહ્મચારી’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. તેમની અદાઓ, ગીતો, કોરિયોગ્રાફી વગેરેને કારણે તેઓ ભારતના એલ્વીસ પ્રિસ્લી તરીકે ઓળખાયા.


દક્ષિણ ભારતની અભિનેત્રીઓ સાથે પણ તેમની જોડી જામી. બી. સરોજા દેવી (પ્યાર કિયા તો ડરના ક્યા), પદ્મિની (સિંગાપોર), વૈજયંતીમાલા (કોલેજ ગર્લ અને પ્રિન્સ) સાથે તેઓ જામ્યા. તો સાધના સાથે ‘બદતમીઝ’ અને ‘સચ્ચાઈ’, નૂતન સાથે ‘લાટ સાહેબ’ અને બબીતા સાથે ‘તુમસે અચ્છા કૌન હૈ’ સફળ રહી.

સિત્તેરના દાયકામાં તેમનું શરીર પાપા પૃથ્વીરાજ જેવું થઇ ગયું. તેઓ રોમાન્ટિક હીરો ન રહ્યાં. છેલ્લી એવી ફિલ્મ ‘અંદાઝ’ હતી,જેમાં તેઓ અને રાજેશ ખન્ના સાથે હતા. પછી તેઓ ચરિત્ર અભિનેતા બન્યાં અને ‘ઝમીર’, ‘હીરો’, ‘વિધાતા’, ‘હુકુમત’, ‘બટવારા’, ‘તહલકા’, ‘ચમત્કાર’ કે ‘પ્રેમ ગ્રંથ’માં ચમક્યા,તેમાંય ‘વિધાતા’ (૧૯૮૨) માટે શમ્મી કપૂરને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમણે ‘મનોરંજન’ અને ‘બંડલ બાઝ’ જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું.


‘રંગીન રાતેં’ (૧૯૫૫)ના શૂટિંગમાં નાયિકા ગીતા બાલી સાથે પ્રેમ કર્યો અને મંદિરમાં લગ્ન કર્યા. આદિત્ય અને કંચન તેમના સંતાન. ૧૯૬૫માં ગીતા બાલી શીતળાના રોગમાં મૃત્યુ પામ્યાં. તો ૧૪ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈમાં કીડનીની નિષ્ફળતાથી શમ્મી કપૂરનું નિધન થયું ત્યારે મનોરંજનનો એક આખો યુગ પૂરો થયો હતો.


શમ્મી કપૂરના ટોપ ટેન ગીતો :

શમ્મી કપૂરના ટોપ ટેન ગીતો :

યું તો હમને લાખ હસીં દેખે હૈ, એહસાન તેરા હોગા, ઝૂમતા મોસમ મસ્ત મહિના, અય ગુલબદન, ઇસ રંગ બદલતી દુનિયા મેં, યે ચાંદ સા રોશન ચેહરા, ઓ હસીના જુલ્ફો વાલી, રાત કે હમસફર, દિલ કે ઝરોખોં મેં, તુમ મુઝે યું ભુલા ના પાઓગે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top