IND Vs ENG 4th Test: ગિલ આઉટ થતા જ અંગ્રેજ ફેન્સે કરી તોછડી હરકત, ખૂબ કરી હુટિંગ
Crowd Started Hooting When Shubman Gill Out: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક ખૂબ જ હેરાન કરી દેનારી ક્ષણ જોવા મળી, જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલને બેન સ્ટોક્સે આઉટ કર્યો. આ ઘટના બાદ અંગ્રેજ ફેન્સ તોછડી હરકત પર ઉતરી આવ્યા અને ગિલની ખૂબ હૂટિંગ કરી, જેના કારણે માહોલ વધુ તંગ બન્યો હતો. અંગ્રેજ ફેન્સ હંમેશા સારા ક્રિકેટના સમર્થક માનવામાં આવે છે, પરંતુ ગિલની વિકેટ બાદ ઇંગ્લિશ ફેન્સે જે રીતે હૂટિંગ કરી, તે હેરાન કરી દેનારું હતું. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે લોર્ડ્સમાં થયેલી લડાઈને કારણે માહોલ અત્યારે પણ તણાવપૂર્ણ છે.
વાસ્તવમાં, બીજા સેશનમાં યશસ્વી જયસ્વાલ આઉટ થયા બાદ ગિલ બેટિંગ કરવા આવ્યો હતો અને સાઈ સુદર્શન સાથે ઇનિંગને આગળ વધારવા લાગ્યો. જોકે, ગિલનો ઇરાદો મોટો સ્કોર કરવાનો હતો, ખાસ કરીને લોર્ડ્સ ટેસ્ટની બંને ઇનિંગમાં નિષ્ફળતા બાદ, તે આ ઇનિંગને સારી બનાવવા માગતો હતો. પરંતુ ગિલે જે બોલ છોડી દીધો તે તેની ભૂલનું કારણ બન્યો. સ્ટોક્સે વિકેટની રાઉન્ડ ધ વિકેટ જઈને બોલ ફેંક્યો, તે અંદર આવી રહ્યો હતો અને ગિલે તેને છોડી દીધો. બોલ જઈને સીધો પેડ્સ પર લાગ્યો અને ઇંગ્લિશ ખેલાડીઓએ જોરદાર અપીલ કરી. અમ્પાયર રોડ ટકરે થોડીવાર બાદ ગિલને LBW આઉટ આપી દીધો.
શુભમન ગિલ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી વાર બેન સ્ટોક્સ વિરુદ્ધ આઉટ થયો છે. તે માત્ર 12 રન (23 બોલ) બનાવીને આઉટ થયો હતો અને જ્યારે તે પેવેલિયન પાછો ફર્યો ત્યારે અંગ્રેજ દર્શકોએ હૂટિંગ કરી અને વિવાદાસ્પદ રીતે તેને મેદાનમાંથી મોકલ્યો. ગિલ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો, પરંતુ ત્યારથી તેનું બેટ શાંત છે. લોર્ડ્સ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ હવે તેને માન્ચેસ્ટરમાં પણ મોટી ઇનિંગ્સ રમવાની તક મળી હતી, પરંતુ તેને પણ તેણે ગુમાવી દીધી.
આ અગાઉ, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ભારતને મજબૂત શરૂઆત આપી હતી. સાથે મળીને તેમણે પહેલી વિકેટ માટે 94 રન જોડ્યા હતા. રાહુલ 46 રન (98 બોલ) પર ક્રિસ વોક્સનો શિકાર બન્યો, જ્યારે જાયસ્વાલે 58 રન (107 બોલ)ની લડાયક ઇનિંગ રમી અને લિયામ ડોસનના બોલ પર હેરી બ્રુકને કેચ પકડાવી બેઠો. ત્યારબાદ, ભારતને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પંત રિટાયર્ડ હર્ટ થયો. પંત વોક્સના બોલ પર ઇજાગ્રસ્ત થયો અને મેદાન છોડીને જતું રહેવું પડ્યું. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp