અમેરિકા સાવ માટીપગું પુરવાર થયું? શું હવે પોલેન્ડને બલિનો બકરો બનાવશે? ભારતે આમાંથી લાંબાગાળાનો બોધપાઠ લેવો જોઈએ
War Updates : અમેરિકાએ યુક્રેનને સીધી મદદ પહોંચાડવામાં સાફ નન્નો ભણી દીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હાલત ‘ન ઇધર કે, ન ઉધરકે’ જેવી થઇ ગઈ છે. યુદ્ધને (Russia Ukraine war) કારણે જાન-માલનું જે ગંજાવર નુકસાન જઈ રહ્યું છે, એનાથી યુક્રેન દેશ પોતાના વિકાસના પથ પરથી કદાચ ત્રણચાર દાયકા પાછળ ફેંકાઇ જાય તો નવાઈ નહિ! અત્યારે બધા દેશો યુક્રેનને બેઠું થવામાં આર્થિક, ટેકનોલોજીકલ મદદ કરશે, એવું કહી રહ્યા છે. પરંતુ એક્કેય દેશ યુક્રેનને અત્યારે થઇ રહેલા નુકસાન અટકાવવા માટે સીધી દખલ કરવા તૈયાર નથી! આ એક પ્રકારની ‘આંતરરાષ્ટ્રીય વિટંબણા’ ગણાય! એમાં જગત જમાદાર ગણાતો અને ‘વિશ્વની એકમાત્ર મહાસત્તા’નું લેબલ ચોંટાડીને ફરતો દેશ અમેરિકા (USA) સાવ માટીપગો પુરવાર થઇ રહ્યો હોવાનું લાગી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ કંઈ આજકાલનો નથી. હાલમાં રશિયન આક્રમણના પગલે જે કટોકટી (Ukraine crisis) પેદા થઇ છે, એના મૂળિયા ખૂબ જુના છે. હકીકતે સંયુક્ત રાજ્ય રશિયા (USSR)ના વિઘટન પછી એમાંથી છુટા પડેલા દેશો કોને ભરોસે રહેશે, એ મોટી ચિંતાનો વિષય હતો. અમેરિકા અને સંયુક્ત રશિયા વચ્ચે ચાલેલી લાંબી કોલ્ડ વોર બાદ અમેરિકા (USA) અને યુરોપ ઇચ્છતા હતા કે રશિયા હંમેશા નબળું જ રહે, જેથી અમેરિકા આખી દુનિયા પર એકહથ્થુ શાસન કરી શકે. આ માટે રશિયામાંથી છૂટા પડેલા યુક્રેન સહિતના દેશોને પોતાના પક્ષે કરી લેવા જરૂરી હતા. જો NATOના માધ્યમથી યુક્રેન લશ્કરી દ્રષ્ટિએ યુરોપ સાથે કરારબદ્ધ થઇ જાય, તો ભવિષ્યમાં યુરોપિયન દેશો અને અમેરિકા યુક્રેનની ભૂમિ ઉપરથી લશ્કરી ઓપરેશન્સ પાર પાડી શકે.
આનાથી સ્વાભાવિક રીતે જ રશિયા માટે ખતરો ઉભો થાય. પણ રશિયા પણ આ ખેલ સમજતું હતું. ખાસ કરીને KGBના વડા તરીકે સેવાઓનો લાંબો અનુભવ ધરાવતા પુતિન બધું બરાબર સમજતા હતા. એટલે ગમે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણ થવું નક્કી જ હતું. યુક્રેન યુરોપ અને અમેરિકાના સમર્થન પર આધારિત હતું. પણ રશિયાએ જ્યારે ખરેખર હુમલો કર્યો ત્યારે અમેરિકા અને NATO દેશો યુક્રેનને સીધી લશ્કરી મદદ કરવા આગળ આવ્યા જ નહિ! એમણે માત્ર શસ્ત્રોની મદદ માટે જ તૈયારી દર્શાવી.
અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે ગમે એટલા શસ્ત્રો હોય, પણ એનો ઉપયોગ કરનારા સૈનિકોની અછત હોય તો એ દેશ યુદ્ધભૂમિમાં કેટલુંક ટકી શકે?! યુક્રેન, રશિયા અને અમેરિકા સહિતના તમામ દેશો આ તથ્ય બરાબર સમજે છે. યુક્રેનમાં પોતાની સેના મોકલવાને બદલે અમેરિકા માત્ર શસ્ત્રો મોકલાવી રહ્યું છે. વળી આ શસ્ત્રો પણ મિત્ર દેશો તરફથી મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકા કોઈ કાળે સીધી રીતે આ યુધ્ધમાં ઉતરવા નથી માંગતું. એવું કહેવાય છે કે અમેરિકા ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય, એટલા માટે થઈને લશ્કરી મદદ નથી કરતું. પણ અમેરિકા સિવાયના દેશો પણ એક યા બીજી રીતે યુક્રેનને મદદ કરે તો પણ ધૂંધવાયેલું રશિયા આ દેશો પર હુમલો કરી શકે છે, જે પરિસ્થિતિ અંતે તો મહાયુદ્ધ તરફ જ દોરી જાય! ઝેલેન્સ્કી (zelensky) બિચારા NATO અને અમેરિકા પાસે મદદની ભીખ માંગી માંગીને થાક્યા છે, પણ મિડીયા મેનેજમેન્ટ સિવાયની કોઈ મદદ નથી મળી રહી, અને યુક્રેન દિવસે દિવસે તબાહ થતું જાય છે! આનાથી સારું તો એ છે કે અમેરિકા પોતે ક્લિયર સ્ટેન્ડ લે. અમેરિકાની આવી ઢીલીપોચી નીતિથી બેખોફ થઈને પુતિન (Putin) હુમલાઓ તેજ બનાવી રહ્યા છે. આ તબક્કે અમેરિકાએ જાતે સૈન્ય મોકલવાને બદલે પોલેન્ડને કહ્યું છે કે યુક્રેનની મદદ માટે પોતાના વિમાન મોકલે!
બીજી તરફ રશિયાએ ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો કોઈ દેશ યુક્રેનને લશ્કરી મદદ કરવા માટે સામે આવશે, તો રશિયા એ દેશને પોતાનો દુશ્મન ગણી લેશે! આનો સીધો અર્થ એ થાય કે પોલેન્ડ જો યુક્રેનની મદદે પોતાનું હવાઈદળ મોકલે તો રશિયા યુક્રેનને બાજુએ રાખીને સીધો પોલેન્ડ પર હુમલો કરે! ટૂંકમાં, પોલેન્ડની હાલત ‘સુડી વચ્ચે સોપારી’ જેવી થઇ ગઈ છે!
આ બધામાંથી ભારતે એ બોધપાઠ લીધો જ હશે, કે ભૂતકાળમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઈકની માફક જો આપણી સુરક્ષા માટે આપણે દુશ્મન પડોશી પર હુમલો કરીએ, તો આંતરરાષ્ટ્રીય દબાણો પણ બેઅસર બની જાય છે!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp