ગુજરાતમાં પતિ'દેવો' બન્યા 'દાનવો', પારિવારિક ઝઘડાઓ ગંભીર ગુનાઓને વધારી રહ્યા છે, કારણો જાણી ચોંકી જશો
ગુજરાતમાં પારિવારિક કલેશમાં હત્યાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં આવી ત્રણ ગંભીર ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથ, અમદાવાદ અને કચ્છના ભુજમાં બનેલી આ ઘટનાઓમાં પતિ દ્વારા પત્નીની ક્રૂરતા પૂર્વક હત્યાઓ કરવામાં આવી છે. જેણે રાજ્યના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પારિવારિક સંબંધોની ગંભીરતા પર સવાલ ઉઠાવ્યા છે. જો કે પોલીસ દ્વારા આ સમગ્ર કેસોમાં કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે.
ગીર સોમનાથના વેરાવળ જિલ્લાના ડારી ગામે આવી જ હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં મૃતક પત્ની છેલ્લા 3 વર્ષથી રિસામણે પોતાના પિતાના ઘરે રહેતી હતી. આ દરમિયાન નારાજ પતિએ રિસામણે આવેલ પત્ની પર છરી વડે હુમલો કરી 7 જેટલા ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી આ ગાલની કાર્યવાહીઓ હાથ ધરી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી પણ એક ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સિંગરવા નજીક પ્રાર્થના ફ્લોરેન્સની સાઇટ પર પતિ દ્વારા પત્નીની નિર્મમતા પૂર્વક હત્યા કરવામાં આવી. માહિતી મુજબ, આરોપી પતિએ પાવડો અને ઇંટ જેવા હથિયારો વડે પત્ની પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે કચ્છના ભુજમાં દાદુપીર રોડ પાસે પણ હત્યાની ત્રીજી ગંભીર ઘટના સામે આવી હતી. માહિતી મુજબ, અહીં પતિએ તેની પત્નીની ધારીયાના ઘા મારીને હત્યા કરી નાખી હતી. અને હત્યા બાદ આરોપી પતિ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. કાર્યવાહી કરતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આમ, ગુજરાતમાં એક જ દિવસમાં પત્નીઓની હત્યાના ત્રણ ગંભીર બનાવો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં પારિવારિક ઝઘડાઓ અને માનસિક અસંતુલન ગંભીર ગુનાઓને વધારી રહ્યા છે. આ ત્રણેય કેસમાં પોલીસે ઝડપી તપાસ કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp