ગુજરાતમાં વરસાદી તાંડવ! મેંદરડામાં આભ ફાટ્યું! ક્યાં કેટલો વરસાદ થયો? કયા ડેમ ઓવર ફ્લો થયા? જાણ

ગુજરાતમાં વરસાદી તાંડવ! મેંદરડામાં આભ ફાટ્યું! ક્યાં કેટલો વરસાદ થયો? કયા ડેમ ઓવર ફ્લો થયા? જાણો.

08/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં વરસાદી તાંડવ! મેંદરડામાં આભ ફાટ્યું! ક્યાં કેટલો વરસાદ થયો? કયા ડેમ ઓવર ફ્લો થયા? જાણ

ગુજરાતમાં વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હતું. મેંદરડા તાલુકામાં એકસાથે 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. 10 ઈંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ ગઇ હતી. મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.

કેશોદમાં 2 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો તો વંથલીમાં 2 કલાકમાં 2.87 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દાત્રાણા-બગડું જતો રસ્તો બંધ કરાયો હતો. 35થી 40 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા હતા. વરસાદને પગલે ઓઝત નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભાટીયા નજીક કોઝવે પર પાણી ફરી વળતા જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરાયો હતો. જેના કારણે ભાટીયા, નવાગામ, બોડકા સહિતના ગામોમાં પાણી ભરાયા હતાં.


માંગરોળના દરિયામાં ભારે કરંટ

માંગરોળના દરિયામાં ભારે કરંટ

જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. માંગરોળથી કેશોદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. સવારના 6 થી 8 વચ્ચે અઢી ઇંચ અને 8 થી 10 વચ્ચે દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદી તબાહીથી  સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે.    

ઉપરાંત ગીર સોમનાથના વેરાવળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે સોમનાથ-વેરાવળ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


દરિયામાં ભારે તોફાનની સ્થિતિને કારણે 3 બોટ ડૂબી

હાલ અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનો માહોલ છે. તેવામાં દરિયામાં પણ ભારે તોફાનની સ્થિતિ છે. જેના કારણે અત્યાર સુધી 3 બોટ ડૂબી ચૂકી છે. ગઇ કાલે જાફરાબાદની દેવકી બોટ 10 ખલાસી સાથે આવતી હતી. ત્યારે ડૂબી અન્ય બોટ દ્વારા 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું. જોકે હજી 3 લાપતા છે. આમ અત્યાર સુધી 3 બોટ ડૂબી જવાની ઘટના બની છે. હાલ, જાફરાબાદ બંદરથી મધદરિયામાં ભારે તોફાનથી સ્થિતિ ગંભીર છે. જેથી રેસ્ક્યુ પણ મુશ્કેલ બન્યું છે.


જોકે, છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદે અમરેલી જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. અમરેલીના રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે. નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જેના પગલે ખાખબાઇ, વડ, છતડિયા, હિંડોરણા, રામપરા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત લોઠપુર, કોવાયા અને ઉછેયા સહિતના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top