'હી-મેન' ધર્મેન્દ્ર થયા પંચતત્વમાં વિલીન! આવી હતી એમની કારકિર્દીની યાદગાર સફર, મેળવી ચુક્યા છે આ એવોર્ડ્સ! જાણો
બોલીવુડ જગતના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થયા. તેઓ તેમના ચાહકોમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જોકે, 10 નવેમ્બરે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમની ઘરેથી સારવાર ચાલુ હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં ભારતીય સિનેજગતના એક યુગનો અંત ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ધર્મેન્દ્ર એક આઈકોનિક અને અદભૂત હીરો હતા, જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્રએ 65 વર્ષના ફિલ્મી કરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1960માં 'દિલ ભી તેરા હમ ભી તેરે' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકપ્રિયતા મળી હતી. શોલે અને યમલા પગલા દિવાના જેવી ફિલ્મો તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી છે. ત્યારે હવે તેઓ તેમની આખરી અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે.
ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 1961ની ફિલ્મ "બોય ફ્રેન્ડ"માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેમણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973) અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2023માં આવેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાણીમાં તેમના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે આ ફિલ્મમાં શબાના આઝમીને ચુંબન કર્યું હતું, જેની ઘણી ચર્ચા થઈ હતી.
બોલીવુડમાં તેમની પ્રતિબદ્ધતા અને અવિસ્મરણીય અભિનય માટે 1997માં ધર્મેન્દ્રને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તેમના લાંબા કારકિર્દી દરમ્યાન આપેલા અદભૂત યોગદાનનું સન્માન છે. જ્યારે 2012માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા જાહેર સેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ આપવામાં આવતો દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તે પહેલાં 1990માં ધર્મેન્દ્રને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. જે તેમના કલાત્મક ગુણ અને અભિનયની ઉત્તમતાનું પ્રતિક માનવામાં આવે છે. અત્યાર સુધીના તેમના યોગદાન અને સમાજ પરના પ્રભાવને ધ્યાનમાં લેતાં, 2017માં તેમને બાબાસાહેબ આંબેડકર નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp