BIG BREAKING : રશિયાએ બે શહેરોમાં જાહેર કર્યો યુદ્ધવિરામ, જેથી સામાન્ય નાગરિકો સહીસલામત બહાર નીકળી શકે
WAR UPDATES : આજે યુદ્ધનો દસમો દિવસ છે. એ દસ દિવસ દરમિયાન યુક્રેન પર રશિયન હુમલાઓ સતત ચાલુ જ રહ્યા છે. સાથે જ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સહિતના હજારો વિદેશીઓને સહીસલામત બહાર કાઢવાનો પ્રશ્ન પણ બહુ મોટો છે. ભારતના સેંકડો વિદ્યાર્થીઓ હજી પણ યુક્રેનમાં ફસાયેલા છે. યુદ્ધ શરુ થયા એ પહેલા જ ભારત, અમેરિકા સહિતના દેશોએ પોતપોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરી મુજબ યુક્રેનમાં વસતા વિદેશીઓએ બનતી ત્વરાએ પોતપોતાના દેશમાં પાછા ફરવું, એવો સ્પષ્ટ નિર્દેશ હતો. છતાં ભારત સહિતના અનેક દેશોના હજારો લોકોએ આ એડવાઈઝરીને અવગણીને યુક્રેનમાં રહેવાનું જ પસંદ કર્યું હતું. પરંતુ હવે યુદ્ધ શરુ થયા બાદ વોરઝોનમાં ફસાયેલા આ લોકોની સુરક્ષાની ચિંતા ભારત સહિતના તમામ દેશોને સતાવી રહી છે.
મળતી માહિતી મુજબ ભારતીય સમય પ્રમાણે સવારે સાડા અગિયાર વાગ્યાથી આ યુદ્ધવિરામ (sease fire) લાગુ પાડવામાં આવશે. રશિયા તરફથી એવું કહેવાઈ રહ્યું છે કે જ્યાં સુધી ભારતીયો સહિતના વિદેશીઓ સહીસલામત બહાર નીકળી ન જાય ત્યાં સુધી રશિયા તરફથી હુમલાઓ કરવામાં નહિ આવે.
જો કે આ યુદ્ધવિરામ વિષે આ લખાય છે ત્યાં સુધીમાં હજી કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી. રશિયાએ બે શહેરો પૂરતો સાડા પાંચ કલાકનો યુદ્ધવિરામ આપ્યો છે, જે પૈકી એક શહેરનું નામ મારીયુપોલ (Mariupol) છે, જ્યારે બીજું શહેર ડોનેત્સ્ક (Donetsk) છે. આ બે શહેરો સિવાયના વિસ્તારોમાં સતત યુદ્ધ સાઇરનો વાગી રહી છે અને રશિયન હુમલાઓ ચાલુ જ છે.
મારિયુપોલ યુક્રેનની દક્ષિણ-પૂર્વમાં સાડા ચાર લાખની વસ્તી ધરાવતું શહેર છે. અહીં બંદરો આવેલા હોવાના કારણે તેનું મહત્વ અન્ય શહેરો કરતા વધી જાય છે. હાલ અહીં રશિયન સેના ઘૂસી ગઈ છે. જો આ શહેર પર રશિયાનો કબજો થઇ જાય તો તે ક્રીમિયા (જે હાલ રશિયાના કબજામાં છે) અને બે અલગાવવાદી ક્ષેત્રો લુહાન્સ્ક અને દોનેત્સ્ક વચ્ચે કોરિડોર પૂરું પાડશે, જે રશિયાને ઘણું ફાયદાકારક નીવડી શકે છે.
આ ઉપરાંત અન્ય એક શહેર વોલ્નોવાકા જે શહેર નાનું છે પરંતુ તે મારિઓપોલ અને દોનેત્સ્કની વચ્ચે આવેલું છે. તેની ઉપર પણ કબજો થઇ જાય તો તે રશિયાના કબજામાં રહેલા વિસ્તારોને જમીન માર્ગે જોડી દેશે. હાલ અહીં પણ રશિયન સેનાએ ઘેરો ઘાલ્યો છે.
રશિયાએ ભારતીય છાત્રો સહિતના લોકોને સહીસલામત બહાર નીકળી જવા માટે બુધવારની મીટિંગમાં જ અંદેશો આપી દીધો હતો. બુધવારના રોજ રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ખાતરી આપતા કહ્યું હતું કે પૂર્વ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માનવતાવાદી માર્ગ બનાવવા માટે કામ કરી રહ્યું છે તેમજ ખારકિવમાં થયેલ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની તપાસ પણ કરશે. અલીપોવે વધુ જણાવતા કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા યુક્રેનના સંઘર્ષ વિસ્તારમાં અટવાયેલા ભારતીય નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત રશિયન પ્રદેશમાં સ્થળાંતર માટેની વિનંતીઓ મળી છે અને ભારતીય નાગરિકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર થઇ શકે તે માટે કોરીડોર બનાવવા રશિયન સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp