મરેલાઓને પણ શાંતિથી જીવવા નથી દેતા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ! ભાવનગરમાં લાખોનો થયો ગોટાળો...
તા. 2 જુલાઈ 2025: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં એક ચોંકાવનારો ગોટાળો સામે આવ્યો છે, જેમાં મૃતકોના નામે રોજગારી આપવાના નામે 9 લાખ રૂપિયાના કામમાંથી 4 લાખથી વધુ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારી યોજનાઓની પારદર્શકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શિહોર તાલુકામાં સરકારી યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો પૂરી પાડવા માટે 9 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ ગામના લોકોને રોજગારી આપવાની હતી, જેમાં મજૂરી આધારિત કામોનો સમાવેશ થતો હતો. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કામમાંથી 4 લાખથી વધુ રૂપિયાની રકમનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ ગેરરીતિમાં મૃતકોના નામે પણ રોજગારી બતાવવામાં આવી હતી, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે.
સરકારી મનરેગા યોજના અંતર્ગત જોબ કાર્ડ ધરાવતા લોકોને રોજગારી આપવાની હોય છે. પરંતુ થાળા ગામમાં નિયમો નેવે મૂકીને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ પૈસા ચડાવવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે 2015માં અવસાન પામેલા લોકોના ખાતામાં પણ 2019માં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા અને બાદમાં તે ઉપાડી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડમાં કારકૂનથી માંડીને અધિકારીઓ સુધીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં કૌભાંડ આચરનાર કર્મચારીએ ગ્રામજનો સાથેની વાતચીતમાં આ હકીકત સ્વીકારી હોવાનું કહેવાય છે.
કેવી રીતે ખુલ્યો કૌભાંડનો કિસ્સો?
સ્થાનિક લોકો દ્વારા આ યોજનામાં ગેરરીતિની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રોજગારીના રેકોર્ડમાં એવા લોકોના નામ નોંધાયા હતા, જેઓ અગાઉ મૃત્યુ પામ્યા હતા.
થાળા ગામમાં ભાવુબેન રયાભાઈના નામે પણ મનરેગાની રકમ ઉધારવામાં આવી છે. જોકે, ભાવુબેનનું અવસાન 2016માં જ થઈ ગયું હતું. તેમના નામની રકમ કોણે ઉપાડી લીધી તે એક મોટો પ્રશ્ન છે. આ મૃતક મહિલાના નામે રકમ ચૂકવવાના મામલે ગ્રામ પંચાયતના બે સભ્યોએ ગોલમાલ કરી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ભ્રષ્ટાચારને બહાર લાવવામાં સંજય ડાભી નામના એક ગ્રામજનનો મોટો ફાળો છે. ગ્રામજનો દ્વારા તપાસની માગ આ કૌભાંડને લઈને થાળા ગામના મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનોએ શિહોર તાલુકા પંચાયત અને મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસની માગ કરી છે. આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતના આધારે તપાસ કરવામાં આવશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp