ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, તો ક્યાંક તડકો પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હજી પણ વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 19 તારીખથી એટલે આજથી વરસાદનું જોર વધશે. મોનસૂન ટ્રફ રાઈન અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત ઉપર મોનસૂન ટ્રફ લાઇન પસાર થતી હોવાથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 19, 20 અને 21 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 20 અને 21 દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 21 ઑગસ્ટ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ વરસાદ પૂરી રીતે વિરામ નહીં લે એટલે કે ગુજરાતમાં ઝાપટામાં મઘ્યમ વરસાદ વરસતો રહેશે. 24 ઓગસ્ટથી ફરી એક વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે. 24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
નવસારી, ડાંગ, તાપી, વલસાડ, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર,વડોદરા, આણંદ, આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ સહિતના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ગુજરાતમાં આગામી 7 સુધી અવિરત વરસાદી માહોલ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, 20 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને અરબી સમુદ્રના લૉ પ્રેશર અને બંગાળના ઉપસાગરનાં વરાળના પ્રવાહને કારણે 20 અને 21 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને અમરેલી, ઉના, મહુવા, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદની ભારે સંભાવના છે. પોરબંદર અને દ્વારકાના કેટલાક વિસ્તારો, તેમજ જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આ સાથે જ અબંલાલ પટેલે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતના વિસ્તારો, જેમ કે રાજકોટ, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, લખતર, લીમડી,માં પણ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ભરૂચ, જંબુસર, વડોદરા, બોરેલીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ, મહેસાણા, પાટણ, હારીજ, અરવલ્લી અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદનો ખતરો છે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 20 અને 21 ઓગસ્ટના રોજ મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. આ દિવસોમાં શહેરોમાં જળબંબાકાર અને ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ શકે છે. 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા યથાવત રહેશે, તેથી લોકો અને ખેડૂતોને પૂર સામે સાવધાન રહેવું જરૂરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 11.30 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે પાટણ-વેરાવળમાં 5.67 ઇંચ, કોડીનારમાં 4.96 ઇંચ, ગીર ગઢડામાં 4.84 ઇંચ, ઉનામાં 2.60 ઇંચ અને તાલાલામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં મેઘમહેર જોવા મળી હતી. સવારે 6થી 8માં માંગરોળમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીનામાં 1.34 ઈંચ વરસાદ વરસ્યો હતો. માંગરોળ-કેશોદ રોડ પર પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. 24 કલાક 11 ઈંચ વરસાદથી સુત્રાપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં વેરાવળમાં 6, કોડીનાર-ગીર ગઢડામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો હતો.