રશિયન રાજદૂતે કહ્યું “નિષ્પક્ષ વલણ માટે આભારી છીએ, ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા હ્યુમન કોરીડોર બનાવીશું”
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસ પસાર થતાની સાથે વધુ ડરામણું થતું જાય છે. આ યુદ્ધને કારણે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોની સ્થિતિ પણ વધુ ખરાબ બની રહી છે. મંગળવારના રોજ 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃત્યુ બાદ પૂર્વ યુક્રેનના ખાર્કિવ, સુમી અને અન્ય સંઘર્ષ વિસ્તારોમાં ફસાયેલા લગભગ 4,000 ભારતીયોની સુરક્ષા ભારત સરકારની ટોચની પ્રાથમિકતા બની ગઈ છે.
બુધવારના રોજ રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ખાતરી આપતા કહ્યું હતું કે પૂર્વ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માનવતાવાદી માર્ગ બનાવવા માટે કામ કરી રહ્યું છે તેમજ ખારકિવમાં થયેલ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની તપાસ પણ કરશે. અલીપોવે વધુ જણાવતા કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા યુક્રેનના સંઘર્ષ વિસ્તારમાં અટવાયેલા ભારતીય નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત રશિયન પ્રદેશમાં સ્થળાંતર માટેની વિનંતીઓ મળી છે અને ભારતીય નાગરિકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર થઇ શકે તે માટે કોરીડોર બનાવવા રશિયન સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે.
વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃત્યુ અંગે અલીપોવે સંવેદના પાઠવી હતી અને વિદ્યાર્થીના પરિવારજનોને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સંઘર્ષ વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્ય હશે તેટલા પ્રયાસો કરશે.
અલીપોવે વર્ચુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે રશિયન સરકાર આશા રાખે છે કે જલ્દીથી માનવતાવાદી કોરિડોર ગોઠવવામાં આવે જેથી કરીને આ સંઘર્ષ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને રશિયન પ્રદેશમાં ખસેડી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, રશિયા યુક્રેનમાં શક્ય હોય એટલું જલ્દી સેનાની કાર્યવાહી બંધ કરવા માંગે છે કારણ કે પરિસ્થિતિ બંને દેશો માટે નુકશાનકારક છે.
તેમણે વધુ જણાવતા કહ્યું હતું કે ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને રશિયન સરકાર સતત ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે તેમજ ખાર્કિવ, સુમી અને અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતના નાગરિકોના અધિકારીઓના સંપર્કમાં પણ છે.
યુક્રેનની પરિસ્થિતિ પર તાજેતરની બેઠકો દરમિયાન યુએનમાં ભારતે પોતાને નિષ્પક્ષ જાહેર કર્યો હતો. ભારતના આ નિર્ણયની પ્રશંસા કરતા જણાવ્યું હતું, "ભારત સાથે અમારા ખુબ જ જુના સંબંધો છે અને યુએનમાં નિષ્પક્ષ રહેવાના નિર્ણય માટે ખુબ જ આભારી છીએ."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp