ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી ૭ દિવસોમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિના નવ દિવસનો લાંબો ઉત્સવ પણ મનાવાશે. અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં ઓક્ટોબર સુધી મોનસૂન સક્રિય રહેશે.
અંબાલાલ પટેલે ગણેશ ઉત્સવની આસપાસ વરસાદની આગાહી કરી છે. સાથે ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25થી 28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે.
રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસશે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે. બનાસકાંઠામાં ત્રણથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. પંચમહાલ અને મહિસાગરમાં આઠ ઈંચ સુધીનો વરસાદ વરસશે.
27 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.