રશિયા મોટા હુમલાની તૈયારીમાં : પ્રધાનમંત્રી મોદી આજે ઝેલેન્સકી અને પુતિન સાથે વાત કરશે
War Updates : રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલા બાદ બન્ને દેશો વચ્ચે ફાટી નીકળેલ યુદ્ધનો (Russia Ukraine war) આજે બારમો દિવસ છે. રશિયાના લગાતાર હુમલાઓ વચ્ચે યુક્રેનને ભારે નુકસાન અને ખાનાખરાબીનો (Ukraine crisis) સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (zelensky) સતત અમેરિકા, નાટો અને ભારત સહિતના દેશો પાસે મદદ માંગી રહ્યા છે. બીજી તરફ રશિયાના પ્રમુખ પુતિન (Putin) પોતાની રાષ્ટ્રીય સુરક્ષા મામલે સહેજ પણ નમતું જોખવા તૈયાર નથી. ઉલટાનું રશિયા આજે યુક્રેનની રાજધાની કિવ સહિતના શહેરો પર પોતાના હવાઈ હુમલાઓ વધુ તેજ બનાવશે એવી વકી છે. રશિયા તરફથી રોકેટ લોન્ચર્સનું ફાયરિંગ શરુ થી ચૂક્યું છે.
આ દરમિયાન આજે સવારે રશિયાએ યુક્રેનના માયકોલાઈવ (Mykolaiv) શહેર પર જોરદાર હુમલો કરી દીધો છે. રશિયન સેનાએ આ હુમલા માટે મોટા પાયે રોકેટ લોન્ચર્સનો ઉપયોગ કર્યો છે. રશિયા હબે ખાર્કિવ અને રાજધાની કિવ ઉપર પણ મોટા હુમલાઓની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા 36 કલાક દરમિયાન રશિયન સેનાએ આ હુમલાઓ માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે લુહાન્સ્ક શહેરમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ આ વિસ્ફોટને કારણે તેલના ડેપોમાં આગ લાગી ગઈ છે! અમેરિકન ન્યૂઝ ચેનલ CNN ને એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેન પર 600 મિસાઈલ્સ છોડી છે. આ બધા વચ્ચે ભારતીયો માટે રાહતના સમાચાર એવા છે કે યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબાર દરમિયાન ઘાયલ થયેલા ભારતીય નાગરિક હરજોતસિંહ આજે પોલેન્ડ પહોંચ્યા છે. એમની સાથે ભારતીય રાજદ્વારી પણ મોજૂદ છે. હરજોતસિંહે જાતે વિડીયો રિલીઝ કરીને પોતાના ક્ષેમકુશળની માહિતી આપી હતી, અને આ તબક્કે સપોર્ટ આપનાર સહુનો આભાર માન્યો હતો.
ભારત પોતાના વિદ્યાર્થીઓ-નાગરિકોને યુદ્ધક્ષેત્રમાંથી સહીસલામત બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા દ્વારા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. શનિવારે પુતિને ભારતીય વિદ્યાર્થીઓ સહિતના વિદેશી નાગરિકોને સહીસલામત ભાર નીકળી જવા માટે બે શહેરમાં યુદ્ધવિરામ પણ આપ્યો હતો.જો કે આજે પાછી પરિસ્થિતિ વણસી છે. એ નિમિત્તે મહત્વના સમાચાર એ છે કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી અને રશિયાના પ્રમુખ પુતિન સાથ વાતચીત કરશે.
ભારત આ મામલે પહેલેથી જ હિંસાને બદલે વાતચીતના આધારે મડાગાંઠનું નિરાકરણ લાવવાની તરફદારી કરી રહ્યું છે. યુએનમાં થયેલા મતદાન સમયે પણ ભારત તટસ્થ રહ્યું હતું. આથી અમેરિકા, યુક્રેન અને રશિયા ભારતને પોતાની તરફેણમાં લેવા માટે શરૂઆતથી જ પ્રયત્નો કરી રહ્યા છે. આથી આ તબક્કે ભારતીય પ્રધાનમંત્રીની બન્ને મહત્વના નેતાઓ સાથેની વાતચીત પર વિશ્વની નજર રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp