સૌથી વધારે ઓનલાઇન ફ્રોડ UPIના માધ્યમથી થઈ રહ્યા છે, ત્યારે બચવા માટે અપનાવો આ નાના ઉપાયો! જાણો વિગતે
આજના ડિજિટલાઈઝેશનના જમાનામાં UPIએ આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. ઉપરાંત તેણે વ્યવહારોની સરળતા વધારી દીધી છે, જો કે સામે તેટલું જ જોખમ પણ વધારી દીધું છે. આજે એક ક્લિકમાં પેમેન્ટ કરી શકાય છે, પરંતુ આ જ ઉતાવળ ઘણીવાર મોંઘી સાબિત થાય છે. મોટાભાગના UPI ફ્રોડ કોઈ મોટા સિસ્ટમ હેકને કારણે નહીં, પરંતુ આપણી નાની-નાની બેદરકારીઓથી થતા હોય છે. જેમ કે, વાંચ્યા વિના 'કલેક્ટ રિક્વેસ્ટ' સ્વીકારવી, નકલી કસ્ટમર કેર પર વિશ્વાસ કરવો કે ઉતાવળમાં QR કોડ સ્કેન કરી દેવો- આ જ સામાન્ય ભૂલો સાયબર ઠગ્સ માટે સૌથી મોટી તક બની જતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં “Pay” દબાવતા પહેલા એક સેકન્ડ માટે થોભવું એ ખૂબ જરૂરી છે.
આજે લગભગ દરેક નાનું-મોટું પેમેન્ટ UPI દ્વારા થાય છે. ફોન કાઢ્યો અને સેકન્ડોમાં ચૂકવણી થઈ ગઈ. આ જ ઝડપ ધીમે ધીમે આદત બની જાય છે અને વિચારવાનો સમય ઓછો થઈ જાય છે. અને ત્યારે જ અસલ સમસ્યા એ છે. આપણી ભૂલ ફ્રોડ કરનારાઓ માટે રસ્તો ખોલી દે છે. તેઓ આ જ ઉતાવળ અને વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે. મોટે ભાગે છેતરપિંડી કોઈ હેકરથી નહીં, પરંતુ આપણી ઉતાવળથી શરૂ થાય છે. કોઈ અજાણ્યો વ્યક્તિ કહે છે કે તે પૈસા મોકલી રહ્યો છે અને આપણે ધ્યાન આપ્યા વિના 'કલેક્ટ રિક્વેસ્ટ' સ્વીકારી લઈએ છીએ. ક્યારેક રિફંડના નામે આવેલી લિંક પર ક્લિક કરી દઈએ છીએ. ઘણીવાર કોઈ પોતાને કસ્ટમર કેર જણાવીને સ્ક્રીન-શેરિંગ એપ ડાઉનલોડ કરાવી લે છે. પેમેન્ટ જેટલી ઝડપથી કરીએ છીએ, નિર્ણય પણ એટલી જ ઝડપથી લઈએ છીએ અને અહીં જ ભૂલ કરી બેસીએ છીએ.
આજે તમામ ઉંમરના લોકો UPI નો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે બધાની ડિજિટલ સમજણ એકસરખી નથી હોતી. તેથી, ઘરમાં કેટલાક સ્પષ્ટ ડિજિટલ નિયમો નક્કી કરવા ખૂબ જ જરૂરી છે. જેમ કે વગર કારણે 'કલેક્ટ રિક્વેસ્ટ' સ્વીકાર ન કરવી, OTP કોઈને ન જણાવવો, અજાણી લિંક ન ખોલવી અને પૂછ્યા વિના કોઈ નવી એપ ઇન્સ્ટોલ ન કરવી, QR કોડ સ્કેન કરતી વખતે નામ તપાસવું, ઉતાવળમાં પેમેન્ટ કન્ફર્મ ન કરી દેવું, નકલી કસ્ટમર કેર કોલ પર વિશ્વાસ ન કરી લેવો વગેરે વગેરે.
કેટલીક સાવચેતીઓથી UPI મોટાભાગે સુરક્ષિત બની શકે છે. જેમ કે, ખર્ચ અને બચત માટે અલગ-અલગ એકાઉન્ટ રાખો, રોજિંદા પેમેન્ટવાળા એકાઉન્ટમાં ઓછું બેલેન્સ રાખો, બેંક એપમાં ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરો, ફોનમાં મજબૂત લોક રાખો અને UPI એપ માટે અલગ અને મજબૂત PINનો ઉપયોગ કરો વગેરે. મોટે ભાગે આ જ એક સેકન્ડ ફ્રોડથી લોકોને બચાવે છે. માટે QR કોડ સ્કેન કરતા પહેલા નામ જરૂર મેચ કરો. જો કોઈ મેસેજ કે કોલમાં જલ્દી કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોય, તો એલર્ટ થઈ જાઓ. થોડો વિચાર અને સતર્કતા ડિજિટલ છેતરપિંડીના જોખમને ઘટાડે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp