દમણમાં કરુણાંતિકા, હિંગળાજ તળાવમાં નહાવા પડેલા 7 કિશોરોમાંથી 3 ડૂબ્યા
સંઘપ્રદેશ દમણના આંટીયાવાડ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હિંગળાજ તળાવમાં 7 બાળકો નાહવા પડ્યા હતા. તેમાંથી 4 બાળકો ડૂબ્યા હતા. ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી. બાળકોને ડૂબતા જોઈ એક યુવકે તળાવમાં કૂદી 1 બાળકને બચાવી લીધો હતો.
મળતી માહિતી મુજબ, દમણના આંટીયાવાડ વિસ્તારમાં ગુરૂવારે (11 ડિસેમ્બર) 7 બાળકો હિંગળાજ તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 ડૂબવા લાગ્યા. નહાવા પડેલા 7 કિશોરોમાંથી 3 બાળકોએ બહાર આવીને મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકોને ડૂબતા જોઈ એક યુવકે તળાવમાં કૂદીને એક બાળકને સફળતાપૂર્વક બચાવી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કડકડતી ઠંડીમાં પણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખી હતી. કલાકોની સઘન શોધખોળ બાદ આખરે ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ દુર્ઘટનાને પગલે દમણના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
બાળકને બચાવનાર યુવકે જણાવ્યું હતું કે, ‘હું મારા ઘરે હતો ત્યારે અચાનક બૂમો સંભળાતા હું તરત જ તળાવ તરફ દોડ્યો હતો અને કંઇ પણ વિચાર્યાં વિના તળાવમાં કૂદી ગયો હતો અને બાળકને જીવ બચાવ્યો હતો. જો કે બાળકે પાણી પી લીધું હોવાથી બેભાન થઇ ગયો હતો. જેને પ્રાથમિક સારવાર આપતાં પાણી નીકળી ગયું હતું અને બાળકનો જીવ બચી ગયો હતો. જો એક પણ ક્ષણનો વિલંબ કર્યો હોત તો આ બાળકનું જિંદગી ન બચાવી શકાત. 3 માસૂમ બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp