મેસ્સીને જોવા આવેલા ચાહકો થયા બેકાબુ, હંગામો મચાવી કર્યો વિરોધ, જુઓ વિડિયો
ફૂટબોલના બાદશાહ ગણાતા લિયોનેલ મેસ્સી પોતાના ત્રણ દિવસના ભારત પ્રવાસ દરમિયાન આજે કોલકાતાની મુલાકાતે હતા. લિયોનેલ મેસ્સીનો કોલકાતા પ્રવાસ જે ફૂટબોલ ચાહકો માટે ઐતિહાસિક અને યાદગાર બનવાનો હતો, તે કાર્યક્રમમાં અવ્યવસ્થાના કારણે હંગામો મચી ગયો હતો. સોલ્ટ લેક સ્થિત સ્ટેડિયમમાં GOAT ટૂરના ભાગરૂપે મેસ્સીને જોવા માટે હજારો ચાહકો કલાકો પહેલા પહોંચી ગયા હતા, પરંતુ મેસ્સી સમય કરતાં પહેલા કાર્યક્રમ છોડી જતાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
માહિતી અનુસાર, સ્ટેડિયમની અંદર પ્રવેશ અને બેઠક વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હોવાથી ઘણા ચાહકોને તેમના પ્રિય ફૂટબોલ આઇકોનને નજીકથી જોવાનું તો દૂર, પરંતુ મેસ્સીની એક ઝલક પણ જોવા ન મળતા વાતાવરણ તંગ બન્યું હતું. ગુસ્સે ભરાયેલા ચાહકોએ પોસ્ટરોમાં તોડફોડ કરી, બોટલો ફેંકી અને સ્ટેડિયમની અંદર વિરોધ શરૂ કર્યો. પરિસ્થિતિ ઝડપથી વણસતા સુરક્ષા એજન્સીઓને વધારાના દળો તૈનાત કરવા પડ્યા. અફરાતફરી વચ્ચે, મેસ્સીને અન્ય VVIP મહેમાનો સાથે કડક સુરક્ષા હેઠળ બહાર કાઢવામાં આવ્યો. એવું કહેવાય છે કે મેસ્સી 10 મિનિટથી ઓછા સમય માટે સ્ટેડિયમની અંદર હતો. સ્ટેડિયમની અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટપણે તોડફોડ, ધક્કામુક્કી અને અરાજકતા જોવા મળી રહી છે.
લિયોનેલ મેસ્સીને જોવા માટે લોકોએ મોટી સંખ્યામાં ટિકિટ ખરીદી હતી અને ઘણા ચાહકો માટે આ પ્રસંગ ખૂબજ ઉત્સાહજનક હોવા છતાં માત્ર 10 મિનિટ માટેની મુલાકાતે તેઓ કાંઈ ખાસ જોઈ શક્યા નહીં. એક ચાહકે જણાવ્યું કે, “ખૂબ જ નિરાશાજનક અનુભવ. મેસ્સી ફક્ત 10 મિનિટ માટે આવ્યો. તમામ રાજકારણીઓ અને મંત્રીઓ તેની આસપાસ હતાં, અમને કાંઈ જોવાનું અવસર મળ્યો ન હતો. અમે લાખો રૂપિયા ખર્ચ્યા, પરંતુ હકીકતમાં કંઈ મેળવી શક્યા નહીં.” આ તરફ અન્ય એક ચાહકે ટિપ્પણી કરતાં કહ્યું, મેસ્સી સંપૂર્ણપણે રાજકારણીઓ અને અભિનેતાઓથી ઘેરાયેલો હતો. ટિકિટ માટે ₹12,000 ખર્ચ્યા હતા પરંતુ તેમનો ચહેરો પણ નજરે નહોતો પડ્યો. લિયોનેલ મેસ્સીના પ્રવાસ દરમિયાન બનેલ આ ઘટનાથી આયોજકો અને વહીવટીતંત્ર પર પણ સવાલો ઊભા થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp