ધીમા પડેલા ચોમાસાએ ગુજરાતમાં ફરી ગતિ પકડી, IMD ની ગુજરાત સહિતના આ રાજ્યોને ચેતવણી!, વહીવટીતંત્ર અને સામાન્ય લોકોને સાવધ રહેવાની સલાહ
ગુજરાતમાં લાંબા સમયથી ગાયબ એવા વરસાદનો બીજો રાઉન્ડ ધડબડાટી બોલાવી રહ્યો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલ વરસાદ ચોતરફ મેઘમહેર વરસાવી રહ્યો છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, જન્માષ્ટમીના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 1.22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગાંધીનગરમાં 0.94 ઈંચ, સુરતમાં 0.43 ઈંચ, છોટા ઉદેપુરમાં 0.39 ઈંચ અને નર્મદામાં 0.35 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય તાપીમાં 0.24, વલસાડ 0.12, જૂનાગઢ અને બનાસકાંઠામાં 0.08, તેમજ મહેસાણા, કડી, ડાંગ, નવસારી અને તાપીમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકા વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતના વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ 5 મી સિસ્ટમ સક્રિય થશે. 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ રહેશે. અને 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવા લાગશે. તેથી માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચનાઓ અપાઈ છે. ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવા પામી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ સ્થાનિક વહીવટીતંત્ર અને સામાન્ય લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 7 દિવસ માટે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 અને 18 ઓગસ્ટના રોજ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં હવામાન થોડા દિવસોથી શાંત હતું અને ચોમાસું પણ ધીમું પડ્યું હતું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમા આગામી સમયમાં ફરી વરસાદી માહોલ છવાશે. તેમજ આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ તા. 17 થી 22 ઓગસ્ટ દરમ્યાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp