Parliament Monsoon session: વિદેશ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે જણાવ્યું- અમેરિકાએ કેટલા ભારતીયોને ડિપોર્ટ કર્યા
Over 1,700 Indians deported by US in 2025; most from Punjab, Haryana: અમેરિકાએ અત્યાર સુધીમાં વર્ષ 2025માં એટલે કે 7 મહિનામાં કુલ 1,703 ભારતીય નાગરિકોને દેશમાંથી દેશનિકાલ (ડિપોર્ટ) કર્યા છે, જેમાં 141 મહિલાઓનો સમાવેશ થાય છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે શુક્રવારે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 2020-2024 વચ્ચે 5541 ભારતીયોને અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. આ વર્ષે (2025), 22 જુલાઈ સુધી, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 1,703 છે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષ (2020-2024)માં બ્રિટનમાંથી 311 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જ્યારે 2025માં અત્યાર સુધીમાં આ સંખ્યા 131 છે.
સમાચાર એજન્સી અનુસાર, સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે બ્રિટનમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં થોડો તફાવત હોઈ શકે છે કારણ કે કેટલાક કિસ્સાઓમાં માન્ય દસ્તાવેજો ધરાવતા લોકોને સીધા જ દેશનિકાલ કરવામાં આવે છે અને જેમને ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યૂમેન્ટ્સ (ETD) જાહેર કરવામાં આવ્યા હતા તે બધાનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે ઘણી વખત વ્યક્તિઓ અપીલ દાખલ કરે છે.
સરકારી માહિતી અનુસાર, 1703માંથી સૌથી વધુ 620 લોકો પંજાબના છે. ત્યારબાદ હરિયાણાથી 604, ગુજરાતથી 245 અને જમ્મુ- કાશ્મીરથી 10 લોકોને અમેરિકા દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 6 લોકોની રાજ્યોની સ્પષ્ટ ઓળખ થઈ શકી નથી.
કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીથી 22 જુલાઈ, 2025 દરમિયાન અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 1,703 ભારતીયોમાં 1,562 પુરુષો અને 141 મહિલાઓ હતી. સરકારે અમેરિકા દ્વારા દેશનિકાલ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અંગે પણ માહિતી આપી. મંત્રીએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં 333 ભારતીયોને અમેરિકન લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. માર્ચમાં, 231 લોકોને US ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના ચાર્ટર્ડ વિમાનો દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં, 300 ભારતીયોને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS)ના ચાર્ટર્ડ વિમાનો દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, પનામાથી 72 લોકો કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા અલગ અલગ સમયે ભારત પરત ફર્યા હતા અને 767 ભારતીયોને અમેરિકાથી કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. આ લોકો વ્યક્તિગત રીતે અથવા નાના જૂથોમાં પાછા ફર્યા હતા.
DMKના સાંસદ કનિમોઝીએ વિદેશ મંત્રાલયને પણ પૂછ્યું હતું કે શું ભારત સરકારે અમેરિકાથી ડિપોર્ટી કરાયેલા નાગરિકો સાથે વધુ સારા સંકલન અને માનવીય વ્યવહારમાટે કોઈ રાજદ્વારી પગલાં લીધા છે. તેના પર, મંત્રીએ જવાબ આપ્યો કે ભારત સરકાર આ મુદ્દા પર અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારત સરકારે ડિપોર્ટેશન દરમિયાન, ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે, સાંકળોના ઉપયોગ અંગે અમેરિકન અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે, ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી અને ભારતે પાઘડી પહેરવા અને ખોરાકની પસંદગીઓ અંગે અમેરિકા સમક્ષ ઔપચારિક રીતે મુદ્દો ઉઠાવ્યો છે. મંત્રીએ કહ્યું કે 5 ફેબ્રુઆરી, 2025થી, મંત્રાલયને કોઈપણ ડિપોર્ટી ફ્લાઇટમાં ગેરવર્તણૂકની કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp