અમદાવાદમાં સુભાષ બ્રિજ સિવાય આ બ્રિજોમાં પણ ક્ષતિઓ દેખાઈ
તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો હોય, પરંતુ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે. જુલાઈ,2025માં બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ અને અન્ય એજન્સી દ્વારા અમદાવાદ શહેરના 69 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. બ્રિજ કન્સલ્ટન્ટના ઇન્સ્પેક્શન રિપોર્ટમાં શહેરના કેટલાક બ્રિજમાં ખામી હોવાનું અને તેમાં રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદમાં એક પછી એક બ્રિજમાં ક્ષતિઓ સામે આવી રહી છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. સુભાષ બ્રિજ, સરદાર બ્રિજ, ગુરુજી બ્રિજ અને હવે ગાંધી બ્રિજમાં પણ અનેક જગ્યાએ પોપડા ઉખડ્યા છે અને સળિયા દેખાવા લાગ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ બ્રિજોની તપાસ અને સમારકામની યોજનાઓ જાહેર કરી છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે.
સુભાષ બ્રિજ, જે 52 વર્ષ જૂનો છે, તેમાં તાજેતરમાં ક્ષતિઓ મળી આવી છે. 4 ડિસેમ્બરથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. AMCના અધિકારીઓએ જણાવ્યું કે, 2023થી 3 વખત વિઝ્યુઅલ તપાસમાં કોઈ ક્ષતિ નહોતી મળી, પરંતુ હવે તેમાં ક્રેક્સ અને ભાગો ડૂબી જવાની સમસ્યા સામે આવી છે. બ્રિજને 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ છે, જેના કારણે વાડજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વધી છે. લોકોને વિકલ્પ તરીકે દધીચી બ્રિજ અને ડફનાલા અંડરપાસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ જુલાઈ મહિનામાં જે રિપોર્ટ આપ્યો હતો તે રિપોર્ટ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેર કરાયો નથી. જેથી બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ પણ આ ઇન્સ્પેક્શન રિપોર્ટ છુપાવ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. તો સામે પક્ષે ભાજપના સત્તાધીશોએ પણ બ્રિજના ચોમાસા પહેલાના રિપોર્ટ માગ્યા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp