પંડિત જસરાજ : ભારતીય શાસ્ત્રીય સંગીતના ઉજ્જવળ સિતારા

પંડિત જસરાજ : ભારતીય શાસ્ત્રીય સંગીતના ઉજ્જવળ સિતારા

08/19/2020 Glamour

નરેશ કાપડિયા
આજ કે સિતારે
નરેશ કાપડિયા
નાટ્યકાર, ફિલ્મ ક્રિટીક

પંડિત જસરાજ : ભારતીય શાસ્ત્રીય સંગીતના ઉજ્જવળ સિતારા

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાણાના મહાન ગાયક પંડિત જસરાજ નથી રહ્યા. ૯૦  વર્ષની વયે ૧૭ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ અમેરિકાના ન્યુજર્સીમાં હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. ૮૦ વર્ષ સુધી ફેલાયેલી તેમની સંગીતની કારકિર્દીને પરિણામે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા, સન્માન અને સંખ્યાબંધ સન્માનો મળ્યાં છે. તેઓ તેમની પાછળ મૂકી ગયા છે અનેક યાદગાર પ્રસ્તુતિ, જેમાં શાસ્ત્રીય,ઉપશાસ્ત્રીય, ભક્તિ સંગીત, હવેલી સંગીત કે મેવાતીઘરાણામાંઅનેકરૂપ નાવીન્ય લાવીને તેને લોકપ્રિય બનાવવાની તેમની કુનેહ. પંડિત જસરાજે અનેક શિખાઉ અને વ્યવસાયિક શિષ્યોને ભારત, યુરોપ, કેનેડા અને અમેરિકામાં સંગીત શિક્ષા આપી છે. તેમના શિષ્યોની લાંબી યાદીમાં કલા રામનાથ જેવાં વાયોલીનવાદક અને સંજીવ અભ્યંકર જેવાં મહાન ગાયકોનો સમાવેશ થાય છે.

૨૮ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ હરિયાણાના હિસ્સાર જીલ્લાના મંડોરી ગામે તેમનો જન્મ થયો હતો. તેમના પિતાજી પંડિત મોતીરામનું એ મધ્યમવર્ગનું એક બ્રાહ્મણ પરિવાર હતું. જસરાજ ચાર વર્ષના હતા ત્યારે પિતાજીનું નિધન થયું હતું. મીર ઓસ્માન અલી ખાનના દરબારમાં રાજ્યના સંગીતકાર રૂપે તેમની નિમણૂક થવાની હતી તેજ દિવસે પંડિત મોતીરામનું નિધન થયું હતું. જસરાજના મોટા ભાઈ પંડિત પ્રતાપ નારાયણ પણ સિદ્ધહસ્ત સંગીતકાર હતા અને તેમના બે હોનહાર દીકરાઓને આપણે જતીન-લલિત રૂપે અને દીકરીઓને આપણે ગાયિકા-અભિનેત્રી સુલક્ષણા પંડિત અને અભિનેત્રી વિજેતા પંડિત રૂપે ઓળખીએ છીએ. જસરાજના સૌથી મોટા ભાઈ પણ પંડિત મણીરામ  રૂપે મોટા ગવૈયા હતા.


જસરાજે તેમની યુવાની હૈદરાબાદમાં વિતાવી હતી, જે દરમિયાન ગુજરાતના સાણંદમાં મેવાતી ઘરાણાના સંગીતકારો પાસે તેઓ સંગીત શીખવા આવતા હતા. ત્યારે સાણંદના ઠાકુર સાહેબ જયવંતસિંઘ વાઘેલાના દરબારમાં જસરાજ સંગીત પ્રસ્તુતિ પણ કરતાં અને શાસ્ત્રીય સંગીતમાં ઊંડો રસ ધરાવતા ઠાકુરને સંગીત શીખવતા પણ હતા. ૧૯૪૬માં જસરાજ કોલકાતા ગયા જ્યાં તેમણે રેડિયો માટે શાસ્ત્રીય ગાન શરુ કર્યું હતું.


૧૯૬૨માં ફિલ્મ નિર્દેશક વી. શાંતારામના દીકરી મધુરા શાંતારામ સાથે જસરાજે લગ્ન કર્યાં, તેઓ પહેલીવાર ૧૯૬૦માં મુંબઈમાં મળ્યાં હતાં. શરૂઆતમાં કોલકાતા રહી તેઓ ૧૯૬૩થી મુંબઈ આવી ગયાં હતાં. તેમને બે સંતાનો હતો, દીકરો શારંગદેવ પંડિત અને દીકરી દુર્ગા જસરાજ. મધુરાજી એ ૨૦૦૯માં ‘સંગીત માર્તંડ પંડિત જસરાજ’ નામે ફિલ્મ બનાવી છે. ૨૦૧૦માં તેમણે પોતાની પહેલી મરાઠી ફિલ્મ ‘આઈ તુઝા આશીર્વાદ’નું નિર્દેશન કર્યું, જેમાં પતિદેવ પંડિત જસરાજ અને લતા મંગેશકરેમરાઠીમાં ગાયું હતું.

જસરાજે શાસ્ત્રીય ગાયનની તાલીમનો આરંભ પિતાજી સાથે અને પછી કાકા પંડિત પ્રતાપ નારાયણના હાથ નીચે તબલા પર સંગત કરવા માટે તેઓ તાલીમબદ્ધ થયા હતા. ભાઈ મણિરામના શાસ્ત્રીય ગાનમાં પણ તેઓ તબલા પર સંગત કરતા. પંડિત જસરાજ યાદ કરતા કે ગાયિકા બેગમ અખ્તરે તેમને શાસ્ત્રીય ગાયક બનવાની પ્રેરણા આપી હતી.


જસરાજે તે સમયે સાજિંદાઓ સાથે થતા વ્યવહારને કારણે તબલાવાદન છોડીને શાસ્ત્રીય ગાયક બનવાની ૧૪ વર્ષની ઉમરેતાલીમ લેવી શરુ કરી હતી. ૧૯૫૨માં ૨૨ વર્ષની ઉમરે જસરાજે પહેલી વાર નેપાળના રાજા ત્રિભુવન બીર બિક્રમશાહના દરબારમાં ગાયન પ્રસ્તુતિ કરી હતી. મંચ પર ગાયન શરુ કરતા પહેલાં જસરાજ વર્ષો સુધી રેડિયો પર પરફોર્મિંગ આર્ટીસ્ટ રૂપે પ્રવૃત્ત હતા.

તેમણે શાસ્ત્રીય ગાયક રૂપે આરંભે પંડિત મણીરામ અને પછી બીકાનેરના જયવંતસિંહ વાઘેલા અને મેવાતી ઘરાણાના ગુલામ કાદીર ખાન પાસે તાલીમ લીધી હતી. તે ઉપરાંત તેમણે આગ્રા ઘરાણાના સ્વામી વલ્લભદાસદામુલજી પાસે પણ તાલીમ લીધી હતી.


જસરાજ મેવાતી ઘરાણાના હતા, જે પારંપરિક ખ્યાલ શૈલી માટે જાણીતું હતું. તે છતાં જસરાજે ખ્યાલ સાથે ઠુમરી જેવું થોડી હળવી શૈલીનું પણ ગાયું. શરૂઆતમાં તેમની ઘરાણા શૈલી ઉપરાંતનું ગાવા માટે ટીકા પણ થતી. સંગીત  નિષ્ણાત એસ. કાલિદાસ નોંધે છે કે પોતાના ઘરાણાના તત્વો ઉપરાંત અન્ય ઘરાણાની શૈલીમાં ગાવાનું હવે સામાન્ય અને સ્વીકૃત બની ગયું છે.

જસરાજજીએ અલગ પ્રકારની જુગલબંધી સર્જી જે જસરંગી કહેવાઈ, જે પુરાણી મૂર્છાના પદ્ધતિ જેવી હતી. અહીં એવા ગાયક અને ગાયિકા વચ્ચે જુગલબંધી થાય છે, જેઓ બંને એક સાથે જુદા રાગ આલાપે છે. જસરાજ અનેક અજાણ્યા રાગો જેવાંકે અબીરી તોડી કે પટદીપકીની પ્રસ્તુતિ માટે પણ જાણીતા છે.


શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ ઉપરાંત જસરાજે લોકપ્રિય ઉપશાસ્ત્રીય ગાયન શૈલીઓ પર કામ કર્યું, જેમાં મંદિરોમાં ગવાતું હવેલી સંગીત મુખ્ય હતું. તેમણે શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીયશૈલીમાં ફિલ્મના ગીતો પણ ગાયા. જેમકે, શાંતારામની ‘લડકી સહ્યાદ્રી કી’માં સંગીતકાર વસંત દેસાઈની રાગ આહીર ભૈરવ આધારિત રચના ‘વંદના કરો’ યાદગાર છે. ૧૯૭૫ની ‘બીરબલ માય બ્રધર’માં તેમણે ગાયક ભીમસેન જોશી સાથે એક યુગલ ગીત ગાયું હતું. તો નિર્દેશક વિક્રમ ભટ્ટની ૨૦૦૮ની હોરર ફિલ્મ ’૧૯૨૦’ માટે પંડિત જસરાજે ‘વાદા તુમસે હૈ વાદા’ જેવું હળવું ગીત પણ ગાયું હતું. તેમના પિતા-કાકાની સ્મૃતિમાં જસરાજે હૈદરાબાદમાં ૧૯૭૨થી વર્ષીત સંગીત સમારોહ ‘પંડિત મોતીરામ– પંડિત મણિરામ સંગીત સમારોહ’ શરુ કર્યો હતો.

૨૦૧૭ની ૨૮ જાન્યુઆરીએ નવરસ નિર્માણ ગૃહે પંડિત જસરાજના ૮૭ વર્ષની ઉમરે અને સંગીત ક્ષેત્રના ૮૦ વર્ષની ઉજવણી રૂપે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ‘પંડિત જસરાજ સાથે એક સાંજ’ની ઉજવણી કરી હતી, જે સમારોહની શીર્ષક હતું, ‘માય જર્ની’. ત્યારે શ્રોતાઓએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

પંડિત જસરાજે વિશાળ પાયે શાસ્ત્રીય ગાયન શીખવ્યું છે. તેમના અનેક શિષ્યો આજે પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકારો છે, જેમાં સપ્તર્ષિ ચક્રવર્તી,સંજીવઅભ્યંકર,વાયોલિન વાદક કાલા રામનાથ,શેહનાઈવાદક લોકેશ આનંદ, તૃપ્તિ મુખરજી, સુમન ઘોષ, બાંસુરીવાદક શશાંક સુબ્રમણ્યમ, અનુરાધા પૌડવાલ, સાધના સરગમ અને રમેશ નારાયણ જેવાં સિતારા સામેલ છે. તેમણે અનેક સ્થળોએ શાસ્ત્રીય સંગીતની સ્કૂલ શરુ કરી, જેમાં એટલાન્ટા, તામ્પા, વાનકુવર, ટોરોન્ટો, ન્યુયોર્ક, ન્યુજર્સી, પિટ્સબર્ગ, મુંબઈ અને કેરળનો સમાવેશ થાય છે. ૯૦ વર્ષની વયે પણ પંડિતજી સ્કાય્પ દ્વારા તેમના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સંગીત શીખવતા હતા.


પંડિત જસરાજને ખુબ સન્માન મળ્યાં છે. જેમાં પદ્મશ્રી (૧૯૭૫), સંગીત નાટક અકાદમી એવોર્ડ (૧૯૮૭), પદ્મભૂષણ (૧૯૯૦), પદ્મવિભૂષણ (૨૦૦૦), સ્વાથીસંગીથપુરસ્કારમ (૨૦૦૮), સંગીત નાટક અકાદમી ફેલોશીપ (૨૦૧૦), પુ. લ. દેશપાંડેલાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ (૨૦૧૨), ભીમસેન જોશી ક્લાસિકલ મ્યુઝિક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ (૨૦૧૩), સુમિત્રાચરત રામ એવોર્ડ, મારવાડ સંગીત રત્ન એવોર્ડ, ગંગુબાઇ હંગલ એવોર્ડ, સંગીત કલા રત્ન, માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર મુખ્ય છે. ૨૦૦૬માં અવકાશયાત્રીઓ માઉન્ટ લેમોન સર્વેઈંગ દ્વારા શોધાયેલા ધૂમકેતુને  ‘૩૦૦૧૨૮ પંડિત જસરાજ’ નામ આપીને તેમનું સન્માન કરાયું હતું.  

૧૭ ઓગસ્ટ, ૨૦૨૦ની સવારે ૫.૧૫ કલાકે ન્યુજર્સીના તેમના નિવાસસ્થાને હૃદય રોગના હુમલામાં ૯૦ વર્ષિય પંડિત જસરાજે છેલ્લાં શ્વાસ લીધાં. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ તેમના નિધનને શાસ્ત્રીય સંગીત જગતની મોટી ખોટ ગણાવી શ્રદ્ધાંજલિ આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top