IND Vs ENG 2nd Test: શુભમન ગિલને લઇને થયેલી આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ! એક વર્ષ અગાઉ થઈ ગઈ હતી મોટી જાહેરાત, દિગ્ગજ ખેલાડીની પોસ્ટ વાયરલ
IND Vs ENG Test Series: ભારતીય ક્રિકેટને એક નવો 'સુપરસ્ટાર' મળ્યો છે, જેનું નામ શુભમન ગિલ છે. ગિલે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનતા જ એક બાદ એક રેકોર્ડ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તેણે ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી અને હવે બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ગિલનો ટેસ્ટ રેકોર્ડ વધારે સારો નહોતો, પરંતુ તેના મહાન ખેલાડી બનવાની આગાહી એક વર્ષ અગાઉ થઈ ગઈ હતી.
ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસને પોતાની એક જૂના ટ્વિટનો ફોટો શેર કર્યો છે. ફેબ્રુઆરી 2024માં કરેલી આ પોસ્ટમાં, પીટરસને દાવો કર્યો હતો કે જો ગિલને થોડો સમય આપવામાં આવે, તો તે એક મહાન ખેલાડી તરીકે ઉભરી આવશે. પીટરસને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ‘જેક્સ કાલિસની પ્રથમ 10 ટેસ્ટ મેચોમાં સરેરાશ માત્ર 22 હતી, પરંતુ પછીથી તે ક્રિકેટ ઇતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક બની ગયા. શુભમન ગિલની મહાનતા શોધવા માટે તેને થોડો સમય આપો.’
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી અગાઉ શુભમન ગિલે 32 ટેસ્ટ મેચની 59 ઇનિંગ્સમાં 1,893 રન બનાવ્યા હતા. તે સમયે તેની સરેરાશ 35.06 હતી. હવે તેણે ઇંગ્લેન્ડ સામે 3 ઇનિંગ્સમાં 424 રન બનાવ્યા છે. તેણે ઇંગ્લેન્ડ સામે ત્રણ ઇનિંગ્સમાં એક સદી અને એક બેવડી સદી ફટકારી છે. પરિણામે, હવે માત્ર 3 ઇનિંગ્સ પછી, તેમની ટેસ્ટ સરેરાશ વધીને 40.64 થઈ ગઈ છે.
ગિલે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 269 રન બનાવીને ઘણા રેકોર્ડ તોડ્યા. તે ઇંગ્લેન્ડમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. તેમણે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો 221 રનનો રેકોર્ડ તોડ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp