રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર : આજે ક્વોડની બેઠક મળશે, પીએમ મોદી-જો બાઈડન ભાગ લેશે
વર્લ્ડ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી ચાલતું યુદ્ધ હજુ પણ શમવાનું નામ લઇ રહ્યું નથી. બીજી તરફ, ભારત સરકાર યુક્રેનમાંથી પોતાના નાગરિકોને સલામત પાછા લાવવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. જે મામલે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે બીજી વખત વાતચીત કરી હતી.
આ તરફ અમેરિકા સહિતના દેશો આંતરરાષ્ટ્રીય મોરચે રશિયાને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાએ યુક્રેન પર કરેલ આક્રમણને વખોડવા માટે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના મતો રશિયાની વિરુદ્ધમાં પડ્યા હતા જ્યારે ભારત, ચીન, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશો મતદાનથી દૂર રહ્યા હતા.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે આજે ક્વોડ દેશોની એક મહત્વની બેઠક મળશે. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનારી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. આ ઉપરાંત આ બેઠકમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના રાષ્ટ્રાધ્યક્ષ પણ સામેલ થશે. બેઠક વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે.
સરકારના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફૂમિયો કીશિદા સામેલ થશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં હિંદ-પેસેફિક મહાસાગરમાં વિકાસ મામલે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં હાલમાં ચાલતા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે પણ ચર્ચા થઇ શકે તેવું મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે. જોકે, આ મામલે વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી નથી.
હિંદ મહાસાગરમાં ત્સુનામી બાદ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ આફત રાહત પ્રયાસોમાં સહયોગ માટે એક અનૌપચારિક સંગઠન બનાવ્યું હતું. આ ચાર દેશોનું સંગઠન છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે.
રશિયન સરકાર તરફથી ગઈકાલે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે યુક્રેન ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને તેમનો ઉપયોગ કવચ તરીકે કરી રહ્યું છે. યુક્રેને પણ સામે દાવો કર્યો હતો કે ભારતીય વિદ્યાર્થીઓને તેમણે નહીં પરંતુ રશિયન સેનાએ બંધક બનાવ્યા છે. જોકે, ભારત સરકારે બંને દેશોના આ દાવાને નકારી દીધા છે.
વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે તેમને એવા કોઈ રિપોર્ટ મળ્યા નથી જેમાં કોઈ ભારતીયને બંધક બનાવવામાં આવ્યા હોય. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાં ફસાયેલા ભારતીયો સાથે સતત સંપર્કમાં છે અને હજુ સુધી આ પ્રકારના કોઈ સમાચાર મળ્યા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp