Jio Financial Services: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની કંપની જિયો ફાઇનાન્શિયલે ગુરુવારે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ સાથે, કંપનીએ પોતાના શેરધારકો માટે એક જંગી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (Jio Financial Services) દ્વારા શેરધારકોને આપવામાં આવનારું આ પહેલું કેશ રિવોર્ડ હશે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચ, 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે પ્રતિ શેર 0.50 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ પોતાની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે 31 માર્ચ, 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર દીઠ 0.50 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. જોકે, કંપનીએ પરિણામોની જાહેરાત સાથે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ અને ચૂકવણી તારીખ અંગે માહિતી આપી નથી. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું છે કે, તેની માહિતી યોગ્ય સમયે આપવામાં આવશે.