BMC Election, Language Controversy: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માથે તોળાઈ રહી છે. એવા સમયે મુંબઈ અને મહારાષ્ટ્ર પરથી ક્રમશ: પકડ ગુમાવી રહેલો ઠાકરે પરિવાર ફરી એક વાર ચૂંટણી પહેલા સ્ટેજ પર સાથે જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ અને રાજ ઠાકરે આશરે બે સાય્કા જેટલા આંબા સમય બાદ એકસાથે મળીને ચૂંટણી લડવાની વાતો કરે છે. સાથે જ મરાઠીભાષાના મુદ્દાને ચગાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે એમનો આ ‘ચુનાવી મરાઠી પ્રેમ’ ચૂંટણીમાં ફાયદો કરાવશે?
મહારાષ્ટ્રમાં તાજેતરમાં હિન્દી વિરુદ્ધ મરાઠી વિવાદ અને મનસે સમર્થકો દ્વારા થયેલી હિંસા પર થયેલા હોબાળા પર કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આકરી પ્રતિક્રિયા આપી હતી. રવિવારે (6 જુલાઈ) તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ચોક્કસપણે સાથે આવ્યા છે, પરંતુ આ સાથે કેટલો સમય ચાલશે તે ખબર નથી. આઠવલેએ કહ્યું હતું કે મરાઠી ભાષા માટે કામ કરવું જોઈએ પરંતુ હિન્દી જેવી સત્તાવાર ભાષાનો વિરોધ કરવો બિલકુલ યોગ્ય નથી.
આ સાથે, તેમણે આગામી BMC ચૂંટણીઓ અંગે મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે જો રાજ અને ઉદ્ધવ ઠાકરે BMC ચૂંટણી સાથે લડે તો પણ મહાયુતિ જીતશે.
અઠાવલેએ કહ્યું, "દિલ્હીમાં લાખો મરાઠી લોકો રહે છે, દેશભરમાં ફેલાયેલા છે. શું રાજ ઠાકરે તેમનું રક્ષણ કરશે? તેમણે ઉદ્ધવ ઠાકરેને યાદ અપાવ્યું કે બાલા સાહેબે સમાજના દરેક વર્ગ માટે વિંગ બનાવી હતી, જેથી એકતા જળવાઈ રહે. હવે તેમના લોકો ફક્ત હિન્દુઓ પર હુમલો કરી રહ્યા છે. આ બાલા સાહેબ ઠાકરેની વિચારધારા વિરુદ્ધ છે."
રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું, "મનસે કાર્યકરો લોકોને માર મારી રહ્યા છે, આ સારી વાત નથી. હું રાજ ઠાકરેને કહેવા માંગુ છું કે આ પ્રકારની હિંસા મુંબઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે. જો ગુંડાગીરી ચાલુ રહેશે તો મુંબઈને પણ નુકસાન થશે." તેમણે રાજ્ય સરકારને આવા લોકો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ વીડિયો બનાવીને કોઈને થપ્પડ મારે છે, તો તેણે ભૂલવું ન જોઈએ કે એક દિવસ તેને પણ થપ્પડ મારી શકાય છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી. તેમણે રાજ્ય સરકારને યાદ અપાવ્યું કે લોકોની સુરક્ષા કરવાની જવાબદારી તેમની છે અને આમાં કોઈ ઢીલ ન હોવી જોઈએ.
રામદાસ આઠવલેએ કહ્યું, જે લોકો મુંબઈમાં જન્મે છે અને ભલે તેઓ બીજા રાજ્યના હોય, તેઓ મરાઠી સારી રીતે બોલે છે. મરાઠી બોલવું સારી વાત છે, પરંતુ ગુંડાગીરીભર્યા સ્વરમાં કહેવું કે દરેકે મરાઠી બોલવું જોઈએ તે યોગ્ય નથી. આ બિલકુલ ખોટું છે. અમે આની નિંદા કરીએ છીએ.